હવે સ્પિન-ટ્‌વિન્સ Kul-Cha બનશે ઑસ્ટ્રેલિયનો માટે માથાનો દુખાવો

16 March, 2023 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતી કાલે બપોરે ૧.૩૦ વાગ્યાથી વાનખેડેમાં પહેલી વન-ડે : Kuldeep-Chahalની જોડી ચમકશે તો વર્લ્ડ કપની સ્ક્વૉડમાં થઈ શકે ફિટ

વાનખેડેમાં ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશનમાં (ડાબેથી) શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિક. ત્રણેય બોલર્સે બોલિંગમાં કમાલ બતાવતાં પહેલાં થોડું રનિંગ કર્યું હતું. કુલદીપ યાદવ (એકદમ જમણે)ને ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં રમવાનો મોકો નહોતો મળ્યો. તસવીર એ.એફ.પી.

ભારતને ૨-૧થી શ્રેણી જિતાડીને બોર્ડર-ગાવસકર ટ્રોફી જાળવી રાખવામાં મોટી ભૂમિકા ભજવનાર આર. અશ્વિન (પચીસ વિકેટ) અને રવીન્દ્ર જાડેજા (બાવીસ વિકેટ) ઑસ્ટ્રેલિયનો માટે ટેસ્ટ-સિરીઝમાં માથાનો દુખાવો બની ગયા ત્યાર પછી હવે આવતી કાલે શરૂ થતી ત્રણ મૅચની વન-ડે શ્રેણીમાં જાડેજા ઉપરાંત કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ પણ ભારે પડી શકે એમ છે.

વર્લ્ડ કપનું પ્લાનિંગ શરૂ

આવતી કાલે વાનખેડે સ્ટેડિયમમાં પહેલી વન-ડે રમાશે અને એ સાથે આગામી ઑક્ટોબરમાં ભારતમાં રમાનારા ઓડીઆઇ વર્લ્ડ કપ માટેની યોજના બનવાની શરૂ થઈ જશે. રોહિત શર્મા અંગત કારણસર આ પહેલી મૅચમાં નથી રમવાનો એટલે હાર્દિક પંડ્યા આ મૅચમાં સુકાન સંભાળશે અને રોહિત બીજી મૅચથી ટીમમાં કમબૅક કરશે. શ્રેયસ ઐયર ઈજાને લીધે સિરીઝની બહાર થઈ ગયો છે.

એક સમયે ભલભલી ટીમો કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની જોડીના ગૂગલી, લેગબ્રેક તથા ફ્લિપર્સ સામે રમતા ડરતી હતી અને હવે તેઓ બન્ને આવતી કાલથી મેદાન પર કમબૅક કરી રહ્યા છે. બન્નેએ કરીઅરમાં મોટા ઉતાર-ચડાવ જોયા છે. કુલદીપે ૨૦૨૧માં ઘૂંટણમાં સર્જરી કરાવી હતી, જ્યારે ચહલને અગાઉ મહત્ત્વની ટી૨૦ મૅચોમાં તથા વૈશ્વિક ટુર્નામેન્ટોમાં  અવગણવામાં આવ્યો છે. આ રિસ્ટ-સ્પિન જોડી Kul-Cha તરીકે જાણીતી છે. તેમનામાંથી કોઈ એકને બદલે ઇલેવનમાં જાડેજા અથવા વૉશિંગ્ટન સુંદરને રમાડવામાં આવે તો નવાઈ નહીં લાગે, કારણકે કુલદીપ-ચહલ બૅટિંગમાં ખાસ કંઈ ઉપયોગી નથી બનતા હોતા.

ટીમમાં ફાસ્ટ બોલર તરીકે સ્થાન મેળવવામાં શમી અને સિરાજ ઉપરાંત ઉનડકટ, ઉમરાન અને શાર્દુલ વચ્ચે હરીફાઈ જોવા મળી શકે.

 

વાનખેડેમાં ગઈ કાલે સૂર્યકુમાર યાદવે (ડાબે) ઘણી બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી. મોડેથી ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ પણ સરસામાન સાથે મેદાન પર ઊતર્યા હતા (જમણે). તસવીર આશિષ રાજે

ભારતીય ખેલાડીઓ અને ઑસ્ટ્રેલિયન પ્લેયર્સે ગઈ કાલે વાનખેડેમાં સઘન પ્રૅક્ટિસ કરી હતી.

બીજી વન-ડે ૧૯મીએ વિશાખાપટનમમાં અને ત્રીજી બુધવારે ચેન્નઈમાં રમાશે.

બન્ને દેશની ટીમમાં કોણ?

ભારત : હાર્દિક પંડ્યા (પ્રથમ વન-ડે માટે કૅપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, કે. એલ. રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, જયદેવ ઉનડકટ, અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદર.

આ પણ વાંચો: બુમરાહ રન-અપ લંબાવે તો પીઠનો પ્રૉબ્લેમ દૂર કરી શકશે : બ્રેટ લી

ઑસ્ટ્રેલિયા : સ્ટીવ સ્મિથ (કૅપ્ટન), ઍલેક્સ કૅરી (વિકેટકીપર), જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), ડેવિડ વૉર્નર, ટ્રેવિસ હેડ, માર્નસ લબુશેન, ગ્લેન મૅક્સવેલ, કૅમેરન ગ્રીન, મિચલ સ્ટાર્ક, શૉન અબૉટ, ઍશ્ટન ઍગર, નૅથન એલીસ, મિચલ માર્શ, માર્કસ સ્ટોઇનિસ અને ઍડમ ઝૅમ્પા.

અશ્વિન એકલો નંબર-વન

ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પચીસ વિકેટ લેનાર આર. અશ્વિન ટેસ્ટના બોલર્સ રૅન્કિંગમાં હવે જેમ્સ ઍન્ડરસન સાથે સંયુક્ત રીતે નહીં, પણ પોતે એકમાત્ર નંબર-વન છે. તેના ૮૬૯ પૉઇન્ટ છે અને ઍન્ડરસનના ૮૫૯થી ૧૦ પૉઇન્ટ આગળ છે. જાડેજા ઑલરાઉન્ડર્સમાં નંબર-વન છે.

વાનખેડેમાં ભારત સામે ઑસ્ટ્રેલિયા ૩-૧થી આગળ

વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાર વન-ડે રમાઈ છે જેમાંથી ત્રણમાં ઑસ્ટ્રેલિયાનો અને એકમાં ભારતનો વિજય થયો છે. બીસીસીઆઇનું જ્યાં હેડ ક્વૉર્ટર છે એ ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં બન્ને દેશ વચ્ચે છેલ્લે જાન્યુઆરી ૨૦૨૦માં (સવાત્રણ વર્ષ પહેલાં) ઓડીઆઇ રમાઈ હતી, જેમાં કૅપ્ટન ઍરોન ફિન્ચ (૧૧૦ અણનમ) અને ડેવિડ વૉર્નર (૧૨૮ અણનમ)ની જોડીએ ૨૫૮ રનની અતૂટ ભાગીદારીથી ઑસ્ટ્રેલિયાને જિતાડ્યું હતું. ભારતે એમાં શિખર ધવનના ૭૪ રનની મદદથી ૨૫૫ રન બનાવ્યા હતા. વાનખેડેમાં અગાઉના ત્રણ મુકાબલાનાં પરિણામ આ મુજબ હતાં : ઑક્ટોબર ૨૦૦૭માં ભારતની બે વિકેટે જીત, ૨૦૦૩માં ઑસ્ટ્રેલિયાનો ૭૭ રનથી વિજય, ૧૯૯૬માં ઑસ્ટ્રેલિયાનો ૧૬ રનથી વિજય.

sports news sports indian cricket team cricket news Yuzvendra Chahal Kuldeep Yadav hardik pandya australia