28 September, 2023 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગ્લેન મૅક્સવેલ
પૅટ કમિન્સના સુકાનમાં ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે રાજકોટમાં યજમાન ભારતના કેટલાક મહત્ત્વના ખેલાડીઓની ગેરહાજરીનો લાભ લઈને ટીમ ઇન્ડિયાને ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ૬૬ રનથી હરાવીને સતત પાંચ મૅચના પરાજયને આગળ વધતો રોક્યો હતો તેમ જ ખાસ કરીને ભારતને ૩-૦થી ક્લીન-સ્વીપ નહોતી કરવા દીધી. જો ભારત જીત્યું હોત તો ઑસ્ટ્રેલિયા સામે વન-ડેમાં એનો પ્રથમ વાઇટવૉશ હોત.
વન-ડેના વર્લ્ડ કપ પહેલાંની આ અંતિમ સિરીઝની આખરી મૅચ જીતીને ઑસ્ટ્રેલિયનોએ જરૂરી નૈતિક જુસ્સો મેળવી લીધો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશનના મેદાન પર રનનો ઢગલો થવાની પાકી સંભાવના હતી અને એવું જ બન્યું. ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ પસંદ કરી હતી અને ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૫૨ રન ખડકી દીધા હતા. મિચલ માર્શ (૯૬ રન, ૮૪ બૉલ, તેર સિક્સર, ત્રણ ફોર) તેમ જ સ્ટીવ સ્મિથ (૭૪ રન, ૬૧ બૉલ, એક સિક્સર, આઠ ફોર), માર્નસ લબુશેન (૭૨ રન, ૫૮ બૉલ, નવ ફોર) અને એવરગ્રીન ઓપનર ડેવિડ વૉર્નર (૫૬ રન, ૩૪ બૉલ, ચાર સિક્સર, છ ફોર)ની હાફ સેન્ચુરીઓને લીધે ભારતને ૩૫૩ રનનો તોતિંગ ટાર્ગેટ મળ્યો હતો. જસપ્રીત બુમરાહે ત્રણ, કુલદીપે બે તેમ જ સિરાજ અને ક્રિષ્નાએ એક-એક વિકેટ લીધી હતી.
ભારતે સ્ટાર્ટ સારું કર્યું હતું, પરંતુ રોહિત શર્મા (૮૧ રન, ૫૭ બૉલ, છ સિક્સર, પાંચ ફોર)નો નવો ઓપનિંગ પાર્ટનર વૉશિંગ્ટન સુંદર (૧૮ રન, ૩૦ બૉલ, એક સિક્સર, એક ફોર) લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો. તેમની ૭૪ રનની ભાગીદારી બાદ રોહિત અને કોહલી (૫૬ રન, ૬૧ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) વચ્ચે ૭૦ રનની પાર્ટનરશિપ થઈ હતી, પણ એ પછી બીજી કોઈ મોટી ભાગીદારી ન થતાં ભારતે છેલ્લી ઓવર સુધીની લડત છતાં પરાજય જોવો પડ્યો હતો. શ્રેયસ ઐયર (૪૮ રન, ૪૩ બૉલ, બે સિક્સર, એક ફોર) ફરી મોટી ઇનિંગ્સ ન રમી શક્યો અને ગ્લેન મૅક્સવેલ (૧૦-૦-૪૦-૪)ના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. રોહિત તથા કોહલીની પ્રાઇઝ વિકેટ પણ મૅક્સવેલે લીધી હતી. ખાસ કરીને મૅક્સવેલે રોહિતનો અફલાતૂન રિટર્ન કૅચ પકડ્યો હતો. મૅક્સવેલે સૂર્યકુમાર (૮)નો પણ કૅચ પકડીને તેને સસ્તામાં પૅવિલિયનભેગો થવાની ફરજ પાડી હતી. જૉશ હૅઝલવુડે સૂર્યા સહિત કુલ બે શિકાર કર્યા હતા. રવીન્દ્ર જાડેજા (૩૫ રન, ૩૬ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)એ કાંગારૂ બોલર્સને સારી વળતી લડત આપી હતી, પરંતુ તે સ્પિનર સાંઘાના બૉલમાં એલબીડબ્લ્યુ થયો હતો. વિકેટકીપર રાહુલ ફક્ત ૨૬ રન બનાવી શક્યો હતો. તેની વિકેટ સ્ટાર્કે લીધી હતી.
મૅક્સવેલને મૅન ઑફ ધ મૅચનો અને શ્રેણીમાં સૌથી વધુ ૧૭૮ રન બનાવનાર શુભમન ગિલને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.