30 September, 2024 09:51 AM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
મૅચ ઑફિશ્યલ્સે ત્રણ વાર કર્યું હતું મેદાનનું નિરીક્ષણ
ભારત અને બંગલાદેશ વચ્ચેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસની રમત પણ રદ થઈ છે. ગઈ કાલે રમતના સમય દરમ્યાન વરસાદનો પ્રભાવ નહોતો, પણ રાતે પડેલા વરસાદને કારણે આઉટફીલ્ડ ભીનું રહ્યું હતું. અહેવાલો અનુસાર ભારતીય બોર્ડે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમના આઉટફીલ્ડને રમત માટે તૈયાર કરવા ત્રણ સુપર-સોપર મશીન સાથે ૧૦૦ કર્મચારીઓ કામે લગાડ્યાં હતાં, પણ મેદાન સૂકાયું નહોતું. મૅચ ઑફિશ્યલ્સે સવારે ૧૦ વાગ્યે, બપોરે ૧૨ અને બે વાગ્યે મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ ત્રીજા દિવસની રમત રદ કરી હતી.
IND vs BAN: મૅચના બીજા અને ત્રીજા દિવસે કોઈ રમત ન થઈ હોવાથી આ સ્થળની ડ્રેનેજ સુવિધા પર સવાલો ઊભા થયા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ અને નવા નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીની જાહેરાત વચ્ચે કાનપુર ટેસ્ટમાં સતત બીજા દિવસે મૅચ ન રમાતાં ભારતીય બોર્ડ શરમમાં મુકાયું છે. વરસાદ અને ભીના મેદાનને કારણે રમતનાં લગભગ આઠ સેશન બરબાદ થઈ ગયાં છે. આની અસર બે મૅચોની આ સિરીઝની અંતિમ મૅચનાં પરિણામ પર પડશે. ભારતીય ટીમ પહેલી ટેસ્ટ જીતીને ૧-૦થી આગળ છે. પ્રથમ દિવસે બંગલાદેશે ત્રણ વિકેટે ૧૦૭ રન બનાવ્યા હતા જ્યારે વરસાદના કારણે માત્ર ૩૫ ઓવર જ રમાઈ શકી હતી.