25 October, 2024 07:46 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
સુંદરની શાનદાર બોલિંગને કારણે વારંવાર તેને ભેટી રહ્યો હતો કૅપ્ટન રોહિત શર્મા
ગઈ કાલે પુણેમાં ટેસ્ટના પહેલા દિવસે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળી હતી. ન્યુ ઝીલૅન્ડ પહેલાં બૅટિંગ પસંદ કરીને ૭૯.૧ ઓવરમાં ૨૫૯ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતીય ટીમ કૅપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવીને ૧૧ ઓવરમાં ૧૬ રન બનાવી શકી હતી. યશસ્વી જાયસવાલ (૬ રન) અને શુભમન ગિલ (૧૦ રન) આજે બીજા દિવસે ભારતીય ટીમની પહેલી ઇનિંગ્સને આગળ વધારશે. મૅચમાં ભારતીય ટીમ હજી ૨૪૩ રનથી પાછળ છે.
ન્યુ ઝીલૅન્ડ સામે પહેલા દિવસે ભારતીય સ્પિનર વૉશિંગ્ટન સુંદર (૭ વિકેટ) અને આર. અશ્વિન (૩ વિકેટ)નો દબદબો જોવા મળ્યો હતો. બન્નેએ ઑલમોસ્ટ ૨૪-૨૪ ઓવરની બોલિંગ કરીને આખી મહેમાન ટીમને પૅવિલિયન ભેગી કરી હતી. છેલ્લે માર્ચ ૨૦૨૧માં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ રમનાર વૉશિંગ્ટન સુંદરે ૧૩૨૯ દિવસ બાદ ટેસ્ટમાં વાપસી કરીને પહેલવહેલી વાર પાંચ વિકેટ પણ ઝડપી હતી. તેણે ૨૩.૧ ઓવરમાં ૫૯ રન આપીને ૭ વિકેટ ઝડપી હતી, જ્યારે આર. અશ્વિને ૨૪ ઓવરમાં ૬૪ રન આપીને ૩ વિકેટ પોતાને નામે કરી હતી. અશ્વિને પહેલી ૩ અને સુંદરે છેલ્લી ૭ વિકેટ ઝડપી હતી. ભારતીય ધરતી પર આવું પ્રથમ વખત બન્યું છે કે ટેસ્ટ-મૅચમાં તમામ ૧૦ વિકેટ રાઇટ આર્મ ઑફ-સ્પિનરો દ્વારા લેવામાં આવી હોય. ન્યુ ઝીલૅન્ડ માટે રાચિન રવીન્દ્ર (૬૫ રન) અને ડેવોન કૉન્વે (૭૬ રન) મોટી ઇનિંગ્સ રમી શક્યા હતા.
WTCનો હાઇએસ્ટ વિકેટટેકર બન્યો આર. અશ્વિન
ગઈ કાલે વિલ યંગ (૧૮ રન)ની બીજી વિકેટ ઝડપીને ભારતીય દિગ્ગજ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ઇતિહાસમાં હાઇએસ્ટ વિકેટટેકર બની ગયો હતો. ત્રણ વિકેટ લઈને તેણે WTC ઇતિહાસમાં ૧૮૯ વિકેટ પૂરી કરી હતી જેથી ઑસ્ટ્રેલિયન સ્પિનર નૅથન લાયને (૧૮૭ વિકેટ) પહેલું સ્થાન ગુમાવવું પડ્યું છે. ઓવરઑલ ટેસ્ટ-વિકેટ લેવાના મામલે પણ અશ્વિને (૫૩૦ વિકેટ) આ ઑસ્ટ્રેલિયન સ્પિનરથી એક વિકેટ વધુ લઈને સાતમું સ્થાન પોતાને નામે કર્યું છે.
સુંદર પહેલી ૧૩ ઓવર રહ્યો વિકેટલેસ, છેલ્લા ૬૧ બૉલમાં ઝડપી ૭ વિકેટ
વૉશિંગ્ટન સુંદરે સાત વિકેટ લઈને ટેસ્ટ-ટીમમાં પોતાની વાપસીને યાદગાર બનાવી હતી. ૨૩.૧ ઓવરમાંથી સુંદર પહેલી ૧૩ ઓવર વિકેટલેસ રહ્યો હતો પણ છેલ્લા ૬૧ બૉલમાં તેણે ૭ વિકેટ ઝડપીને ધમાલ મચાવી હતી.
ગૌતમ ગંભીર અને ટીમ મૅનેજમેન્ટનો નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો
પુણે ટેસ્ટ માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. વૉશિંગ્ટન સુંદર, શુભમન ગિલ અને આકાશ દીપને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા; જ્યારે કુલદીપ યાદવ, કે. એલ. રાહુલ અને મોહમ્મદ સિરાજને આ ટેસ્ટ માટે ડ્રૉપ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં ભારતીય દિગ્ગજોએ આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા પણ જમણા હાથના સ્પિનર વૉશિંગ્ટન સુંદરે ૭ વિકેટ ઝડપી ત્યારે સોશ્યલ મીડિયા પર ક્રિકેટ- સ્પેશ્યલિસ્ટોએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ-મૅનેજમેન્ટના આ નિર્ણયને માસ્ટરસ્ટ્રોક ગણાવ્યો હતો. તામિલનાડુના સુંદરે દિલ્હી સામેની રણજી મૅચમાં ૧૫૨ રન બનાવ્યા અને બન્ને ઇનિંગ્સમાં ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જેને કારણે બૅન્ગલોર ટેસ્ટ માટે ત્રણ મૅચની આ ટેસ્ટ-સિરીઝમાં તેને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી હતી.