06 December, 2023 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વાનખેડેમાં પ્રૅક્ટિસ દરમ્યાન ભારતીય મહિલા ક્રિકેટર્સ. અતુલ કાંબળે
વિમેન્સ ટી૨૦ની વર્લ્ડ નંબર-ફોર ભારત અને નંબર-ટૂ ઇંગ્લૅન્ડ વચ્ચે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ત્રણ મૅચની ટી૨૦ સિરીઝ શરૂ થઈ રહી છે. ખરું કહીએ તો મેન્સ એશિયા કપ તથા વન-ડે વર્લ્ડ કપ અને ઑસ્ટ્રેલિયા સામેની ટી૨૦ સિરીઝ પછી હવે મહિલા ક્રિકેટનો માહોલ આજથી બની રહ્યો છે, જે ફેબ્રુઆરી-માર્ચની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની બીજી સીઝનના અંત સુધી ચાલશે.ટી૨૦માં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારત માટે ૨૦૨૩નું વર્ષ સક્સેસફુલ રહ્યું છે. એશિયન ગેમ્સમાં ભારત ગોલ્ડ મેડલ જીત્યું, બંગલાદેશ સામેની સિરીઝમાં ભારત ૨-૧થી વિજયી થયું અને સાઉથ આફ્રિકા તથા વેસ્ટ ઇન્ડીઝ સાથેની ટ્રાયેન્ગ્યુલરમાં ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું. બીજી તરફ, વર્લ્ડ નંબર-ટૂ ઇંગ્લૅન્ડ ઘરઆંગણે શ્રીલંકા સામે ૧-૨થી થયેલા પરાજયના આઘાતમાંથી બહાર આવવામાં કોઈ કસર બાકી નહીં રાખે.
ઇંગ્લૅન્ડ સામે ટી૨૦માં ભારતની નવમાંથી માત્ર બે જીત
ભારતનો ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે સારો રેકૉર્ડ નથી. બન્ને દેશ વચ્ચે વન-ટુ-વન સિરીઝની કુલ આઠ ટી૨૦ રમાઈ છે જેમાંથી ભારતને ફક્ત એક જ જીતવા મળી છે અને એ પણ છેક ૨૦૧૦માં મળી હતી. ૨૦૧૮માં બ્રેબર્નમાં ભારતે ઇંગ્લૅન્ડને ૮ વિકેટે હરાવ્યું હતું, પરંતુ એ ટ્રાયેન્ગ્યુલર હતી જેમાં ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન બન્યું હતું. એકંદરે ભારતનો ઇંગ્લૅન્ડ સામે રેકૉર્ડ સારો નથી, કારણ કે ભારત ૨૭માંથી ફક્ત ૭ ટી૨૦ જીત્યું છે.
ઘરઆંગણે જીત બે વર્ષ પહેલાં
ભારતીય મહિલા ક્રિકેટર્સનો ઘરઆંગણે ટી૨૦માં રેકૉર્ડ સારો નથી. ભારતીય ટીમ છેલ્લે છેક માર્ચ ૨૦૨૧માં લખનઉમાં સાઉથ આફ્રિકા સામે જીતી હતી. ત્યાર પછી ભારતીય ટીમ ચાર મૅચ હારી છે અને એક મૅચ ટાઇ કરી છે. ઘરઆંગણે ભારતીય મહિલા ટીમ ૫૦માંથી કુલ ૧૯ ટી૨૦ મૅચ જીતી છે, ૩૦ હારી છે અને એક મૅચ ટાઇમાં પરિણમી છે.આ વર્ષના સાઉથ આફ્રિકાના ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત અને ઇંગ્લૅન્ડ બન્ને દેશની ટીમ સેમી ફાઇનલમાં પહોંચી હતી.ભારતીય મહિલાઓનો આગામી ૧૮ મહિનાનો ભરપૂર ક્રિકેટ-કાર્યક્રમ છે, જેમાં ઘરઆંગણે ઇંગ્લૅન્ડ પછી ઑસ્ટ્રેલિયા સામે પણ વાઇટ-બૉલ સિરીઝ રમાશે. જોકે ભારતીય વિમેન્સ ક્રિકેટર્સનો ટાર્ગેટ ૨૦૨૪નો ટી૨૦ વર્લ્ડ કપ અને ૨૦૨૫નો વન-ડે વર્લ્ડ કપ છે.
ઇંગ્લૅન્ડ સામે રમવું ટફ અને પછી ઑસ્ટ્રેલિયા સામે પડકાર
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય મહિલા ક્રિકેટર્સે ઘણા હેડ-કોચ જોયા છે. તુષાર અરોઠે પછી રમેશ પોવારે સૂત્રો સંભાળ્યાં હતાં અને ત્યાર બાદ ડબ્લ્યુવી રામનને કમાન સોંપાઈ હતી. ત્યાર બાદ ફરી રમેશ પોવારને હેડ-કોચની જવાબદારી સોંપવામાં આવી હતી. એ પછી હૃષીકેશ કાનિટકરને અને નુશીન અલ ખદીરે આ હોદ્દો સંભાળ્યો હતો. ત્યાર પછી ફરી કાનિટકરને હેડ-કોચ બનાવાયો હતો અને હવે મુંબઈનો ભૂતપૂર્વ બૅટર અમોલ મુઝુમદાર પહેલી જ વાર હેડ-કોચ બન્યો છે. તેણે કહ્યું કે ‘ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા બન્ને દેશ સામેની સિરીઝ મારા માટે તેમ જ ભારતીય ખેલાડીઓ માટે ચૅલેન્જિંગ છે. ઇંગ્લૅન્ડની ટીમ ટફ છે, જ્યારે વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી બતાવી આપશે કે ભારતીય ટીમ કેટલા પાણીમાં છે.’
હું ભારતમાં રમીને ઘણું શીખી છું. ક્રિકેટર તરીકે તો નવું-નવું શીખી જ છું, હજારો પ્રેક્ષકોના અવાજ વચ્ચે અને અસહ્ય ગરમીમાં પણ કેવી રીતે ટેવાઈ જવું એ પણ શીખવા મળ્યું છે. ૨૦૨૪નો ટી૨૦ વર્લ્ડ કપ નજીકના બંગલાદેશમાં જ રમાશે એટલે ભારતની આ ટૂર મને ખૂબ ઉપયોગી થશે.
હીધર નાઇટ
બન્ને દેશની ટીમમાં કોણ-કોણ?
ભારત : હરમનપ્રીત કૌર (કૅપ્ટન). સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), શેફાલી વર્મા, યસ્તિકા ભાટિયા, રિચા ઘોષ (વિકેટકીપર), જેમાઇમા રૉડ્રિગ્સ, કનિકા આહુજા, મન્નત કશ્યપ, અમનજોત કૌર, શ્રેયંકા પાટીલ, દીપ્તિ શર્મા, સઇકા ઇશાક, મિન્નુ મની, રેણુકા સિંહ, તિતાસ સાધુ અને પૂજા વસ્ત્રાકર.
ઇંગ્લૅન્ડ : હીધર નાઇટ (કૅપ્ટન), બેસ હીથ (વિકેટકીપર), મઇઆ બાઉચીર, ઍમી જોન્સ, ડૅની વ્યૉટ, ઍલીસ કૅપ્સી, શાર્લી ડીન, સોફિયા ડન્ક્લી, માહિકા ગૌર, ડેનિયલ ગિબ્સન, સારા ગ્લેન, નૅટ સિવર-બ્રન્ટ, લૉરેન બેલ, સૉફી એકલ્સ્ટન અને ફ્રેયા કેમ્પ.