28 January, 2025 07:41 AM IST | Rajkot | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ
ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની T20 સિરીઝમાં ૨-૦થી સરસાઈ મેળવનારી ભારતીય ટીમ આજે રાજકોટમાં સિરીઝ જીતવાના ઇરાદાથી ઊતરશે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે ૬.૩૦ વાગ્યે ટૉસ થશે અને ૭ વાગ્યે ત્રીજી T20 મૅચ શરૂ થશે. બન્ને ટીમ વચ્ચે આ મેદાન પર પહેલી વાર T20 મૅચ રમાશે. જાન્યુઆરી ૨૦૨૩ બાદ પહેલી વાર આ મેદાન પર મેન્સ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ રહી છે.
આ મેદાન પર ઇંગ્લૅન્ડની ટીમે પહેલી વાર જાન્યુઆરી ૨૦૧૩માં વન-ડે મૅચ રમી હતી જેમાં એણે ૯ રને જીત મેળવી હતી. નવેમ્બર ૨૦૧૬માં બન્ને ટીમ વચ્ચે પહેલી વાર આ મેદાન પર ટેસ્ટ-મૅચ રમાઈ જે ડ્રૉ રહી હતી. ફેબ્રુઆરી ૨૦૨૪માં બીજી ટેસ્ટ-મૅચ રમાઈ હતી જેમાં ભારતીય ટીમે ૪૩૪ રને જીત મેળવી હતી. T20 ફૉર્મેટમાં ભારતીય ટીમ આ મેદાન પર પાંચમાંથી માત્ર એક મૅચ હારી છે. નવેમ્બર ૨૦૧૭માં ન્યુ ઝીલૅન્ડની ટીમ ૪૦ રને જીતવામાં સફળ રહી હતી.
રાજકોટની બૅટિંગ-ફ્રેન્ડ્લી પિચ પર કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સહિતના ટૉપ ઑર્ડર બૅટર ફૉર્મમાં પાછા ફરવાનો પ્રયાસ કરશે જે ચેન્નઈની મૅચમાં ફેલ રહ્યા હતા. તિલક વર્માએ એ મૅચમાં અણનમ ૭૨ રન ફટકારીને ટીમને યાદગાર જીત અપાવી હતી. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પાસે આજે બે વિકેટ ઝડપીને ૧૦૦ T20 ઇન્ટરનૅશનલ વિકેટ લેવાની તક રહેશે. ઇંગ્લૅન્ડના બોલર્સ ભારતીય બૅટર સામે રન-ફ્લોને રોકવાનો પણ પ્રયાસ કરશે, કારણ કે જોફ્રા આર્ચર જેવા સ્ટાર બોલર્સે છેલ્લી મૅચમાં ચાર ઓવરમાં ૬૦ રન આપ્યા હતા.