દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પહેલી વાર વિમેન્સ ઇન્ટરનૅશનલ મૅચ

24 October, 2024 11:35 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વિમેન્સ T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન સામે આગામી વન-ડે વર્લ્ડ કપની તૈયારી શરૂ કરશે ભારતીય ટીમ ન્યુ ઝીલૅન્ડની ટીમ ૨૦૧૫ બાદ પહેલી જ વાર ભારતની ધરતી પર રમશે વન-ડે, કૅપ્ટન હરમનપ્રીત કૌર માટે દરેક મૅચ અગ્નિપરીક્ષા સમાન રહેશે

ભારતીય ટીમ

વિમેન્સ T20 વર્લ્ડ કપના નિરાશાજનક પ્રદર્શનને ભૂલીને હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની આજથી ચૅમ્પિયન ટીમ ન્યુ ઝીલૅન્ડ સામે ત્રણ વન-ડે સિરીઝ સાથે આવતા વર્ષના વન-ડે વર્લ્ડ કપની તૈયારી શરૂ કરશે. આજે અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી વાર વિમેન્સ ઇન્ટરનૅશનલ મૅચ રમાશે. ત્રણ મૅચની વન-ડે સિરીઝની ત્રણેય મૅચ આ જ સ્ટેડિયમમાં ૨૪, ૨૭ અને ૨૯ ઑક્ટોબરે રમાશે. ૨૦૨૫માં ભારતની ધરતી પર સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમ્યાન વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ પણ રમાશે. 

વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારત માટે હાઇએસ્ટ રન-સ્કોરર રહેવા છતાં હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીની ખૂબ ટીકા થઈ છે. 

ગ્રુપ-સ્ટેજમાં જ બહાર થયેલી ભારતીય ટીમ સામે ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડની ટીમનો પડકાર સરળ નહીં રહે. આગામી વન-ડે વર્લ્ડ કપ પહેલાં હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સી ખતરામાં છે. એથી તેના માટે હવે પછીની દરેક મૅચ એક અગ્નિપરીક્ષા સમાન બની રહેશે. પશ્ચિમ બંગાળની ૨૧ વર્ષની વિકેટકીપર રિચા ઘોષની બારમા ધોરણની બોર્ડની પરીક્ષા હોવાથી તે આ સિરીઝમાં ભાગ લઈ શકશે નહીં. તેણે ફેબ્રુઆરી ૨૦૨૦માં ૧૬ વર્ષની ઉંમરે ભારત માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. ન્યુ ઝીલૅન્ડની વિમેન્સ ટીમ છેલ્લે જૂન ૨૦૧૫માં બૅન્ગલોરમાં ભારત સામે વન-ડે મૅચ રમી હતી.

હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ    ૫૪
ન્યુ ઝીલૅન્ડની જીત    ૩૩
ભારતની જીત    ૨૦
ટાઇ    ૦૧

india new zealand indian womens cricket team womens world cup t20 world cup ahmedabad narendra modi stadium harmanpreet kaur cricket news sports news sports