ભારતીય મહિલાઓ ટી૨૦ સિરીઝ હારી ઑસ્ટ્રેલિયા સામે

10 January, 2024 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતે આપેલા ૧૪૮ રનના લક્ષ્યાંકને ૧૮.૪ ઓવરમાં ૩ વિકેટના ભોગે પાર પાડ્યો હતો. ઑસ્ટ્રેલિયાના બન્ને ઓપનરોએ અડધી સદી ફટકારી હતી.

ઑસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ

મુંબઈ : ઑસ્ટ્રેલિયા સામે નિર્ણાયક ટી૨૦ મૅચમાં ભારતનો ૭ વિકેટે કારમો પરાજય થયો છે. આ જીત સાથે ઑસ્ટ્રેલિયાએ ત્રણ મૅચની ટી૨૦ સિરીઝ ૨-૧થી જીતી લીધી છે. ભારતે આપેલા ૧૪૮ રનના લક્ષ્યાંકને ૧૮.૪ ઓવરમાં ૩ વિકેટના ભોગે પાર પાડ્યો હતો. ઑસ્ટ્રેલિયાના બન્ને ઓપનરોએ અડધી સદી ફટકારી હતી. અલીઝા હીલી ૩૮ બૉલમાં ૯ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી આક્રમક ૫૫ રનની ઇનિંગ્સ રમી હતી, તો બેથ મૂનીએ ૪૫ બૉલમાં પાંચ ચોગ્ગાની મદદથી અણનમ બાવન રન કર્યા હતા. આમ પહેલી વિકેટ માટે ૮૫ રનની ભાગીદારી નોંધાઈ હતી. ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે બે વિકેટ લીધી હતી. 

ઑસ્ટ્રેલિયાએ ભારતને ઘરઆંગણે પહેલાં ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ૩-૦થી વાઇટવૉશ કર્યું અને ત્યાર બાદ ત્રણ મૅચની ટી૨૦ સિરીઝ ૨-૧થી જીતી લીધી છે. આ પહેલાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને ભારતને પહેલાં બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જોકે ભારતની શરૂઆત ધીમી રહી હતી. ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના મહત્ત્વની મૅચમાં મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગઈ હતી. શેફાલી વર્મા આક્રમક ઇનિંગ્સ રમી હતી, પણ ઑસ્ટ્રેલિયાની મેગન શટની ઓવરમાં હીલીને કૅચ આપી બેઠી હતી. શેફાલીએ ૧૭ બૉલમાં ૬ ચોગ્ગાની મદદથી ૨૬ રન કર્યા હતા, તો સ્મૃતિ માંધાનાએ ૨૮ બૉલમાં બે ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૨૯ રન કર્યા હતા. જોકે સૌકોઈની જેના પર નજર હતી એ સુકાની હરમનપ્રીત કૌર ફરી નિષ્ફળ રહી હતી. તે માત્ર ૩ રનના સ્કોરે સધરલૅન્ડની ઓવરમાં બોલ્ડ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ રન રિચા ઘોષે કર્યા હતા. તેણે ૨૮ બૉલમાં બે ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૩૪ રન કર્યા હતા. આમ આખી ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટના ભોગે ૧૪૭ રન કરી શકી હતી. ઑસ્ટ્રેલિયા તરફથી સધરલૅન્ડ અને વરેહમે બે-બે વિકેટ લીધી હતી.

cricket news indian womens cricket team sports news sports