કાનપુર ટેસ્ટમાં પહેલા ત્રણ દિવસની રમત બગાડી શકે છે વરસાદ

27 September, 2024 12:50 PM IST  |  kanpur | Gujarati Mid-day Correspondent

ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં પહેલી વાર ટેસ્ટમાં ટકરાશે ભારત-બંગલાદેશ, બે મૅચની સિરીઝમાં ૧-૦થી આગળ છે ભારત

ગઈ કાલે સાંજે વરસાદ દરમ્યાન ગ્રાઉન્ડ પર કવર લાવતો ગ્રાઉન્ડ સ્ટાફ.

આજથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બંગલાદેશ વચ્ચે બે મૅચની સિરીઝની બીજી ટેસ્ટ-મૅચ રમાશે. ભારતીય ટીમ બંગલાદેશ સામે સતત બીજી મૅચ જીતીને ટેસ્ટમાં બંગલાદેશી ટીમ સામે અજેય રહેવાના ઇરાદા સાથે જ ઊતરશે. ૨૦૧૨થી ઘરઆંગણે એક પણ ટેસ્ટ-સિરીઝ ન હારનારી ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં હાલમાં નંબર વન ટીમ છે. બંગલાદેશની ટીમ આ ટેસ્ટમાં જીત મેળવીને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં મોટો ફેરફાર કરવાના ટાર્ગેટ સાથે રમશે, પણ બન્ને ટીમ વચ્ચેની આ ટક્કરમાં વરસાદ મોટી ભૂમિકા ભજવશે. 

ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન યંગ ક્રિકેટર્સ સાથે ભારતીય ટીમના સ્ટાર બૅટ્સમૅન વિરાટ કોહલીનું ફોટો-સેશન.

પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ગઈ કાલે ભારે વરસાદને કારણે ગ્રીન પાર્કના ગ્રાઉન્ડ પર કવર ઢાંકવાની ફરજ પડી હતી. વેધર રિપોર્ટ્સ અને અહેવાલ અનુસાર કાનપુર ટેસ્ટના પહેલા દિવસે ૯૨ ટકા, બીજા દિવસે ૮૦ ટકા અને ત્રીજા દિવસે ૫૯ ટકા વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં મૅચનું પરિણામ આવવું અશક્ય બની જશે. બીજી ટેસ્ટ-મૅચ ધોવાઈ જાય તો પણ ભારત ટેસ્ટ-સિરીઝ ૧-૦થી જીતશે. જોકે ભારતીય ટીમ આ મૅચ પૂર્ણ કરીને સિરીઝ ૨-૦થી જીતવા માગે છે જેથી જો તે જીતે તો વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ-ટેબલમાં મહત્તમ પૉઇન્ટ મેળવી શકે.

પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ગઈ કાલે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ધ્વજ લહેરાવતા ભારતીય ફૅન્સ. 

 

ગ્રીન પાર્કમાં ભારતનો ટેસ્ટ-રેકૉર્ડ
કુલ મૅચ    ૨૩
જીત    ૦૭
હાર    ૦૩
ડ્રૉ    ૧૩

પાંચેય દિવસ કેટલા ટકા વરસાદની શક્યતા? 
૨૭ સપ્ટેમ્બર    ૯૨ ટકા
૨૮ સપ્ટેમ્બર    ૮૦ ટકા
૨૯ સપ્ટેમ્બર    ૫૯ ટકા
૩૦ સપ્ટેમ્બર    ૩ ટકા
૦૧ ઑક્ટોબર    ૧ ટકા 

india bangladesh test cricket kanpur indian cricket team cricket news sports sports news