25 January, 2025 12:15 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
ચેન્નઈમાં બીજી T20 મૅચ પહેલાં ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને ભારતીય ટીમ.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પાંચ મૅચની T20 સિરીઝની બીજી મૅચ આજે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ કલકત્તાની મૅચમાં ૭ વિકેટે જીતીને સિરીઝમાં ૧-૦થી આગળ છે. આજની મૅચ જીતીને ભારતીય ટીમ સિરીઝ પર પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. આ મેદાનની પિચ પર સ્પિનર્સને વધુ મદદ મળવાની સંભાવના છે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર આ મૅચનો આનંદ માણી શકાશે. સાંજે ૬.૩૦ વાગ્યે ટૉસ થશે અને ૭ વાગ્યે મૅચ શરૂ થશે.
ચેપૉક સ્ટેડિયમમાં માત્ર બે T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ છે. સપ્ટેમ્બર ૨૦૧૨માં પહેલી T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ભારત સામે ન્યુ ઝીલૅન્ડે ૧ રને જીત મેળવી હતી, જ્યારે નવેમ્બર ૨૦૧૮માં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ૬ વિકેટે જીત મેળવી હતી. ઑલમોસ્ટ ૬ વર્ષ બે મહિના બાદ આ મેદાન પર T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાશે. આ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પહેલી વાર T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાવા જઈ રહી છે. આ પહેલાં બન્ને ટીમ આ મેદાન પર ૧૨ ટેસ્ટ-મૅચ અને એક વન-ડે મૅચ રમી ચૂકી છે.
ઇંગ્લૅન્ડની સ્ક્વૉડમાં બે મોટા ફેરફાર થયા
મોહમ્મદ શમીએ ગઈ કાલે બોલિંગ પ્રૅક્ટિસ કરી હતી.
પહેલી મૅચમાં બે ઓવરમાં ૩૮ રન આપનાર ફાસ્ટ બોલર ગસ ઍટકિન્સનના સ્થાને બીજી T20 મૅચમાં ડાબા હાથના ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સને ટીમમાં સ્થાન મળ્યું છે. અનફિટ બૅટર જેકલ બેથેલના બૅકઅપ તરીકે સ્ક્વૉડમાં વિકેટકીપર-બૅટર જેમી સ્મિથને પણ સ્થાન મળ્યું છે. ભારત પોતાની અંતિમ ઇલેવનમાં કોઈ મોટા ફેરફાર કરે એવી શક્યતા ઓછી છે. જો મોહમ્મદ શમી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પાછાે ફરવા માટે ફિટ થઈ જાય તો તે ટીમમાં ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીની જગ્યા લઈ શકે છે.