05 December, 2023 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરશદીપ સિંઘ
બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટી૨૦ મૅચમાં ૧૬૦ કે એનાથી ઓછો સ્કોર ડિફેન્ડ કરવામાં આવ્યો હોવાની ઘટના છેલ્લે ૨૦૧૭માં (છ વર્ષ પહેલાં) પંજાબ-બૅન્ગલોર વચ્ચેની આઇપીએલ મૅચમાં બની હતી, પરંતુ રવિવારે ફરી એક વાર એવી લો-સ્કોરિંગ મૅચ રમાઈ હતી જે છેલ્લા બૉલ સુધી થ્રિલર બની રહી હતી. છેવટે ઑસ્ટ્રેલિયાની ટીમ ૮ વિકેટે ૧૫૪ રન બનાવી શકતાં ભારતે એને ૬ રનથી હરાવીને ૪-૧થી સિરીઝ જીતી લીધી હતી.
એક તો પેસ બોલર દીપક ચાહરને અચાનક પરિવાર પાસે (આગરા) જવું પડ્યું હોવાથી અર્શદીપ સિંહને રમવા મળ્યું હતું અને તે આ મૅચમાં વિલન બનતાં રહી ગયો હતો અને છેલ્લે હીરો બની ગયો હતો. ૧૯મી ઓવરની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયાનો સ્કોર ૧૬૧ રનના લક્ષ્યાંક સામે ૭ વિકેટે ૧૪૪ રન હતો. મુકેશકુમારની એ ઓવરમાં ફક્ત ૭ રન બન્યા હતા અને સ્કોર ૧૫૧/૭ ઉપર પહોંચ્યો હતો. કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ૨૦મી ઓવરની જવાબદારી અર્શદીપને સોંપી હતી અને એ ઓવરમાં કાંગારૂઓની ટીમે ૧૦ રન બનાવવાના હતા. મોસ્ટ ડેન્જરસ મૅન મૅથ્યુ વેડ સ્ટ્રાઇક પર હતો. જોકે પહેલા બે ડૉટ-બૉલ (જેમાંનો પ્રથમ બૉલ હાઇટ બદલ વાઇડ હોવો જોઈતો હતો) બાદ ત્રીજા બૉલે વેડ કૅચઆઉટ થયો હતો. પછીના બૉલમાં એક રન બન્યો હતો અને પાંચમા બૉલમાં એલીસની ફોર જઈ શકે એમ હતી, પણ સ્ટ્રેઇટ શૉટમાં બૉલ અમ્પાયરની સાથળ પર વાગ્યો હતો અને ફક્ત એક રન બન્યો હતો અને પછી છેલ્લા બૉલમાં પણ એક જ રન બની શક્યો હતો. પોતાની પહેલી ત્રણ ઓવરમાં ૩૭ રન આપનાર અર્શદીપ છેલ્લે હીરો બની ગયો હતો.
અર્શદીપે મૅચ પછી કહ્યું હતું કે ‘મારી પહેલી ઓવરમાં ઘણા રન બની ગયા હતા એટલે ડર હતો કે અમે હારીશું તો દોષનો ટોપલો મારા પર જ આવશે. જોકે ઈશ્વરે મને વધુ એક તક આપી અને મેં આત્મવિશ્ર્વાસ ભેગો કરીને એક પછી એક બૉલ ફેંક્યા. હું ઈશ્વરનો તેમ જ મારા કોચિંગ-સ્ટાફનો તથા મારા પર ભરોસો જાળવી રાખનારાઓનો આભારી છું.’
૨૦મી ઓવરનો પ્રથમ બૉલ વાઇડ હતો : હેડન
મૅથ્યુ હેડને અર્શદીપ સિંહની ૨૦મી ઓવરના પ્રથમ બૉલને (વેડના માથા પરથી ગયેલા બાઉન્સરને) સ્ક્વેર લેગ અમ્પાયરે વાઇડ ડિક્લેર ન કર્યો એ વિશે કહ્યું કે ‘બધાએ જોયું હશે કે મૅથ્યુ વેડ આઉટ થતાં પહેલાં અપસેટ હતો.’ પાંચમા બૉલમાં એલીસના શૉટમાં બૉલ અમ્પાયરની સાથળને વાગતાં સંભવિત ફોર અટકી ગઈ હતી. હેડને એ વિશે કહ્યું હતું કે ‘જુઓ, એક ઓવરમાં અમ્પાયરે કામ તમામ કરી નાખ્યું, આ વખતે સ્ક્વેર લેગ અમ્પાયરે નહીં, પણ મુખ્ય અમ્પાયરે.’