16 September, 2024 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલ (ઉપર), મોહમ્મદ સિરાજ (નીચે) અને જસપ્રીત બુમરાહ (જમણે)
૧૯ સપ્ટેમ્બરથી બંગલાદેશ સામે શરૂ થતી બે મૅચની ટેસ્ટ-સિરીઝ પહેલાં T20 સિરીઝને લઈને મહત્ત્વની અપડેટ સામે આવી છે. બંગલાદેશ સામે સાતથી ૧૩ ઑક્ટોબર વચ્ચે રમાનારી ત્રણ મૅચની T20 સિરીઝમાં ત્રણ ભારતીય સ્ટાર ક્રિકેટર્સને આરામ મળી શકે છે જેમાં ટૉપ ઑર્ડર બૅટર શુભમન ગિલ, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજનું નામ સામેલ છે. બંગલાદેશ સામેની અંતિમ T20 મૅચના ત્રણ દિવસ બાદ ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ ૧૬ ઑક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે જેમાં આ ખેલાડીઓની હાજરી જરૂરી છે.
ન્યુ ઝીલૅન્ડ સામે ત્રણેય ખેલાડીઓ ફિટ રહે એ માટે તેઓને આરામ આપીને અન્ય યુવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે. બીજી તરફ રિષભ પંતના વર્કલોડ પર સૌની નજર રહેશે. જો તેને આરામ આપવામાં આવશે તો વિકેટકીપર-બૅટર ઈશાન કિશનના વાપસીના દરવાજા ખૂલી શકે છે. હાલમાં ભારતીય ટીમ ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં બંગલાદેશ સામેની પહેલી ટેસ્ટ-મૅચની તૈયારીમાં વ્યસ્ત છે.