ગુરુ કરતાં ચેલો સવાયો

22 September, 2024 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહેન્દ્ર સિંહ ધોનીની ૬ ટેસ્ટ-સદી ૯૦ ટેસ્ટમાં, રિષભ પંતે ૬ ટેસ્ટ-સેન્ચુરી ફટકારી ૩૪ ટેસ્ટમાં

ત્રીજા દિવસની રમતની શરૂઆતમાં રિષભ પંતે ગ્લવ્ઝ, બૅટ અને હેલ્મેટ સામે કરી પ્રાર્થના

પહેલી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે રિષભ પંત ભારે ચર્ચામાં રહ્યો હતો. ત્રીજા દિવસની રમતની શરૂઆત પહેલાં રિષભ પંત ડ્રેસિંગ રૂમની બહાર ગ્લવ્ઝ, બૅટ અને હેલ્મેટ સામે પ્રાર્થના કરતો જોવા મળ્યો હતો. એક સમયે તે બંગલાદેશના ક્રિકેટર્સને ફીલ્ડિંગ પોઝિશન પર સેટ કરવા માટે સલાહ આપતો જોવા મળ્યો હતો. આ બન્ને ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો.

રિષભ પંતે પહેલી ઇનિંગ્સમાં ૩૯ રન અને બીજી ઇનિંગ્સમાં ૧૦૯ રન ફટકાર્યા હતા. તેણે છેલ્લે ૨૦૨૨ની પહેલી જુલાઈએ ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ-સેન્ચુરી ફટકારી હતી જેમાં તેણે પહેલી ઇનિંગ્સમાં ૧૪૬ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. ૨૦૨૨ની બાવીસ ડિસેમ્બરે મીરપુરમાં બંગલાદેશ સામેની પહેલી ઇનિંગ્સ દરમ્યાન ૯૩ રન ફટકારનાર રિષભ પંત ૭ રનથી સેન્ચુરી ચૂકી ગયો હતો.

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૬૩૪ દિવસ બાદ વાપસી કરનાર રિષભ પંતે તેની કરીઅરની છઠ્ઠી ટેસ્ટ-સેન્ચુરી ફટકારી છે. આ સાથે જ તે ટેસ્ટમાં સૌથી વધુ ટેસ્ટ-સેન્ચુરી ફટકારનાર ભારતીય વિકેટકીપર-બૅટર બની ગયો છે. તેણે ૯૦ ટેસ્ટમાં છ સેન્ચુરી ફટકારનાર ભૂતપૂર્વ કૅપ્ટન એમ. એસ. ધોનીના આ રેકૉર્ડમાં બરાબરી કરી હતી. આગામી ટેસ્ટમાં વધુ એક સેન્ચુરી ફટકારીને તે ધોનીને પણ પાછળ છોડી શકે છે. 

india bangladesh test cricket indian cricket team Rishabh Pant ms dhoni mahendra singh dhoni cricket news sports sports news