રો​હિત શર્માએ રાહુલ દ્રવિડના કયા રેકૉર્ડની બરાબરી કરી?

09 March, 2024 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના ૨૧૮ સામે ભારતના ૮ વિકેટે ૪૭૩ રન, ૨૫૫ રનની લીડ : સ્પિનરો પછી બૅટરો છવાયા : રોહિત-ગિલની ધમાકેદાર સદી : ૧૫ વર્ષ બાદ ટોચના પાંચ ભારતીય બૅટ્સમેનોએ એક ઇનિંગ્સમાં ૫૦-પ્લસનો સ્કોર નોંધાવ્યો

૨૫૦ દિવસ બાદ ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સે બોલિંગ કરી અને પહેલા જ બૉલમાં કૅપ્ટન રોહિત શર્માને બોલ્ડ કર્યો હતો

ધરમશાલા ટેસ્ટના બીજા દિવસે ભારતીય બૅટ્સમેનોનો દબદબો જોવા મળ્યો હતો. રોહિત શર્મા અને શુભમન ગિલે સદી ફટકારીને ધરમશાલાનું તાપમાન વધાર્યું હતું. ૨૦૦૯ બાદ ભારતના ટૉપ પાંચ બૅટ્સમેનોએ ૫૦ પ્લસનો સ્કોર નોંધાવ્યો હતો. રોહિત શર્માએ ૧૩ ચોગ્ગા અને ૩ સિક્સરની મદદથી ૧૦૩ રન અને શુભમન ગિલે ૧૨ ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી ૧૧૦ રન કરીને ટેસ્ટમાં ભારતની પકડ મજબૂત કરી હતી. રોહિત અને ગિલ વચ્ચે બીજી વિકેટ માટે ૧૭૧ રનની પાર્ટનરશિપ થઈ હતી. ઇંગ્લૅન્ડ સામે ઓપનર તરીકે ચોથી સદી ફટકારીને રોહિત શર્માએ ગાવસકરની અને ૪૮મી ઇન્ટરનૅશનલ સદી ફટકારીને હેડ કોચ રાહુલ દ્રવિડની બરોબરી કરી હતી.

ડેબ્યુ ટેસ્ટમાં દેવદત્ત પડિક્કલે ૧૦ ચોગ્ગા અને ૧ સિક્સરની મદદથી ૬૫ રન કર્યા હતા. સરફરાઝ ખાને ૫૬ રન કર્યા હતા. ૧૦૦મી ટેસ્ટ રમી રહેલો અશ્વિન પ્રથમ ઇનિંગ્સમાં ઝીરોમાં આઉટ થયો હતો.

૯ મહિના બાદ બોલિંગ કરવા ઊતરેલા કૅપ્ટન બેન સ્ટોક્સે પ્રથમ બૉલમાં કૅપ્ટન રોહિત શર્માની વિકેટ લઈને સૌને ચોંકાવી દીધા હતા. ઇંગ્લૅન્ડ તરફથી શોએબ બશીરે સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી. ૨૧૮ રને સમેટાઈ ગયેલી ઇંગ્લૅન્ડની ટીમ સામે બીજા દિવસે ભારતીય ટીમે ૧ વિકેટે ૧૩૫ રનના સ્કોરથી રમતની શરૂઆત કરી હતી. દિવસના અંતે ભારતીય ટીમે ૮ વિકેટે ૪૭૩ રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડ સામે ભારતીય ટીમે ૨૫૫ રનની જંગી લીડ મેળવી લીધી છે.

૭૦૦ વિકેટના કીર્તિમાનથી માત્ર ૧ વિકેટ દૂર ઍન્ડરસન

૪૧ વર્ષના જેમ્સ ઍન્ડરસને શુભમન ગિલને છઠ્ઠી વાર આઉટ કરીને પોતાનો ૬૯૯મો ટેસ્ટ શિકાર બનાવ્યો હતો. ૭૦૦ વિકેટના કીર્તિમાનથી તે માત્ર ૧ વિકેટ દૂર છે.

rohit sharma rahul dravid test cricket dharamsala indian cricket team india england cricket news sports sports news