પંત-શ્રેયસની ૧૫૯ની ભાગીદારીએ અપાવી સરસાઈ

24 December, 2022 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બંગલાદેશના ૨૨૭ સામે ભારતના ૩૧૪ : સ્પિનરોએ બન્ને ભારતીય બૅટરની સદી ન થવા દીધી

રિષભ પંત (ડાબે) અને શ્રેયસ ઐયર (જમણે)ની પાર્ટનરશિપ ૯૪મા રને કોહલીની વિકેટ પડતાં શરૂ થઈ હતી અને બન્ને વચ્ચે ૧૫૯ રનની ભાગીદારી થઈ હતી. (તસવીર : એ.એફ.પી.)

ઢાકાના મીરપુરમાં ગઈ કાલે ભારતે બીજી અને આખરી ટેસ્ટમાં બીજા દિવસે ૮૭ રનની સરસાઈ મેળવીને મૅચ પરની પકડ મજબૂત બનાવી હતી. પ્રથમ દાવમાં બંગલાદેશના ૨૨૭ રન સામે ભારતે ૩૧૪ રન બનાવ્યા હતા અને રમતના અંત સુધીમાં બંગલાદેશનો બીજા દાવનો સ્કોર વિના વિકેટે ૭ રન હતો.

વિકેટકીપર-બૅટર રિષભ પંત (૯૩ રન, ૧૦૪ બૉલ, ૧૭૩ મિનિટ, પાંચ સિક્સર, સાત ફોર) સાત રન માટે છઠ્ઠી ટેસ્ટ-સદી ચૂકી ગયો હતો. ઑફ-સ્પિનર મેહદી હસન મિરાઝને ૬૧ રનમાં એક જ વિકેટ મળી હતી અને એ વિકેટ પંતની હતી. પંતની વિકેટ પડ્યા પછી શ્રેયસ ઐયર (૮૭ રન, ૧૦૫ બૉલ, ૧૬૮ મિનિટ, બે સિક્સર, દસ ફોર) આઉટ થયો હતો. ગયા વર્ષે ટેસ્ટમાં ડેબ્યુ કરનાર શ્રેયસ બીજી ટેસ્ટ-સદી ચૂકી ગયો હતો. જોકે પંત-શ્રેયસ વચ્ચેની પાંચમી વિકેટ માટેની ૧૫૯ રનની ભાગીદારીએ ગઈ કાલે ભારતની આબરૂ બચાવી હતી. ૯૪ રનના સ્કોરે વિરાટ કોહલી (૨૪ રન)ની ચોથી વિકેટ પડતાં પંત સાથે શ્રેયસ જોડાયો હતો અને તેમણે ટીમને લીડ અપાવી હતી. એકાદ-બે દિવસમાં ભારત જીતી શકે છે અને એવું થશે તો વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ટેબલમાં ભારતનું સ્થાન વધુ મજબૂત થઈ જશે.

રાહુલ, ગિલ, પુજારા, કોહલી ફ્લૉપ
ગઈ કાલે કાર્યવાહક કૅપ્ટન કે. એલ. રાહુલ (૧૦ રન), શુભમન ગિલ (૨૦ રન), ચેતેશ્વર પુજારા (૨૪ રન) અને વિરાટ કોહલી (૨૪ રન) મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયા હતા. બંગલાદેશના બોલર્સમાં કૅપ્ટન શાકિબ-અલ-હસને ૭૯ રનમાં ૪ અને તૈજુલ ઇસ્લામે ૭૪ રનમાં ૪ વિકેટ લીધી હતી.

બૉલ ટર્ન થયા, કુલદીપ ચર્ચામાં
ગઈ કાલે મીરપુરની પિચ પર બૉલ ખૂબ ટર્ન થતા હતા એટલે ક્રિકેટ વર્તુળમાં ચર્ચા હતી કે ગઈ ટેસ્ટમાં કુલ ૮ વિકેટ લઈને મૅચ-વિનર બનેલા કુલદીપ યાદવને જો આ મૅચમાં રમાડવામાં આવ્યો હોત તો ટીમને વધુ મદદ મળી હોત. પહેલા દાવમાં આર. અશ્વિને ચાર વિકેટ લીધી હતી, પરંતુ અક્ષર પટેલને એકેય વિકેટ નહોતી મળી.

sports sports news cricket news india bangladesh test cricket