25 September, 2024 08:07 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલ,રોહિત શર્મા, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ
બે મૅચની ટેસ્ટ-સિરીઝની બીજી ટેસ્ટ રમવા માટે ભારત અને બંગલાદેશની ક્રિકેટ ટીમ ગઈ કાલે કાનપુર પહોંચી હતી. ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને શુભમન ગિલ સહિતના ખેલાડીઓનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના કાનપુરના ઇન્ટરનૅશનલ ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ૨૭ સપ્ટેમ્બરથી બન્ને ટીમ વચ્ચે બીજી ટેસ્ટ-મૅચ શરૂ થશે. બંગલાદેશ આ ટેસ્ટ જીતી સિરીઝ ડ્રૉ કરવાના ઇરાદા સાથે ઊતરશે.
આ ટેસ્ટ-મૅચ માટે કાનપુર પોલીસે ફૂલપ્રૂફ સુરક્ષા યોજના તૈયાર કરી છે. હાલમાં બંગલાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારના વિરોધમાં સ્ટેડિયમની આગળના રસ્તા પર અવરોધ ઊભા કરીને હવનનું આયોજન કરવાના આરોપમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના ૨૦ સભ્યો વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યો છે. ગ્રીન પાર્ક સ્ટેડિયમ અને હોટેલ લૅન્ડમાર્કને સેક્ટર, ઝોન અને સબ-ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. એમાં સુરક્ષાની જવાબદારી અનુક્રમે DCP, ઍડિશનલ DCP અને ACP રૅન્કના અધિકારીઓને સોંપવામાં આવી છે.
બુમરાહ ભારતીય ક્રિકેટનો કોહિનૂર છે : અશ્વિન
બંગલાદેશ સામે પહેલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર સ્પિનર રવિચન્દ્રન અશ્વિને એક યુટ્યુબ ચૅનલ પર ફાસ્ટ બોલર બુમરાહ વિશે મોટી વાત કહી છે. તેણે કહ્યું હતું કે ‘જસપ્રીત બુમરાહ આટલી ગરમીમાં ૧૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બૉલ ફેંકે છે, તે ખૂબ મહેનત કરે છે. દિગ્ગજ બોલર કપિલ દેવ પછી તે સૌથી મોટો મૅચ-વિનિંગ બોલર છે જે સ્ટ્રેસ અને ફ્રૅક્ચરમાંથી સાજો થઈને ૧૪૫ કિલોમીટરની ઝડપે બોલિંગ કરી રહ્યો છે. તે ભારતીય ક્રિકેટનો કોહિનૂર હીરો છે.’
હાલમાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથે પણ બુમરાહને ત્રણેય ફૉર્મેટનો બેસ્ટ બોલર ગણાવ્યો છે. બંગલાદેશ સામેની પહેલી ટેસ્ટમાં તેણે બે ઇનિંગ્સમાં કુલ પાંચ વિકેટ ઝડપી છે.