14 September, 2024 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ (ઉપર), હેડ કોચ ગૌતમ ગંભીર અને કે.એલ. રાહુલ (નીચે), ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન રોહિત શર્મા (વચ્ચે), રવીન્દ્ર જાડેજા (જમણે)
બંગલાદેશ સામે ૧૯ સપ્ટેમ્બરે શરૂ થનારી ટેસ્ટ-સિરીઝની તૈયારી માટે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ ચેન્નઈમાં ગઈ કાલથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત અને બંગલાદેશ વચ્ચે બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે, જેમાંની પહેલી ટેસ્ટ ૧૯ સપ્ટેમ્બરથી ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થશે.
ભારતના નવા હેડ કોચ ગૌતમ ગંભીર અને તેના સપોર્ટ-સ્ટાફના નેતૃત્વ હેઠળ આ પહેલી ટેસ્ટ-સિરીઝ રમાઈ રહી છે.
કૅપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને અન્ય ટીમ મેમ્બરો જેવા કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, વિકેટકીપર-બૅટર રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, યશસ્વી જાયસવાલ, કુલદીપ યાદવ અને લોકેશ રાહુલ ગુરુવારે રાતે ચેન્નઈ પહોંચ્યા હતા.
બંગલાદેશની ટીમ ટેસ્ટ-મૅચ શરૂ થવાના ચાર દિવસ પહેલાં આવતી કાલે ચેન્નઈ પહોંચશે. ૨૩ સપ્ટેમ્બરે ચેન્નઈમાં પહેલી ટેસ્ટ-મૅચ પૂરી થયા બાદ બીજી ટેસ્ટ-મૅચ ૨૭ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે.
આ બન્ને ટેસ્ટ-મૅચ ૨૦૨૩-૨૦૨૫ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનો હિસ્સો છે. આ ચૅમ્પિયનશિપમાં ૬૮.૫૨ પર્સન્ટેજ પૉઇન્ટ્સ સાથે ભારત પ્રથમ સ્થાને છે. બંગલાદેશની ટીમ ૪૫.૮૩ પર્સન્ટ પૉઇન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. ભારતે ગયા માર્ચમાં ઘરઆંગણે ઇંગ્લૅન્ડને ૪-૧થી હરાવ્યું હતું, જ્યારે બંગલાદેશે હમણાં જ પાકિસ્તાનની ટીમને રાવલપિંડીમાં ઐતિહાસિક રીતે હરાવીને ૨-૦થી સિરીઝ જીતી લીધી હતી.
બંગલાદેશ સામેની આ સિરીઝથી ભારતની ૧૦ ટેસ્ટ-મૅચની શ્રૃંખલા શરૂ થશે. એમાં ઑક્ટોબર-નવેમ્બરમાં ન્યુ ઝીલૅન્ડ સામે ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝ અને એ પછી ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયા સામે મહત્ત્વની પાંચ ટેસ્ટ-મૅચની બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટેની સિરીઝનો સમાવેશ છે.