06 October, 2024 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય ટીમના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ કોચ ગૌતમ ગંભીર
છઠ્ઠી ઑક્ટોબરનો દિવસ ભારતીય ક્રિકેટ ફૅન્સ માટે ઍક્શનનો ડબલ ડોઝ લઈને આવ્યો છે. વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024માં બપોરે ભારત-પાકિસ્તાનની મૅચ બાદ સાંજે ૭ વાગ્યાથી ભારતીય ફૅન્સ ભારત-બંગલાદેશ વચ્ચેની T20 સિરીઝની પહેલી મૅચનો આનંદ માણી શકશે. આજે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આ મૅચ શ્રીમંત માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં રમાશે જે ગ્વાલિયરમાં ૧૪ વર્ષ પછી ઇન્ટરનૅશનલ ક્રિકેટની વાપસી હશે. આ શહેરમાં વન-ડે તરીકે છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ ૨૦૧૦માં રમાઈ હતી. સાઉથ આફ્રિકા સામે રમાયેલી આ મૅચમાં મુંબઈકર સચિન તેન્ડુલકર ડબલ સેન્ચુરી ફટકારનાર વિશ્વનો પ્રથમ બૅટર બન્યો હતો.
મુંબઈકર સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સી હેઠળ આજે કયો યંગ ક્રિકેટર ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરશે એના પર સૌની નજર રહેશે. ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી અને બોલર્સ મયંક યાદવ, હર્ષિત રાણાને આ ત્રણ મૅચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. સ્પિનર વરુણ ચક્રવર્તી પણ ત્રણ વર્ષ બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી માટે સજ્જ હશે. ભારતે ટેસ્ટ-સિરીઝમાં બંગલાદેશ સામે ક્લીન સ્વીપ કરી હતી, પરંતુ એની T20 ટીમના મોટા ભાગના ખેલાડીઓ એ ટીમનો ભાગ નહોતા. આ ટીમે સ્ટાર ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન વિના રમવાની આદત પાડવી પડશે જેણે ગયા મહિને ટેસ્ટ અને T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.
રાજનેતાઓનાં નામ ધરાવતાં સ્ટેડિયમમાં રમાઈ રહી છે T20 સિરીઝ
આજની ગ્વાલિયરની પહેલી T20 મૅચ શ્રીમંત માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં રમાશે. સિરીઝની બીજી મૅચ ૯ ઑક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અને ત્રીજી મૅચ ૧૨ ઑક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. ટૂંકમાં આ સિરીઝ ભારતીય રાજનેતાઓનાં નામ ધરાવતાં સ્ટેડિયમમાં રમાશે.
શિવમ દુબે આઉટ, તિલક વર્મા ઈન
ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે સાંજે જાહેરાત કરી હતી કે ઑલરાઉન્ડર શિવમ દુબે પીઠની ઈજાને કારણે બંગલાદેશ સામેની T20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને તિલક વર્માને ભારતીય સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. તિલક વર્મા છેલ્લે જાન્યુઆરી ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો છે.