10 February, 2023 12:11 PM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
રવીન્દ્ર જાડેજા
રવીન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપીને આંતરરાષ્ટ્રીય વિકેટમાં શાનદાર વાપસી કરી છે. તેણે નાગપુરમાં શરૂ થયેલી પહેલી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના મિડલ ઑર્ડરની કમર તોડી નાખી હતી અને ભારતને મજબૂત સ્થિતિમાં મૂકી દીધું હતું. તેણે ૨૨ ઓવરમાં ૪૫ રન આપીને પાંચ વિકેટ લીધી હતી, પરિણામે ઑસ્ટ્રેલિયા ૧૭૭ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતે દિવસના અંતે એક વિકેટે ૭૭ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાથી ભારત ૧૦૦ રન પાછળ છે.
ખોફ અશ્વિનનો હતો
ઑસ્ટ્રેલિયાએ અશ્વિન માટે તૈયારી કરી હતી. વડોદરાના સ્પિનર મહેશ પીઠિયા જે અશ્વિન જેવી જ બોલિંગ કરે છે તેની સાથે નેટ-પ્રૅક્ટિસ પણ કરી હતી, પરંતુ તેઓ સરેરાશ કરતાં વધુ ટર્ન થતા ટ્રૅક પર જાડેજાની અસરને ધ્યાનમાં લેવાનું ભૂલી ગયા હતા. ઑસ્ટ્રેલિયાના બૅટર પર અશ્વિનનો ખોફ હતો. અશ્વિને ૧૫.૫ ઓવરમાં ૪૨ રન આપીને ૩ વિકેટ લીધી હતી. દરમ્યાન તેણે ટેસ્ટમાં કુલ ૪૫૦ વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી હતી. રોહિતે આક્રમક ૫૬ રન કર્યા હતા. લોકેશ રાહુલનું નબળું ફૉર્મ યથાવત્ રહ્યું હતું અને તે ૨૦ રન બનાવીને પહેલી જ મૅચ રમનાર ઑસ્ટ્રેલિયાના ટોડ મર્ફીના બૉલમાં કૉટ ઍન્ડ બોલ્ડ થયો થયો હતો. પિચ સ્પિનને વધુ યારી આપશે એથી રોહિત નૅથન લાયન સામે આક્રમક રમત રમ્યો હતો, જેનો ફાયદો તેને મળ્યો હતો.
મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર
જાડેજાને ભારતીય ટેસ્ટ ટીમનો મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર ગણવામાં આવે છે. સચિન તેન્ડુલકરે તેને કમ્પ્લીટ પૅકેજ ગણાવ્યો છે. ભારત વિદેશમાં રમે છે ત્યારે તે બૅટિંગ ઑલરાઉન્ડર બની જાય છે. ઘણી વખત છઠ્ઠા ક્રમાંકે બૅટિંગમાં આવીને ભારતને ઉગારે છે. વળી ભારતીય પિચ પર તેની બૅટિંગ ઘણી ખતરનાક છે. ઘૂંટણની સર્જરીને કારણે પાંચ મહિના સુધી રમતથી દૂર રહ્યા છતાં તેની ધાર પર કોઈ અસર થઈ નથી. ટર્ન થતી પિચ પર તેણે કંઈ વધુ નહોતું કર્યું, માત્ર તિરાડ પર બૉલ નાખ્યા હતા, બાકીનું કામ પિચે કર્યું હતું. ઑસ્ટ્રેલિયાના બૅટર્સ પણ કેટલાક ખરાબ શૉટ્સ રમ્યા હતા. એકમાત્ર માર્નસ લબુશેન (૪૯)ને જાડેજાએ શાનદાર બોલિંગ વડે આઉટ કર્યો હતો. બાકીની વિકેટમાં બૅટર્સના ખરાબ શૉટ તેમ જ ભૂલ જવાબદાર હતી.
૮૨ રનની પાર્ટનરશિપ
લબુશેન અને સ્ટીવ સ્મિથ (૩૭) વચ્ચે ૮૨ રનની પાર્ટનરશિપ થઈ હતી. લબુશેન બાદ મૅટ રેનશોને જાડેજાએ આઉટ કર્યો હતો. સ્મિથ પણ જાડેજાની ઓવરમાં બૅટ ઍન્ડ પૅડ આઉટ થયો હતો. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે અનુક્રમે ઉસ્માન ખવાજા (૧) અને ડેવિડ વૉર્નર (૧)ને આઉટ કર્યા હતા. ઑસ્ટ્રેલિયાએ આ પિચ પર ૨૭૫ રન કરવાની જરૂર હતી. સ્મિથ અને લબુશેને સ્પિન સામે રમવાની ક્ષમતાને દર્શાવી હતી.
બૅટર્સના મનમાં શંકા પેદા કરી : જાડેજા
પાંચ વિકેટ લેનાર રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે ‘પિચ ટર્ન થતી નહોતી. એ સ્લો હતી, એથી અહીં ડિફેન્સ કરવું મુશ્કેલ નહોતું, પરંતુ મેં ક્રીઝનો ઉપયોગ કર્યો અને બૅટર્સના મનમાં શંકા પેદા કરવાનો પ્રયાસ કર્યો. મારા સદ્નસીબે લબુશેન બહાર નીકળ્યો અને સ્મિથનો બૉલ સીધો ગયો. કયો બૉલ ટર્ન થશે અને કયો સીધો આવશે એ વિશે ઑસ્ટ્રેલિયન બૅટર્સને વિચારતા કરી રાખ્યા અને એણે કામ આસાન બનાવી દીધું. આજે મારી લાઇન અને લેંગ્થ સારી હતી, કારણ કે ટ્રૅક પર કોઈ બાઉન્સ નહોતો.
આ પણ વાંચો: બદલો કે ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં સ્થાન?
177
ઑસ્ટ્રેલિયા ગઈ કાલે આટલા રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. એશિયામાં આટલા ઓછા રનમાં તે માત્ર બે વખત જ આઉટ થયું હતું. અગાઉ ૧૯૫૬માં પાકિસ્તાન સામે ૮૦ રનમાં અને ૨૦૦૪માં શ્રીલંકા સામે ૧૨૦ રનમાં ઑલઆઉટ થયું હતું.
રવીન્દ્ર જાડેજાએ આંગળી પર કેમ લગાડી ક્રીમ?
રવીન્દ્ર જાડેજાએ ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના બૅટર્સની હાલત ખરાબ કરી નાખી હતી. જોકે એ દરમ્યાન એક વિવાદ ઊભો થયો છે, જેમાં જાડેજા પોતાના હાથ પર કોઈ ક્રીમ લગાડે છે. ઑસ્ટ્રેલિયાના મીડિયાએ આ સંદર્ભે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉએ કહ્યું કે ‘જાડેજા પોતાની આંગળી પર આ શું લગાડી રહ્યો છે. અગાઉ ક્યારેય આવું જોયું નથી.’ આઇસીસીના નિયમ મુજબ બૉલ પર કંઈ પણ લગાડી ન શકાય. સ્પિનર જ્યારે બોલિંગ કરે ત્યારે તેની આંગળીમાં દુખાવો થાય છે અને ચામડી નીકળી જાય છે એથી સિરાજ તેને એક ક્રીમ આપે છે, એના પર ઑસ્ટ્રેલિયાના મીડિયાએ વિવાદ શરૂ કરી દીધો છે.
અશ્વિનનો રેકૉર્ડ
અશ્વિને ગઈ કાલે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૪૫૦ વિકેટ પૂરી કરી હતી. તેણે ૮૯ મૅચમાં આ સિદ્ધિ મેળવી છે. આમ તે સૌથી ઝડપી આટલી વિકેટ મેળવનાર બીજા ક્રમાંકનો બોલર બન્યો છે. મુથૈયા મુરલીધરને ૮૦ ટેસ્ટમાં આટલી વિકેટ ઝડપી હતી. તે ટેસ્ટમાં ૪૫૦ વિકેટ લેનાર નવમો બોલર બન્યો છે.
સૂર્યકુમારનો અનોખો રેકૉર્ડ, ૩૦ વર્ષ બાદ ત્રણેય ફૉર્મેટમાં ડેબ્યુ
દીકરાના ડેબ્યુથી ઇમોશનલ થઈ મમ્મી
ઑસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાઈ રહેલી ટેસ્ટમાં ભારત માટે વિકેટકીપર અને બૅટર કોના શ્રીકર ભરત અને સૂર્યકૂમાર યાદવે ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. એ દરમ્યાન તેમના પરિવારના સભ્યો પણ મેદાનમાં હાજર હતા. ટૉસ પહેલાં ભરત અને તેની મમ્મીનો એક ફોટો વાઇરલ થયો છે, જેમાં તે દીકરાને ગળે મળીને કિસ કરે છે. ભરતને બૅટર ચેતેશ્વર પુજારાએ ટેસ્ટ-કૅપ આપી હતી. ડેબ્યુ કૅપ મળ્યા બાદ ભરત મમ્મીને મળવા ગયો હતો અને દીકરાને ભેટીને તે ઇમોશનલ થઈ ગઈ હતી.