બે રવિએ ભારતનો અસ્ત અટકાવ્યો

20 September, 2024 09:01 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

બંગલાદેશ સામે ૩૪ રનમાં ૩ વિકેટ ગુમાવ્યા પછી ભારતે ખડક્યા ૩૩૯ રન : ૬ વિકેટે ૧૪૪ના સ્કોર પર ભેગા થયેલા રવીન્દ્ર જાડેજા અને રવિચન્દ્રન અશ્વિને ૧૯૫ રનની અણનમ ભાગીદારી કરીને લાજ બચાવી : અશ્વિને ફટકારી છઠ્ઠી ટેસ્ટ-સેન્ચુરી અને જાડેજા પણ છે સદીની નજીક

રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા

ચેન્નઈમાં શરૂ થયેલી ભારત અને બંગલાદેશ વચ્ચેની પહેલી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે રોહિત ઍન્ડ કંપનીએ ૮૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૩૩૯ રન ફટકારી દીધા છે. ટૉસ જીતીને બોલિંગ માટે ઊતરનાર બંગલાદેશના બોલર હસન મહમૂદની ઘાતક બોલિંગના કારણે એક સમયે ભારતીય ટીમે ૯.૨ ઓવરમાં ૩૪ રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી યશસ્વી જાયસવાલે (૫૬ રન) રિષભ પંત સાથે ૬૨ રનની અને કે. એલ. રાહુલ સાથે ૪૮ રનની પાર્ટનરશિપ કરીને સ્થિતિ સંભાળી હતી. ત્યાર બાદ ભારતના દિગ્ગજ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ ટૉપ ગિયરમાં બૅટિંગ કરીને ભારતનો સ્કોર ૧૪૪-૬થી ૩૩૯-૬ સુધી પહોંચાડી દીધો છે. 

બંગલાદેશ સામે પહેલા જ દિવસે ભારતના સ્ટાર બૅટર્સ ફેલ રહ્યા જેને કારણે ભારત અપેક્ષા અનુસાર શરૂઆત ન કરી શક્યું. કૅપ્ટન રોહિત શર્મા (૬ રન), શુભમન ગિલ (શૂન્ય) અને વિરાટ કોહલી (૬ રન) ઝડપથી આઉટ થઈ જતાં ભારતીય ફૅન્સ ચિંતામાં મુકાયા હતા, પરંતુ વિકેટકીપર-બેટર રિષભ પંત (૩૯ રન) અને કે. એલ. રાહુલ (૧૬ રન)એ ૪૨મી ઓવર સુધી અડીખમ રહેલા ઓપનિંગ બૅટર યશસ્વી જાયસવાલને સાથ આપીને ભારતનો સ્કોર આગળ વધાર્યો હતો. 

૪૩મી ઓવરથી ભારતના દિગ્ગજ સ્પિનરો-ઑલરાઉન્ડરો અશ્વિન અને જાડેજાએ ઇનિંગ્સ સંભાળી હતી. દિવસના અંતે ૮૦મી ઓવર સુધીમાં બન્નેએ ૨૨૭ બૉલમાં ૧૯૫ રનની પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર ૩૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. ચેપૉક સ્ટેડિયમમાં સાતમી વિકેટ માટે આ હાઇએસ્ટ પાર્ટનરશિપ છે. અગાઉ ૨૦૧૬માં ઇંગ્લૅન્ડ સામે રવીન્દ્ર જાડેજા અને કરુણ નાયરે સાતમી વિકેટ માટે ૧૩૮ રન જોડ્યા હતા. ચેપૉકમાં પહેલવહેલી વાર સાતમી વિકેટ માટે ૧૫૦ પ્લસ રનની ટેસ્ટ-પાર્ટનરશિપ થઈ છે.

જાડેજાએ ૧૧૭ બૉલમાં ૮૬ રનની અને અશ્વિને ૧૧૨ બૉલમાં ૧૦૨ રનની ઇનિંગ્સ રમી છે. જાડેજાની આ ૨૧મી ટેસ્ટ-ફિફ્ટી અને અશ્વિનની છઠ્ઠી ટેસ્ટ-સેન્ચુરી છે. રોચક વાત એ રહી કે પહેલા દિવસે બન્ને ઑલરાઉન્ડરે એક જેટલી સંખ્યાના ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા છે. બન્નેએ બંગલાદેશ સામે ૧૦-૧૦ ચોગ્ગા અને બે-બે છગ્ગા ફટકારીને બોલર્સનું મનોબળ તોડ્યું હતું. 

કરીઅરની ફાસ્ટેસ્ટ ટેસ્ટ-સેન્ચુરી ૧૦૮ બૉલમાં ફટકારી અશ્વિને

અશ્વિને ગઈ કાલે કરીઅરની ફાસ્ટેસ્ટ ટેસ્ટ-સેન્ચુરી ફટકારી હતી. ૧૦૮ બૉલમાં ૧૦૦ રન કરીને તેણે પોતાની ૨૦૧૧ની ફટકારેલી ફાસ્ટેસ્ટ ટેસ્ટ-સેન્ચુરીને પાછળ છોડી દીધી હતી. ૨૦૧૧માં તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૧૭ બૉલમાં ફાસ્ટેસ્ટ ટેસ્ટ-સેન્ચુરી નોંધાવી હતી. નવેમ્બર ૨૦૧૧માં ટેસ્ટ ડેબ્યુ કરનાર અશ્વિનની બંગલાદેશ સામે આ પહેલી ટેસ્ટ-સેન્ચુરી હતી. ભારત માટે ફાસ્ટેસ્ટ ટેસ્ટ-સેન્ચુરી ફટકારવાનો રેકૉર્ડ કપિલ દેવના નામે છે, જેમણે ૧૯૮૭માં શ્રીલંકા સામે ૭૪ બૉલમાં સેન્ચુરી ફટકારી હતી.

મમ્મી-પપ્પા સામે સ્પેશ્યલ માઇલસ્ટોન બનાવ્યા અશ્વિને 


ચેન્નઈના રહેવાસી અશ્વિને ૧૭ સપ્ટેમ્બરે સાથી ખેલાડીઓ સાથે ૩૮મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. ગઈ કાલે ચેપૉક સ્ટેડિયમમાં તેની ઇનિંગ્સ જોવા તેનાં મમ્મી-પપ્પા પણ હાજર રહ્યાં હતાં. અશ્વિને મમ્મી-પપ્પા સામે ધમાકેદાર ઇનિંગ્સ રમીને ઘણા માઇલસ્ટોન બનાવ્યા છે. તે એક મેદાન પર ટેસ્ટમાં ૩૦૦ રન અને ૩૦ વિકેટ લેનાર બીજો ભારતીય ઑલરાઉન્ડર બન્યો છે. આ પહેલાં કપિલ દેવે ચેન્નઈ અને દિલ્હીમાં આ કમાલ કરી હતી. ચેપૉકમાં તેણે બે ટેસ્ટ-સેન્ચુરી સાથે ચાર ફાઇફર પણ લીધી છે. તે એક મેદાન પર બે સેન્ચુરી અને બે ફાઇફરની સિદ્ધિ મેળવનાર દુનિયાનો પાંચમો ઑલરાઉન્ડર બન્યો છે. તે ટેસ્ટમાં છ સેન્ચુરી અને છ ફાઇફરની ડબલ સિદ્ધિ મેળવનાર કપિલ દેવ બાદ બીજો અને ઓવરઑલ આઠમો ખેલાડી બન્યો છે. 

રવીન્દ્ર જાડેજા

બૉલ- ૧૧૭, રન- ૮૬, ચોગ્ગા- ૧૦, છગ્ગા- ૨, સ્ટ્રાઇક રેટ-  ૭૩.૫૦

રવિચન્દ્રન અશ્વિન 

બૉલ- ૧૧૨, રન- ૮૬, ચોગ્ગા- ૧૦, છગ્ગા- ૨, સ્ટ્રાઇક રેટ-  ૯૧.૦૭

india bangladesh chennai test cricket indian cricket team ravindra jadeja ravichandran ashwin rohit sharma virat kohli kl rahul shubman gill yashasvi jaiswal sports sports news cricket news