21 January, 2025 10:43 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ દરમ્યાન હાર્દિક પંડ્યા સાથે વાતચીત કરી રહેલો ભારતીય ટીમનો હેડ કોચ ગૌતમ ગંભીર
ઇંગ્લૅન્ડના હેડ કોચ બ્રેન્ડન મૅક્લમે ભારતીય કોચ ગૌતમ ગંભીરને એક ઉત્તમ લીડર ગણાવ્યો છે. ગઈ કાલે કલકત્તામાં પત્રકારોના જવાબ આપતાં ઇંગ્લૅન્ડના આ ત્રણેય ફૉર્મેટના હેડ કોચે કહ્યું હતું કે ‘મેં ગૌતમ ગંભીર સાથે કામ કર્યું છે અને તે એક ઉત્તમ લીડર છે. આ પહેલાં પણ જ્યારે તેને કોઈ જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે તેણે એ ખૂબ જ સારી રીતે નિભાવી હતી અને વધુ સારાં પરિણામો મેળવ્યાં હતાં. તે હમણાં જ ટીમ સાથે જોડાયો છે, પણ મને કોઈ શંકા નથી કે તે ટીમની શ્રેષ્ઠ પ્રતિભાઓને બહાર લાવશે. ત્યાર બાદ અમારે તેમની સામે નવા રસ્તા શોધવા પડશે, કારણ કે તેની રમતની શૈલી અમારા જેવી જ છે.’
ન્યુ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન બ્રેન્ડન મૅક્લમ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)માં ગૌતમ ગંભીર સાથે રમી ચૂક્યો છે. ગંભીરનું હેડ કોચનું પદ ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમના કંગાળ પ્રદર્શન બાદ મુશ્કેલીમાં છે. ઇંગ્લૅન્ડ સામેની લિમિટેડ ઓવર્સની સિરીઝ તેની કોચિંગ કરીઅરના ભવિષ્ય માટે નિર્ણાયક બની શકે છે.