ઢાકામાં ભારત માટે ક્લીન-સ્વીપ કઠિન

22 December, 2022 12:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આજથી બંગલાદેશ સામે છેલ્લી ટેસ્ટ : રાહુલ નહીં રમે તો ઈશ્વરનને મોકો, પુજારાને સુકાન સોંપાશે

વિરાટ કોહલી અને કે. એલ. રાહુલ

ભારતે ટેસ્ટની વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે બાકીની પાંચમાંથી ચાર ટેસ્ટ જીતવી જરૂરી છે એ જોતાં આજે ઢાકાના મીરપુરમાં બંગલાદેશ સામે શરૂ થઈ રહેલી બીજી અને છેલ્લી ટેસ્ટ (સવારે ૯.૦૦ વાગ્યાથી લાઇવ) પણ જીતીને ૨-૦થી ક્લીન-સ્વીપ કરવાનો ટીમ ઇન્ડિયાનો મુખ્ય આશય હશે જ. જોકે ચટગાંવની બૅટર્સને વધુ માફક આવે એવી પિચ પર ભારત આસાનીથી જીત્યું, પરંતુ મીરપુરની વિકેટ પર જીતવું કઠિન બની રહેશે.

પ્રથમ ટેસ્ટમાં વાઇસ-કૅપ્ટન ચેતેશ્વર પુજારા બે મોટી ઇનિંગ્સ (૯૦ રન, ૧૦૨ અણનમ) રમ્યો હતો. શુભમન ગિલ, શ્રેયસ ઐયર અને આર. અ​શ્વિને પણ બૅટિંગમાં મોટાં યોગદાન આપ્યાં હતાં, જ્યારે કુલદીપ યાદવ, અક્ષર પટેલ તેમ જ મોહમ્મદ સિરાજે બંગલાદેશની ટીમને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખી હતી. જોકે મીરપુરની શેર બંગલા નૅશનલ સ્ટેડિયમની પિચ સ્પિનરોને વધુ દાદ દેનારી હોવાથી ભારતીય સ્પિનરો માટે કામ થોડું મુશ્કેલ તો થઈ જ જશે, ભારતીય બૅટર્સે પણ શાકિબ–ઉલ-હકની ટીમ સામે ખૂબ ચેતવું પડશે. તાસ્કિન અહમદ કદાચ ઈજાગ્રસ્ત ઇબાતદ હુસેનના સ્થાને રમશે.

કે. એલ. રાહુલને નેટમાં બૅટિંગ દરમ્યાન હાથમાં ઈજા થઈ છે. બૅટિંગ-કોચ વિક્રમ રાઠોરના મતે ઈજા ગંભીર નથી અને તે મોટા ભાગે રમશે. જોકે રાહુલ નહીં રમે તો અભિમન્યુ ઈશ્વરનને રમવાનો મોકો મળી શકે અને કદાચ પુજારાને સુકાન સોંપાશે.

sports news sports indian cricket team cricket news test cricket cheteshwar pujara kl rahul