23 November, 2022 03:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા અને કેન વિલિયમસને વેલિંગ્ટનમાં ટી૨૦ સિરીઝની ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. ફાઇલ તસવીર એ.એફ.પી.
ભારતે ગઈ કાલે નેપિયરમાં વરસાદનાં વિઘ્નોવાળી અને ડકવર્થ/લુઇસ મેથડના આધારે ટાઇમાં પરિણમેલી ત્રીજી અને આખરી ટી૨૦ના અંતે સિરીઝ ૧-૦થી જીતી લીધી હતી. ન્યુ ઝીલૅન્ડની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૬૦ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર પછી ભારતનો સ્કોર ૯ ઓવરના અંતે ૪ વિકેટે ૭૫ રન હતો ત્યારે ફરી વરસાદ શરૂ થયો હતો અને વધુ રમત થઈ ન શકવાની હોવાથી લેવામાં આવેલા નિર્ણય મુજબ ડીએલએસ પાર-સ્કોર ૯ ઓવર બાદ ૭૫ હતો અને ભારતનો સ્કોર ત્યારે ૪/૭૫ હતો, એ જોતાં મૅચને ટાઇ જાહેર કરવામાં આવી હતી. ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં મુખ્ય દેશો વચ્ચેની આ મુજબની પહેલી જ ટાઇ છે.
સિરીઝની પ્રથમ મૅચ વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી અને બીજી મૅચ ભારતે સૂર્યકુમારના અણનમ ૧૧૧ રનની મદદથી જીતી લીધી હતી. ગઈ કાલે જો વરસાદ ન પડ્યો હોત તો ભારતે કદાચ પરાજય જોવો પડ્યો હોત, કારણ કે રમતના અંતે ભારતે ૧૧ ઓવરમાં ૮૫ રન બનાવવાના હતા અને એની ૬ વિકેટ બાકી હતી. ખાસ કરીને હાર્દિક-હૂડાની છેલ્લી આધારરૂપ જોડી રમી રહી હતી.
પાંચમી ટાઇ ટી૨૦ મૅચ
ડકવર્થ/લુઇસ પાર-સ્કોરને આધારે અગાઉ ટાઇ જાહેર કરાયેલી મૅચોની વિગત આ મુજબ છે : (૧) સાઉથ આફ્રિકા-શ્રીલંકા, ૨૦૦૩ વર્લ્ડ કપ (વન-ડે), (૨) ભારત-ઇંગ્લૅન્ડ, ૨૦૧૧, લૉર્ડ્સ (વન-ડે), (૩) સાઉથ આફ્રિકા-વેસ્ટ ઇન્ડીઝ, ૨૦૧૩ ચૅમ્પિયન્સ ટ્રોફી (વન-ડે) અને (૪) જિબ્રાલ્ટર-માલ્ટા, ૨૦૨૧ (ટી૨૦).
અર્શદીપ-સિરાજની ૪-૪ વિકેટ
ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડે બૅટિંગ લઈને ખરાબ શરૂઆત કરી હતી. બીજી જ ઓવરમાં ફિન ઍલન અર્શદીપ સિંહનો શિકાર થયો હતો. કેન વિલિયમસન ન રમ્યો હોવાથી સાઉધીએ કૅપ્ટન્સી સંભાળી હતી. વિકેટકીપર કૉન્વે (૫૯ રન, ૪૯ બૉલ, બે સિક્સર, પાંચ ફોર)ના તેમ જ ગ્લેન ફિલિપ્સ (૫૪ રન, ૩૩ બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)નાં મોટાં યોગદાન છતાં કિવીઓની ટીમ ૧૬૦ રન જ બનાવી શકી હતી. મોહમ્મદ સિરાજ અને અર્શદીપે ચાર-ચાર વિકેટ લીધી હતી. એક વિકેટ હર્ષલને મળી હતી. ભુવી, ચહલ, હૂડા વિકેટ વિનાના રહ્યા હતા.
ભારતના વરસાદના વિઘ્ન પહેલાં ૯ ઓવરમાં ચાર વિકેટે ૭૫ રન હતા ત્યારે કૅપ્ટન હાર્દિક પંડ્યા (૩૦ અણનમ, ૧૮ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને દીપક હૂડા (૯ અણનમ, ૯ બૉલ) ક્રીઝ પર હતા. કિશન ૧૦ રન, પંત ૧૧ રન, સૂર્યકુમાર ૧૩ રન બનાવીને આઉટ થયા હતા. શ્રેયસ પોતાના પહેલા જ બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. સાઉધીએ બે તેમ જ સોઢી તથા મિલ્નએ એક-એક વિકેટ લીધી હતી.
મોહમ્મદ સિરાજને પ્લેયર ઑફ ધ મૅચનો અને સૂર્યકુમાર યાદવને પ્લેયર ઑફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
3
હવે બન્ને દેશ વચ્ચે શુક્રવારથી આટલી મૅચની વન-ડે સિરીઝ રમાશે, જેમાં શિખર ધવન સુકાન સંભાળશે.
હું મારી રીતે જ ટીમનું સુકાન સંભાળીશ અને મારી રીતે જ રમીશ. જો કોઈ ખેલાડીને ન રમવા બદલ ખેદ થયો હોય તો મારી સાથે ચર્ચા કરી શકે છે. : હાર્દિક પંડ્યા
૨૦૨૪નો ટી૨૦ વર્લ્ડ કપ નવા ફૉર્મેટમાં
૨૦૨૪માં ટી૨૦નો જે આગામી વર્લ્ડ કપ રમાશે એમાં નવું ફૉર્મેટ અમલી બનશે. એમાં ૨૦ દેશોને પાંચ-પાંચ ટીમવાળાં ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે અને પ્રથમ રાઉન્ડ બાદ સુપર-8 સ્ટેજ રમાશે. દરેક ગ્રુપની ટોચની બે ટીમ સુપર-8 સ્ટેજમાં જશે અને એમને ચાર-ચાર ટીમનાં બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. એ બન્ને ગ્રુપની ટોચની બે-બે ટીમ સેમી ફાઇનલમાં જશે. ભારત અને પાકિસ્તાન સહિત કુલ ૧૨ દેશ એ વિશ્વકપ માટે ક્વૉલિફાય થઈ ગયા છે.