ગિલ માંગે મોર

20 January, 2023 11:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઓપનરે નક્કી કરી લીધું હતું કે જો કોઈ બોલર ખરાબ બૉલ ફેંકતો રહેશે તો જડબાતોડ જવાબ આપતો જ રહેશે

શુભમન ગિલે

હૈદરાબાદમાં બુધવારે ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ વન-ડેમાં યાદગાર અને ઐતિહાસિક ડબલ સેન્ચુરી ફટકારનાર (૨૦૮ રન, ૧૪૯ બૉલ, ૯ સિક્સર, ૧૯ ફોર) ઓપનર શુભમન ગિલે ભારતના રોમાંચક વિજય પછી કહ્યું, ‘સામા છેડે વિકેટ પડતી રહી હતી છતાં મેં જે પણ ખરાબ બૉલ પડે એમાં જોરદાર ફટકો મારવાનું નક્કી કરી લીધું હતું. ખાસ કરીને ૧૧થી ૪૦ વચ્ચેની ઓવર્સમાં એક્સ્ટ્રા ફીલ્ડર સર્કલની અંદર હોવાથી મેં પરિસ્થિતિનો ફાયદો લીધો હતો. હું બોલરને મારો સંકલ્પ બતાવી દેવા માગતો હતો. મેં પ્રણ લીધું હતું કે જો બોલર ખરાબ બૉલ ફેંકતો જ રહેશે તો હું એમાં ફોર કે સિક્સર મારતો જ રહીશ. હું એ નિશ્ચય પ્રમાણે રમ્યો અને શ્રીલંકા સામે મોટો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહ્યા પછી ન્યુ ઝીલૅન્ડ સામે સફળ રહ્યો.’

૨૩ વર્ષનો ગિલ વન-ડેમાં માત્ર ૧૯ ઇનિંગ્સમાં ૧૦૦૦ રન પૂરા કરનારો ભારતનો સૌથી ઝડપી બૅટર બનવા ઉપરાંત વિશ્વમાં સૌથી નાની ઉંમરે ડબલ સેન્ચુરી ફટકારનાર ખેલાડી પણ બન્યો છે.

આ પણ વાંચો : શુભમન ગિલ : ભારતનો ફાસ્ટેસ્ટ, વિશ્વનો યંગેસ્ટ

ભારત બચ્યું, આવતી કાલે બીજી મૅચ

ભારતે બુધવારે હૈદરાબાદમાં ૮ વિકેટે શુભમન ગિલના ૨૦૮ રનની મદદથી ૩૪૯ રન બનાવ્યા ત્યાર બાદ કિવીઓ ૨૦૦ રનની આસપાસ ઑલઆઉટ થઈ જતાં હારી જશે એવી ધારણા હતી, પરંતુ માઇકલ બ્રેસવેલ (૧૪૦) તથા મિચલ સૅન્ટનર (૫૭) વચ્ચેની સાતમી વિકેટ માટેની ૧૬૨ રનની ભાગીદારીને લીધે મૅચમાં ટર્ન આવ્યો હતો અને ભારત માટે વિજય મુશ્કેલ બનતો ગયો હતો. સિરાજની ચાર તેમ જ કુલદીપની બે અને શાર્દુલની પણ બે વિકેટને કારણે ભારત માટે જીત શક્ય બનવા લાગી હતી અને શાર્દુલને મળેલી ૫૦મી ઓવરમાં કિવીઓએ ૨૦ રન બનાવવાના હતા, પરંતુ વાઇડ સહિત સાત રન બન્યા બાદ (બ્રેસવેલ, એલબીડબ્લ્યુ)ની ૧૦મી વિકેટ પડતાં ભારતીયોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભારતે ૧૨ રનથી જીતીને ૧-૦થી સરસાઈ લીધી હતી. બીજી વન-ડે આવતી કાલે (શનિવારે બપોરે ૧.૩૦ વાગ્યાથી) રાયપુરમાં રમાશે.

3
ભારતીય વન-ડે ટીમમાં અત્યારે આટલા ડબલ સેન્ચુરિયન બૅટર્સ છે જે અનોખો વિક્રમ કહી શકાયઃ રોહિત શર્મા (૨૬૪, ૨૦૯, ૨૦૮*), ઈશાન કિશન (૨૧૦) અને શુભમન ગિલ (૨૦૮).

sports news sports indian cricket team cricket news new zealand