India vs New Zealand: ન્યુ ઝીલૅન્ડની ભારત પર ઐતિહાસિક જીત, ૩૬ વર્ષના દુષ્કાળનો અંત

20 October, 2024 02:16 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

India vs New Zealand - Test 1, Day 5: ન્યુ ઝીલૅન્ડે ભારતને ૮ વિકેટે હરાવ્યું; ટેસ્ટ સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી; ભારત માટે આગામી બે મેચ મહત્વની

ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓને મેચ જીત્યા પછી અભિનંદન આપતા ભારતીય ખેલાડીઓ (તસવીરઃ પીટીઆઇ)

બેંગ્લુરુ (Bengaluru)ના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M.Chinnaswamy Stadium)માં સખત મહેનત કરવા છતાં, ન્યુ ઝીલૅન્ડ (New Zealand) સામે ભારતીય ટીમ (Indian Cricket Team)ને પ્રથમ ટેસ્ટ મેચ (India vs New Zealand - Test 1)માં હારનો સામનો કરવો પડ્યો છે. ન્યુ ઝીલૅન્ડે બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વરસાદના વિક્ષેપમાં ભારતને ૮ વિકેટે હરાવ્યું હતું. આ સાથે ન્યુ ઝીલૅન્ડે ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયા બાદ ન્યુ ઝીલૅન્ડે આ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. રવિવારે મેચના પાંચમા અને છેલ્લા દિવસે કિવી ટીમને જીતવા માટે ૧૦૭ રનની જરૂર હતી, જે તેણે બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધી હતી.

ન્યુ ઝીલૅન્ડે પ્રથમ દાવમાં ભારતને ૪૬ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પછી, રચિન રવિન્દ્ર (Rachin Ravindra)ના ૧૩૪ રન અને ડેવોન કોનવે (Devon Conway)ના ૯૧ રનની મદદથી ન્યુ ઝીલૅન્ડે તેની પ્રથમ ઇનિંગમાં ૪૦૨ રન બનાવ્યા હતા. સરફરાઝ ખાન (Sarfaraz Khan)ની પ્રથમ ટેસ્ટ સદી અને ઋષભ પંત (Rishabh Pant)ના ૯૯ રનની મદદથી ભારતે બીજા દાવમાં ૪૬૨ રન બનાવીને ન્યૂઝીલેન્ડને આસાન ટાર્ગેટ (India vs New Zealand - Test 1, Day 5) આપ્યો હતો.

ખરાબ પ્રકાશને કારણે મેચના ચોથા દિવસે રમત વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. પાંચમા દિવસે પણ રમત મોડી શરૂ થઈ હતી. બીજા દાવમાં ન્યુ ઝીલૅન્ડની ટીમને જીતવા માટે ૧૦૭ રનનો ટાર્ગેટ હતો. જેને વિપક્ષી ટીમે ૨ વિકેટના નુકસાને સરળતાથી હાંસલ કરી લીધો હતો.  દિવસના પહેલા જ બોલ પર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)એ કિવિ ટીમના કેપ્ટન ટોમ લાથમ (om Latham)ને એલબીડબ્લ્યૂ કરીને મુશ્કેલીમાં મૂક્યો હતો. જો કે, કોનવે અને વિલ યંગે તેમની ટીમને આ સમસ્યામાંથી બહાર કાઢી હતી. ભારતીય બોલરોએ બંનેને પરેશાન કર્યા પરંતુ તેમને વિકેટ પર પગ જમાવતા રોકી શક્યા નહીં. આ બંને વચ્ચે માત્ર ૩૫ રનની ભાગીદારી કિવી ટીમને મેચમાં પરત લાવી હતી. મેચ દરમિયાન વિલ યંગ (Will Young) અને રચિન રવિન્દ્ર ત્રીજા અને ચોથા સ્થાને બેટિંગ કરતા સારા ફોર્મમાં જોવા મળ્યા હતા. ત્રીજા નંબરે બેટિંગ કરતા યંગે ૭૬ બોલમાં ૪૮ રનની અમૂલ્ય અણનમ ઇનિંગ રમી હતી. તેના સિવાય ચોથા સ્થાને બેટિંગ કરી રહેલા રવિન્દ્રએ ૪૬ બોલમાં ૩૯ અણનમ રનનું યોગદાન આપ્યું હતું.

બુમરાહે કોનવેને આઉટ કરીને ભારતની આશા વધારી, પરંતુ યંગને ફરીથી રવિન્દ્રનો ટેકો મળ્યો અને તેઓએ સાથે મળીને ભારતની હાર નક્કી કરી. ૩૬ વર્ષ બાદ ભારતમાં ન્યુ ઝીલૅન્ડની આ પ્રથમ ટેસ્ટ જીત છે. આ પહેલા કિવી ટીમે ૧૯૮૮-૯૯માં રમાયેલી શ્રેણીમાં ઘરઆંગણે ભારતને ટેસ્ટમાં હરાવ્યું હતું. ભારત સામે ન્યુ ઝીલૅન્ડની આ માત્ર ત્રીજી ટેસ્ટ જીત છે. આ પહેલાં વર્ષ ૧૯૬૯માં નાગપુર (Nagpur)માં ન્યુ ઝીલૅન્ડ ૧૬૭ રનથી જીત્યું હતું. ત્યાબાદ ૧૯૮૮માં મુંબઈ (Mumbai)માં ન્યુ ઝીલૅન્ડ ૧૩૬ રને જીત્યું હતું. પછી છેક આજે ૩૬ વર્ષે ૨૦૨૪માં બેંગલુરુમાં ન્યુ ઝીલૅન્ડ ૮ વિકેટે જીત્યું.

ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે હજી બે મેચ રમવાની બાકી છે. ભારતે આ બે મેચ જીતવી પડશે કારણ કે તો જ તે શ્રેણી જીતી શકશે. બીજી ટેસ્ટ મેચ ૨૪ ઓક્ટોબરથી પૂણે (Pune)માં શરૂ થશે અને ત્રીજી ટેસ્ટ ૧ નવેમ્બરથી વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં શરૂ થશે.

india new zealand test cricket cricket news sports sports news bengaluru m. chinnaswamy stadium jasprit bumrah rohit sharma virat kohli yashasvi jaiswal Rishabh Pant sarfaraz khan ravindra jadeja Kuldeep Yadav mohammed siraj indian cricket team