01 November, 2024 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ કરી જબરદસ્ત બૅટિંગ-પ્રૅક્ટિસ.
આજથી ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝની અંતિમ મૅચ શરૂ થશે. ન્યુ ઝીલૅન્ડે ૦-૨થી સિરીઝ જીતીને ભારતને ઘરઆંગણે ૧૨ વર્ષ બાદ ટેસ્ટ-સિરીઝ હારવા મજબૂર કર્યું છે. ટેસ્ટ-સિરીઝ હાર્યા બાદ વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમે લાજ બચાવવા ઊતરવું પડશે.
૨૪ વર્ષ બાદ ભારતીય ટીમ સામે ઘરઆંગણે ટેસ્ટ-સિરીઝમાં ક્લીન સ્વીપનો ખતરો છે. વર્ષ ૨૦૦૦માં ભારતે બે મૅચની સિરીઝમાં સાઉથ આફ્રિકા સામે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામે ૪૧ વર્ષ બાદ ૦-૩થી હારવાનો પણ ખતરો છે. ભારત છેલ્લે ૧૯૮૩માં ઘરઆંગણે છ મૅચની ટેસ્ટ-સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ૦-૩થી ટેસ્ટ-સિરીઝ હાર્યું હતું. ભારતીય ટીમ ઘરઆંગણે છ વાર હરીફ ટીમ સામે એક પણ ટેસ્ટ જીત્યા વગર ટેસ્ટ-સિરીઝ હાર્યું છે. ઘરઆંગણે આ છમાંથી ચાર વાર ૦-૨થી અને બે વાર ૦-૩થી ભારત ટેસ્ટ-સિરીઝ હાર્યું છે.
વાનખેડેમાં બન્ને ટીમ વચ્ચે ત્રણ મૅચ રમાઈ છે જેમાંથી બે મૅચમાં ભારતીય ટીમની અને એક મૅચમાં ન્યુ ઝીલૅન્ડની જીત થઈ છે. આ મેદાન પર સૌથી વધુ ૬૩૧ રનનો રેકૉર્ડ ભારતીય ટીમે ૨૦૧૬માં ઇંગ્લૅન્ડ સામે બનાવ્યો હતો, જ્યારે સૌથી લોએસ્ટ ૬૨ રનનો સ્કોર ન્યુ ઝીલૅન્ડે ૨૦૨૧માં ભારતીય ટીમ સામે બનાવ્યો હતો. રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા અને રવિચન્દ્રન અશ્વિન જેવા સિનિયર પ્લેયર્સે ઑસ્ટ્રેલિયા ટૂર પહેલાં મુંબઈ ટેસ્ટથી ફૉર્મમાં પાછા ફરવું પડશે. મુંબઈ ટેસ્ટમાં જીત મેળવીને ભારતીય ટીમ આ સિરીઝનો સન્માનપૂર્વક અંત લાવવા માગશે.
વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટ-રેકૉર્ડ
કુલ મૅચ ૨૬
ભારતની જીત ૧૨
વિદેશી ટીમની જીત ૦૭
ડ્રૉ ૦૭