05 December, 2022 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
ભારતીય ક્રિકેટ ફૅન્સ ટી-૨૦ વર્લ્ડ કપ (T-20 World Cup) માં સેમિફાઇનલની હારને હજી સુધી પચાવી શક્યા નથી ત્યાં ભારતીય ક્રિકેટ ટીમે વધુ એક ઝટકો આપ્યો છે. રવિવારે યજમાન ટીમ બાંગ્લાદેશ (Bangladesh) અને ભારત (India) વચ્ચે રમાયેલી પ્રથમ વનડેમાં જાણે બાંગ્લાદેશે ભારતના ગળામાં હાથ નાખીને જીત છીનવી લીધી હતી. છેલ્લી વિકેટ માટે ૫૧ રનની પાર્ટનરશિપ કરીને બાંગ્લાદેશે ભારતની જીતેલી મેચ છીનવી લીધી હતી. ત્યારબનાદ ફૅન્સ ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પર ભડકી ગયા છે અને તેની કૅપ્ટની માટે ટિપ્પણીઓ કરી રહ્યાં છે. બીજી તરફ શર્માની કૅપ્ટનસી પર કોમેન્ટેટર આકાશ ચોપરા (Aakash Chopra)એ પણ આડકતરી રીતે સવાલ ઉઠાવ્યા હતા.
બાંગ્લાદેશે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને એક વિકેટથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ ૪૧.૨ ઓવરમાં ૧૮૬ રનમાં સમેટાઈ ગઈ હતી. બીજી ઇનિંગમાં એક સમયે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં હતી. તેણે બાંગ્લાદેશની ૯ વિકેટ ૧૩૬ રનમાં જ પાડી દીધી હતી. પરંતુ બાદમાં છેલ્લી વિકેટ દરમિયાન કેટલાક મહત્વના કેચ છૂટ્યા અને બાંગ્લાદેશ મેચ જીતી ગયું હતું.
આ મેચ પછી લોકો કૅપ્ટન રોહિત શર્માના ગુસ્સા અને પર્ફોમન્સ પર સવાલો ઉઠાવી રહ્યાં છે.
આટલું જ નહીં, કોમેન્ટેટર આકાશ ચોપરાએ પણ રોહિત શર્માની કૅપટન્સી પર આડકતરી રીતે પ્રશ્ન ઉઠાવ્યો છે. તેણે એક ટ્વિટમાં લખ્યું હતું કે, ‘પાંચ ઓવર, ૧૭ રન, બે વિકેટ. કદાચ, સુંદર થોડી વધુ બોલિંગ કરી શક્યો હોત?’
હવે ભારત-બાંગ્લાદેશની બીજી વન-ડે બુધવારે ૭ ડિસેમ્બરના રોજ બપોરે ૧૧.૩૦ વાગ્યે મિરપુરના શ્રી બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે.