દિલ્હીમાં માત્ર એક T20 ઇન્ટરનૅશનલ મૅચ જીતી છે ભારતીય ક્રિકેટ ટીમ

09 October, 2024 11:46 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

બંગલાદેશે ભારત સામેની એકમાત્ર જીત આ જ મેદાન પર મેળવી હતી

દિલ્હીમાં પ્રૅક્ટિસ-સેશનમાં મસ્તી કરતા ભારતીય ક્રિકેટર્સ

ભારત અને બંગલાદેશ વચ્ચે ત્રણ મૅચની T20 સિરીઝની બીજી મૅચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ગ્વાલિયરમાં ધમાકેદાર જીત બાદ અહીં સતત બીજી મૅચ જીતીને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ આ સિરીઝ પર કબજો મેળવવાના ઇરાદાથી ઊતરશે. 

બંગલાદેશની ટીમ ભારત સામે ૧૫ મૅચમાંથી માત્ર એક વાર T20 ઇન્ટરનૅશનલ મૅચ જીતી છે. નવેમ્બર ૨૦૧૯માં બંગલાદેશી ટીમે દિલ્હીના આ જ મેદાન પર ભારતીય ટીમને હરાવી હતી. ભારતીય ટીમ આ મેદાન પર માત્ર નવેમ્બર ૨૦૧૭માં ન્યુ ઝીલૅન્ડ સામે T20 ઇન્ટરનૅશનલ મૅચ જીતી છે. જાન્યુઆરી ૨૦૨૨ અને નવેમ્બર ૨૦૧૯માં અનુક્રમે સાઉથ આફ્રિકા અને બંગલાદેશ સામે આપણી ટીમે સાત-સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

બંગલાદેશની ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને આ સિરીઝને જીવંત રાખવાનો પ્રયાસ કરશે, પરંતુ સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે પ્રથમ મૅચમાં જે રીતે પ્રદર્શન કર્યું એ જોતાં મહેમાન ટીમ માટે આ સરળ કામ નહીં હોય. રિષભ પંત, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, યશસ્વી જાયસવાલ અને શુભમન ગિલ જેવા ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતીય ટીમે ગ્વાલિયરમાં પ્રથમ મૅચમાં જે રીતે પોતાનું વર્ચસ જાળવી રાખ્યું હતું એ લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં આપણી ટીમની મજબૂત બેન્ચ સ્ટ્રેંગ્થ દર્શાવે છે.

ભારતની નવી ઓપનિંગ જોડી સંજુ સૅમસન અને અભિષેક શર્મા પહેલી મૅચમાં માત્ર પચીસ રનની પાર્ટનરશિપ કરી શક્યા હતા. આજની મૅચમાં બન્ને ખેલાડીઓ મોટી પાર્ટનરશિપ કરવાનો ટાર્ગેટ રાખશે. પ્રથમ મૅચમાં આસાન જીત નોંધાવનારી ભારતીય ટીમમાં કોઈ ફેરફારની શક્યતા નથી. જોકે ફાસ્ટ બોલર હર્ષિત રાણા પોતાના ઇન્ટરનૅશનલ ડેબ્યુની આશા રાખશે. 

વધુ એક બંગલાદેશી આૅલરાઉન્ડરે T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી

શાકિબ-અલ-હસન બાદ વધુ એક બંગલાદેશી ઑલરાઉન્ડર મહમુદુલ્લાએ T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. હૈદરાબાદમાં રમાનારી ભારત સામેની ત્રીજી મૅચ તેની આ ફૉર્મેટમાં છેલ્લી મૅચ હશે. ૩૮ વર્ષના ખેલાડીએ ૨૦૦૭માં ડેબ્યુ કર્યા બાદ બંગલાદેશ માટે ૫૦ ટેસ્ટ, ૨૩૨ વન-ડે અને ૧૩૯ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમી છે. બંગલાદેશના આ ભૂતપૂર્વ T20 કૅપ્ટને ૨૦૨૧માં પોતાની ટેસ્ટ-કારકિર્દીને અલવિદા કરી દીધી હતી. હવે તે વન-ડે ફૉર્મેટ પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે.

india bangladesh t20 international suryakumar yadav shubman gill Rishabh Pant yashasvi jaiswal jasprit bumrah axar patel new delhi cricket news indian cricket team sports news sports