૧૨ વર્ષ બાદ ઘરઆંગણે ભારત સામે કોઈ ટીમે ૨૦૦ પ્લસ રનની લીડ લીધી

19 October, 2024 08:17 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરમાં ત્રીજા દિવસે ન્યુ ઝીલૅન્ડના ૪૦૨ રન સામે ભારતે બીજી ઇનિંગ્સમાં બનાવ્યા ૩ વિકેટે ૨૩૧ રન : રાચિન રવીન્દ્રની શાનદાર સેન્ચુરી અને ટિમ સાઉધીના ૬૫ રનના જોરે લીધી ૩૫૬ રનની મસમોટી લીડ : ઇનિંગ્સની હારથી બચવા હજી ૧૨૫ રનની જરૂર

વિરાટ કોહલી અને સરફરાઝ ખાને બન્નેએ ગઈ કાલે સમજદારીપૂર્વક અને આક્રમક બૅટિંગ કરતાં ત્રીજી વિકેટ માટે ૧૩૬ રનની પાર્ટનરશિપ કરી હતી. બન્નેએ ૭૦ રન ફટકાર્યા હતા. વિરાટે દિવસના અંતે છેલ્લી ઓવરના છેલ્લા બૉલે વિકેટ ગુમાવી દીધી હતી, જે ન્યુ ઝીલૅન્ડ માટે મોટી રાહત છે.

બૅન્ગલોરમાં ગઈ કાલે ત્રીજા દિવસે ભારતીય મૂળના યુવા બૅટર રાચિન રવીન્દ્રની શાનદાર સેન્ચુરીના જોરે ન્યુ ઝીલૅન્ડે પ્રથમ ઇનિંગ્સમાં મૅચવિનિંગ ૩૫૬ રનની લીડ મેળવી મૅચ પર પકડ મજબૂત કરી લીધી છે. પ્રથમ દિવસ વરસાદે ધોઈ નાખ્યા બાદ બીજા દિવસે કિવી પેસરો સામે ભારતીય બૅટર વામણા પુરવાર થતાં માત્ર ૪૬ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા. જોકે બીજી ઇનિંગ્સમાં ત્રીજા દિવસના અંત સુધીમાં ભારતીય ધુરંધરોએ ૩ વિકેટે ૨૩૧ રન બનાવીને કમબૅક કર્યું હતું. જોકે ઇનિંગ્સની હારની નામોશી ટાળવા ભારત હજી ૧૨૫ રન દૂર છે.

રાચિને કરી કમાલ, સાઉધીએ ફટકાર્યા

૩ વિકેટે ૧૮૦ રનથી આગળ રમતાં કિવીઓએ એક સમયે ૨૩૩ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી. તેઓ ૩૦૦ની અંદર ઑલઆઉટ થઈ જશે એમ લાગતું હતું, પણ યુવા બૅટર રાચિન રવીન્દ્ર (૧૫૭ બૉલમાં ચાર સિક્સર અને ૧૩ ફોર સાથે ૧૩૪ રન) અને જૂના જોગી ટીમ સાઉધી (૭૩ બૉલમાં ચાર સિક્સર અને પાંચ ફોર સાથે ૬૫ રન)એ આઠમી વિકેટ માટે ૧૩૭ રન ફટકારીને ભારતીયોને બરાબરના પરેશાન કર્યા હતા. કિવીઓ આખરે ૯૧.૩ ઓવરમાં ૪૦૨ રન બનાવીને ઑલઆઉટ થયા અને ૩૫૬ રનની મસમોટી લીડ લીધી હતી. કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાએ ૩-૩, મોહમ્મદ સિરાજે બે તથા જસપ્રીત બુમરાહ અને રવિચન્દ્રન અશ્વિને ૧-૧ વિકેટ લીધી હતી.

૨૧મી સદીમાં ચોથી વાર ૨૦૦ પ્લસની લીડ

ઘરઆંગણે ભારત સામે ૨૦૦૦ બાદ ચોથી વાર કોઈ ટીમ ટેસ્ટમાં ૨૦૦ પ્લસ રનની લીડ લેવામાં સફળ થઈ હતી. ૨૦૦૮માં અમદાવામાં સાઉથ આફ્રિકાએ ૪૧૮ રનની લીડ લીધી હતી. ભારતની એ મૅચમાં હાર થઈ હતી. ૨૦૦૯માં અમદાવાદમાં જ શ્રીલંકાએ ૩૩૪ રનની લીડ લીધી હતી, પણ એ મૅચ ભારત ડ્રૉ કરવામાં સફળ રહ્યું હતું. ત્યાર બાદ ૨૦૨૧માં ઈડન ગાર્ડન્સમાં ઇંગ્લૅન્ડે ૨૦૭ રનની લીડ લીધી હતી અને મૅચ જીતી લીધી હતી. હવે ૧૨ વર્ષ બાદ કિવીઓએ એવી જ કમાલ કરતાં ૩૫૬ રનની લીડ લીધી છે.

રાચિનને ફરી દાદાનું બૅન્ગલોર ફળ્યું

બૅન્ગલોર રાચિનનું સેકન્ડ હોમ છે. તેનાં માતા-પિતા બૅન્ગલોરમાં રહેતાં હતાં અને ૧૯૯૭માં તેઓ ન્યુ ઝીલૅન્ડ શિફ્ટ થયાં હતાં અને ૧૯૯૯માં વેલિંગ્ટનમાં તેનો જન્મ થયો હતો. તેનાં દાદા-દાદી બૅન્ગલોરમાં રહેતાં હોવાથી તે અવારનવાર બૅન્ગલોર આવતો અને ક્લબ ક્રિકેટ રમતો હતો. આને લીધે સ્પિન બોલરોનો સામનો કરવામાં તે પાવરધો બની ગયો હતો. પપ્પા અને દાદાના ફેવરિટ ક્રિકેટર સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડનાં નામ પરથી તેનું રામ રાચિન રાખવામાં આવ્યું હતું.

ગયા વર્ષે ભારતમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં તેણે વન-ડે કરીઅરની પ્રથમ સેન્ચુરી બૅન્ગલોરમાં પાકિસ્તાન સામે ફટકારી હતી. ત્યાર બાદ તે વર્લ્ડ કપમાં વધુ બે સેન્ચુરી સાથે કુલ ત્રણ સેન્ચુરી ફટકારીને વર્લ્ડ કપનો ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ જીત્યો હતો.

ગઈ કાલે ફરી બૅન્ગલોર તેને ફળ્યું હતું અને ટેસ્ટ-કરીઅરની બીજી સેન્ચુરી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી.

આમ એક જ વર્ષમાં તેણે ભારતમાં ચાર (૩ વન-ડેમાં અને એક ટેસ્ટ) મૅચમાં ફટકારીને કમાલ કરી છે.

કૅપ્ટન રોહિત, વિરાટ અને સરફરાઝની હાફ સેન્ચુરી

૩૫૬ રનનો મસમોટો બોજ તથા પહેલી ઇનિંગ્સની ૪૬ રનની નામોશી ભુલાવીને ભારતીય બૅટરોએ બીજી ‍ઇનિંગ્સમાં કમબૅક કર્યું હતું અને ૩ વિકેટે ૨૩૧ રન બનાવ્યા હતા. યશસ્વી જાયસવાલ (૩૫) અને રોહિત શર્મા (બાવન) બિનજરૂરી રીતે તથા વિરાટ કોહલીએ (૭૦) દિવસના છેલ્લા બૉલમાં વિકેટ ગુમાવી ન હોત તો ટીમ વધુ મજબૂત સ્થિતિમાં હોત. છેલ્લા બૉલમાં વિરાટની વિકેટને લીધે કિવીઓ ફરી જોશમાં આવી ગયા હતા.

પહેલી ઇનિંગ્સના શૂન્યવીરો વિરાટ અને સરફરાઝ ખાન (અણનમ ૭૦) ત્રીજી વિકેટ માટે ૧૩૬ રનની પાર્ટનરશિપ સાથે ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ ગયા હતા. સરફરાઝે ઝડપથી રમતાં ૭૮ બૉલમાં ૩ સિક્સર અને સાત ફોર સાથે અણનમ ૭૦ રન બનાવ્યા હતા. હવે આજે ચોથા દિવસે સરફરાઝ કેટલું ટકી શકે છે અને કે. એલ. રાહુલ અને જાડેજા કેવી કમાલ કરી શકે છે ઉપરાંત ઇન્જર્ડ રિષભ પંત બૅટિંગ માટે મેદાનમાં ઊતરે છે કે નહીં એના પર મૅચનું પરિણામ નિર્ભર રહેશે. બીજા દિવસે રવીન્દ્ર જાડેજાનો બૉલ ઘૂંટણમાં સર્જરીના સ્થાને જ વાગતાં રિષભ પંતને મેદાન છોડીને જતા રહેવું પડ્યું અને ગઈ કાલે પણ તે મેદાનમાં નહોતો ઊતર્યો.

લારા-સેહવાગ કરતાં પણ સાઉધીની સિક્સર વધુ

ગઈ કાલે ૬૫ રનની અફલાતૂન ઇનિંગ્સ દરમ્યાન ચાર સિક્સર ફટકારીને ટીમ સાઉધીએ ટેસ્ટમાં કુલ ૯૩ સિક્સર સાથે સહેવાગ (૯૧ સિક્સર)ને પાછળ રાખી દીધો હતો. નવાઈની વાત છે કે ટેસ્ટમાં સાઉધીએ બ્રાયન લારા (૮૮), રોહિત શર્મા (૮૮) અને સચિન તેન્ડુલકર (૬૯) કરતાં વધુ સિક્સર ફટકારી છે. સાઉધી ટેસ્ટમાં સિક્સરના મામલે બેન સ્ટોક્સ (૧૩૧), બ્રેન્ડન મૅક્લમ (૧૦૭), ઍડમ ગિલક્રિસ્ટ (૧૦૦), ક્રિસ ગેઇલ (૯૮) અને જૅક કૅલિસ (૯૭) બાદ છઠ્ઠા નંબરે પહોંચી ગયો છે. 

4

વિરાટ કોહલી પહેલી ઇનિંગ્સમાં ખાતું નહોતો ખોલાવી શક્યો, પણ ગઈ કાલે હાફ સેન્ચુરી ફટકારતાંની સાથે ટેસ્ટ-ક્રિકેટમાં ૯૦૦૦ રનનો માઇલસ્ટોન પાર કરી લીધો છે. આવી કમાલ કરનાર તે ભારતનો આટલામો બૅટર બન્યો છે. આ પહેલાં સચિન તેન્ડુલકર (૧૫૯૨૧), રાહુલ દ્રવિડ (૧૩૨૬૫) અને સુનીલ ગાવસકર (૧૦૧૨૨) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

134

રાચિન રવીન્દ્રએ આટલા રન ૪ સિક્સર અને ૧૩ ફોરની મદદથી ફટકાર્યા હતા. તેમ જ ટિમ સાઉધી સાથે આઠમી વિકેટ માટે ૧૩૭ રનની ન્યુ ઝીલૅન્ડ માટે મહત્ત્વપૂર્ણ ભાગીદારી પણ કરી હતી. કિવી બૅટર રાચિનના દાદા બૅન્ગલોર રહે છે અને ત્યાં તેણે વન-ડે બાદ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારીને કમાલ કરી છે. 

12

રાચિનની સેન્ચુરી આટલાં વર્ષ બાદ ભારતમાં કોઈ કિવી બૅટરની બની હતી. છેલ્લે ૨૦૧૨માં બૅન્ગલોરમાં રૉસ ટેલરે સદી ફટકારી  હતી. 

ભારતમાં ટેસ્ટમાં એક દિવસમાં બનેલા સેકન્ડ હાઇએસ્ટ રન 

ગઈ કાલે બૅન્ગલોર ટેસ્ટના ત્રીજા દિવસે કુલ ૪૫૩ રન બન્યા હતા જે ભારતમાં ટેસ્ટમાં એક દિવસમાં બનેલા સેકન્ડ હાઇએસ્ટ રન બની ગયા હતા. એક દિવસમાં હાઇએસ્ટ રનનો રેકૉર્ડ ૪૭૦ રનનો છે જે ૨૦૦૯માં બ્રેબર્નમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની મૅચ દરમ્યાન બન્યા હતા.

india new zealand test cricket m. chinnaswamy stadium bengaluru cricket news sports sports news yashasvi jaiswal rohit sharma virat kohli sarfaraz khan kl rahul ravindra jadeja Rishabh Pant