ગ્વાલિયરમાં ભારત-બંગલાદેશ T20 મૅચ માટે ૨૫૦૦ પોલીસ-કર્મચારીઓ તહેનાત રહેશે

06 October, 2024 01:21 PM IST  |  Gwalior | Gujarati Mid-day Correspondent

ભારતને મળશે નવી ઓપનિંગ જોડી

ગઈ કાલે ભારતીય ટીમના પ્રૅક્ટિસ-સેશનની યાદોને કૅમેરામાં કેદ કરતા પોલીસ-કર્મચારીઓ

ગ્વાલિયરમાં ૧૪ વર્ષ બાદ ઇન્ટરનૅશનલ મૅચનું આયોજન કરવામાં આવ્યું છે. બંગલાદેશ સામેની T20 સિરીઝ પહેલાં ગ્વાલિયરમાં કેટલાંક સંગઠનોએ પાડોશી દેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો વિરોધ કર્યો છે અને રવિવારની મૅચ રદ કરવાની ડિમાન્ડ કરી છે. વિરોધના માહોલ વચ્ચે ગ્વાલિયરમાં આયોજિત પહેલી T20 મૅચ માટે ૨૫૦૦થી વધુ પોલીસ-કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. સાતમી ઑક્ટોબર સુધી જિલ્લા મૅજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ વિરોધ-પ્રદર્શનો અને ભડકાઉ કન્ટેન્ટ સોશ્યલ મીડિયા પર ફરતા કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બપોરે બે વાગ્યાથી પોલીસ-કર્મચારીઓ રસ્તા પર આવી જશે. મૅચ સમાપ્ત થયા બાદ દર્શકો ઘરે પહોંચે ત્યાં સુધી તેઓ ફરજ પર રહેશે. બન્ને ટીમને હોટેલથી સ્ટેડિયમ સુધી કડક સુરક્ષા મળશે.

ભારતને મળશે નવી ઓપનિંગ જોડી

ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન કહ્યું હતું કે વિકેટકીપર-બૅટર સંજુ સૅમસન અને અભિષેક શર્મા ભારત માટે પહેલી મૅચમાં ઓપનિંગ કરશે. બન્ને ખેલાડીઓ પહેલી વાર એકસાથે ઓપનિંગ કરતા જોવા મળશે. આ પહેલાં બન્ને અલગ-અલગ મૅચમાં ભારત માટે ઓપનિંગ કરી ચૂક્યા છે. અભિષેક શર્મા માટે આજની મૅચ સ્પેશ્યલ હશે, કારણ કે જુલાઈ ૨૦૨૪માં ઝિમ્બાબ્વેમાં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર અભિષેક ભારતમાં પહેલી વાર ઇન્ટરનૅશનલ મૅચ રમશે. 

T20 હેડ ટુ હેડ રેકોર્ડ

કુલ મૅચ - ૧૪
ભારતની જીત - ૧૩
બંગલાદેશની જીત - ૦૧

indian cricket team india bangladesh cricket news sports sports news