આજે ભારત v/s ઑસ્ટ્રેલિયા ફાઇનલ

11 February, 2024 09:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને ટીમ વચ્ચે ફાઇનલ મૅચ આજે ૧૧ ફેબ્રુઆરીએ વિલ્મર પાર્કમાં રમાશે.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર

આઇસીસી અન્ડર-19 પુરુષ વર્લ્ડ કપ ૨૦૨૪ની ફાઇનલમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે. બન્ને ટીમ વચ્ચે ફાઇનલ મૅચ આજે ૧૧ ફેબ્રુઆરીએ વિલ્મર પાર્કમાં રમાશે. ભારતે પહેલી સેમી ફાઇનલમાં સાઉથ આફ્રિકાને રોમાંચક મૅચમાં બે વિકેટે હરાવ્યું હતું, તો બીજી સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ અંતિમ ઓવરમાં પાકિસ્તાનને એક વિકેટે મહાત આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

એક વર્ષમાં ત્રીજી ફાઇનલ
આમ જોવા જઈએ તો ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે એક વર્ષમાં ત્રીજી વાર ફાઇનલ મૅચ રમાશે, જેમાં પહેલી ફાઇનલની વાત કરીએ તો ૭થી ૧૧ જૂન વચ્ચે લંડનમાં રમાયેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી ડબ્લ્યુટીસીની ફાઇનલ મૅચ, જેમાં ભારતની ૨૦૯ રનથી કારમી હાર થઈ હતી. ત્યાર બાદ ૨૦૨૩ની ૧૯ નવેમ્બરે અમદાવાદમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલ મૅચ રમાઈ હતી, જેમાં ભારતનો ૬ વિકેટે પરાજય થયો હતો. આમ ભારત હવે ત્રીજી વાર ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ચૅમ્પિયન બનવા મેદાનમાં ઊતરશે.

ફાઇનલમાં ભારતની સ્થિતિ મજબૂત
અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં અત્યાર સુધી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે બે વાર ટક્કર થઈ છે અને બન્નેમાં ભારતની ધમાકેદાર જીત થઈ હતી. હવે બન્ને ટીમ વચ્ચે આ ત્રીજી ટક્કર હશે. અન્ડર-19 વર્લ્ડ કપ ૨૦૧૨ અને ૨૦૧૮ની ફાઇનલમાં ભારત-ઑસ્ટ્રેલિયા ટકરાયાં હતાં.

અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારત સૌથી સફળ ટીમ
ભારત અત્યાર સુધી અન્ડર-19 વર્લ્ડ કપમાં સૌથી સફળ ટીમ રહી છે. ભારત કુલ પાંચ વાર ૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૮ અને ૨૦૨૨માં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું હતું. ત્યાર બાદ બીજા સ્થાને ઑસ્ટ્રેલિયાની ટીમ આવે છે. ઑસ્ટ્રેલિયા ત્રણ વાર ૧૯૯૮, ૨૦૦૨ અને ૨૦૧૦માં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું હતું, તો પાકિસ્તાન બે વાર અને સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લૅન્ડ ૧-૧ વાર ચૅમ્પિયન બન્યાં હતાં.

ઑસ્ટ્રેલિયાની ફાઇનલ સુધીની સફર
ઑસ્ટ્રેલિયાએ આ અન્ડર-19 વર્લ્ડ કપમાં પહેલાં નામિબિયા સામે ૪ વિકેટે જીત સાથે પોતાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ઝિમ્બાબ્વેને ૨૨૫ રનથી, શ્રીલંકાને ૬ વિકેટથી હરાવી ચૂક્યું હતું. સુપરસિક્સમાં ઑસ્ટ્રેલિયાએ ૧૧૦ (ડક વર્થ લુઇસ મેથડ) રનથી ઇંગ્લૅન્ડને હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ સામે વરસાદને કારણે મૅચ રદ થઈ હતી. સારા નેટ રનરેટ અને વધુ પૉઇન્ટને કારણે કાંગારૂઓ સેમી ફાઇનલમાં પહોંચ્યા હતા. સેમી ફાઇનલમાં પાકિસ્તાનને ૧ વિકેટે હરાવીને એ ટીમ ફાઇનલમાં પહોંચી હતી.

ભારતની ફાઇનલ સુધીની સફર
ભારતે બંગલાદેશને ૮૪ રનથી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ત્યાર બાદ આયરલૅન્ડને ૨૦૧ રનથી અને અમેરિકાને ૨૦૧ રનથી મહાત આપી હતી. સુપરસિક્સમાં ન્યુ ઝીલૅન્ડને ૨૧૪ રન અને નેપાલને ૧૩૨ રનથી મહાત આપી હતી. સેમી ફાઇનલમાં સાઉથ આફ્રિકાને રોમાંચક મૅચમાં બે વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન
૨૦૦૦    વર્સસ શ્રીલંકા    ૬ વિકેટે જીત્યું
૨૦૦૮    વર્સસ સાઉથ આફ્રિકા    ૧૨ રને જીત્યું
૨૦૧૨    વર્સસ ઑસ્ટ્રેલિયા    ૬ વિકેટે જીત્યું
૨૦૧૮    વર્સસ ઑસ્ટ્રેલિયા    ૮ વિકેટે જીત્યું
૨૦૨૨    વર્સસ ઇંગ્લૅન્ડ    ૪ વિકેટે જીત્યું

sports news sports cricket news austria indian cricket team