27 September, 2024 12:51 PM IST | kanpur | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન પિચનું નિરીક્ષણ કરતા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને કૅપ્ટન રોહિત શર્મા.
કાનપુર ટેસ્ટ પહેલાં ગઈ કાલે ગ્રીન પાર્કના પિચ ક્યુરેટર શિવ કુમારે પાંચ દિવસ દરમ્યાન પિચ કેવી રહેશે એનો ખુલાસો કર્યો હતો. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘આ પિચ પર દરેક માટે કંઈક હશે. પ્રથમ બે સેશનમાં બાઉન્સ જોવા મળશે અને પિચ પહેલા બે દિવસમાં બૅટિંગ માટે ખૂબ જ સારી રહેશે, જ્યારે છેલ્લા ત્રણ દિવસ સ્પિનરોને મદદરૂપ રહેશે.’
ઉત્તર પ્રદેશ ક્રિકેટ અસોસિએશન (UPCA)ના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે આ માટીનું પરીક્ષણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાંથી કરાવીએ છીએ. આ એક ખાસ માટી છે જે કાળી માટી ગામના તળાવ પાસે જોવા મળે છે. અમે વર્ષોથી ગામમાંથી કાળી માટી લાવીએ છીએ.’
IND vs BAN: ગ્રીન પાર્ક પિચ માટે કાળી માટી કાનપુરથી ૨૩ કિલોમીટર દૂર ઉન્નાવ નજીકના એક ગામમાંથી લાવવામાં આવી છે. કાળી માટીની બનેલી પિચો પરંપરાગત રીતે સ્પિનરોને મદદ કરે છે.
UPCAનો આવકારદાયક નિર્ણય
UPCAએ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે બીજી ટેસ્ટ દરમ્યાન પ્લાસ્ટિકનો ઉપયોગ નોંધપાત્ર રીતે ઘટાડવાનો નિર્ણય લીધો છે. સ્ટેડિયમની અંદર નાસ્તો સર્વ કરવા માટે પ્લાસ્ટિક-પ્લેટ પર પ્રતિબંધ મૂક્યો છે અને માત્ર કાગળની પ્લેટોને જ મંજૂરી આપવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું હતું કે આ ગ્રીન પાર્કમાં યોજાનારી મૅચ છે અને અમે એને ‘ગ્રીન’ મૅચ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે શક્ય એટલું ઓછું પ્લાસ્ટિક વાપરવાનું નક્કી કર્યું છે.