સુનીલ ગાવસકરનો ૫૧ વર્ષ જૂનો કયો રેકૉર્ડ તોડ્યો યશસ્વી જાયસવાલે?

22 September, 2024 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાયસવાલ કરીઅરની પહેલી ૧૦ ટેસ્ટ-મૅચમાં સૌથી વધારે રન ફટકારનાર ભારતીય બૅટર બની ગયો છે

યશસ્વી જાયસવાલ

બંગલાદેશ સામેની પહેલી ટેસ્ટ-મૅચ દરમ્યાન ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલે પહેલી ઇનિંગ્સમાં ૫૬ રન અને બીજી ઇનિંગ્સમાં ૧૦ રન કર્યા હતા. કુલ ૬૬ રન કરીને તેણે સુનીલ ગાવસકરનો ૫૧ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો છે.

જાયસવાલ કરીઅરની પહેલી ૧૦ ટેસ્ટ-મૅચમાં સૌથી વધારે રન ફટકારનાર ભારતીય બૅટર બની ગયો છે. પહેલી ૧૦ ટેસ્ટમાં ૧૦૯૪ રન ફટકારીને તે ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસકરથી આગળ નીકળી ગયો છે. ગાવસકરે વર્ષ ૧૯૭૩માં પહેલી ૧૦ ટેસ્ટ-મૅચમાં ૯૭૮ રન બનાવ્યા હતા. ઓવરઑલ રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના ડૉન બ્રૅડમૅનના નામે છે જેમણે પહેલી ૧૦ ટેસ્ટ-મૅચમાં ૧૪૪૬ રન ફટકાર્યા હતા. યશસ્વી આ લિસ્ટમાં ચોથા ક્રમે છે.

યશસ્વીએ વેસ્ટ ઇન્ડીઝના જ્યૉર્જ હેડલીનો પણ એક ટેસ્ટ-રેકૉર્ડ તોડ્યો હતો. બાવીસ વર્ષનો યશસ્વી પહેલી ૧૦ ટેસ્ટ-ઇનિંગ્સમાં ઘરઆંગણે સૌથી વધુ ૭૭૮ રન ફટકારનાર બૅટર બની ગયો છે.

તેણે જ્યૉર્જ હેડલીના ૭૪૭ રનનો રેકૉર્ડ તોડ્યો છે. આ સાથે જ યશસ્વી પહેલી ૧૦ ટેસ્ટ-ઇનિંગ્સમાં ઘરઆંગણે ૭૫૦ પ્લસ રન ફટકારનાર દુનિયાનો પહેલા બૅટર પણ બન્યો છે. 

yashasvi jaiswal india indian cricket team bangladesh test cricket cricket news sports sports news