17 March, 2023 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજના ઓપનર્સ શુભમન ગિલ અને ઈશાન કિશને લાંબા સમય સુધી જોડીમાં પ્રૅક્ટિસ કરી હતી. તસવીર આશિષ રાજે
૩૧ માર્ચે શરૂ થનારી ટી૨૦ ફૉર્મેટવાળી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને ત્યાર બાદ જૂનમાં રમાનારી ટેસ્ટના વર્લ્ડ કપની ભારત-ઑસ્ટ્રેલિયાની ફાઇનલ પહેલાં ટીમ ઇન્ડિયાની છેલ્લી વન-ડે શ્રેણી આજે શરૂ થઈ રહી છે. ઑક્ટોબરમાં ઘરઆંગણે ઓડીઆઇનો વિશ્વકપ રમનાર ભારતીયોએ ઑસ્ટ્રેલિયનોને ટેસ્ટ-સિરીઝમાં ૨-૧થી હરાવ્યા બાદ હવે આજે તેમની સામે ત્રણ મૅચની ઓડીઆઇ શ્રેણી શરૂ થઈ રહી છે. રોહિત શર્મા અંગત કારણસર આજની મૅચમાં ન રમવાનો હોવાથી હાર્દિક પંડ્યાને ટી૨૦માં સફળતા મેળવ્યા પછી હવે પહેલી વાર વન-ડેમાં ભારતીય ટીમનું સુકાન સંભાળવાનો આજે મોકો મળ્યો છે.
૨-૧ના તફાવત પરથી વાત યાદ આવી કે ૨૦૨૨ના ઑક્ટોબરમાં ભારતીય ટીમ ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે ૨-૧થી ઓડીઆઇ સિરીઝ જીતી ત્યાર પછીની બન્ને શ્રેણી ૩-૦થી જીતી છે એટલે હવે આજે શરૂ થનારી શ્રેણી પણ ૩-૦થી જીતાશે તો ઘરઆંગણે ભારતના ૩-૦ના સિરીઝ-વિજયની હૅટ-ટ્રિક થઈ ગણાશે. બીજું, આ વર્ષે ભારતે હોમ ગ્રાઉન્ડ્સ પર તમામ ૬ વન-ડે જીતી લીધી હોવાથી ખેલાડીઓનો જુસ્સો બુલંદ છે. ભારતે પહેલાં શ્રીલંકાને ૩-૦થી અને ન્યુ ઝીલૅન્ડને ૩-૦થી હરાવ્યું હતું. ઘરઆંગણે ભારતીયો છેલ્લી તમામ સાત વન-ડે સિરીઝ જીત્યા છે અને હવે લાગલગાટ આઠમી શ્રેણી પણ જીતી શકે એમ છે.
ઑસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વૉર્નર બુધવારે ફુરસદના સમયે તાજ હોટેલની પાછળ કોલાબા વિસ્તારમાં પહોંચી ગયો હતો અને સ્થાનિક ક્રિકેટપ્રેમીઓ સાથે ગલી ક્રિકેટ રમ્યો હતો. વૉર્નરને ભારતનો પ્રવાસ અને ખાસ કરીને મુંબઈની મુસાફરી બેહદ પ્રિય છે એવું તે અગાઉ કહી ચૂક્યો છે.
ગિલની ડબલ સેન્ચુરી યાદ છેને?
૨૦૨૩નું વર્ષ શુભમન ગિલ માટે બહુ સારું રહ્યું છે. તેણે જાન્યુઆરીમાં શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડ સામે રમેલી ૬ વન-ડેમાં કુલ ૫૬૭ રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી હતી અને તેની બૅટિંગ-ઍવરેજ ૧૧૩.૪૦ની હતી. હૈદરાબાદમાં ન્યુ ઝીલૅન્ડ સામે તેણે યાદગાર ડબલ સેન્ચુરી (૨૦૮ રન) ફટકારી હતી. તેણે એ ૨૦૮ રન ૧૪૯ બૉલમાં ૯ સિક્સર અને ૧૯ ફોરની મદદથી બનાવ્યા હતા.આજે શુભમન ગિલ અને ઇશાન કિશન ઇનિંગ્સની શરૂઆત કરશે, અેવું કૅપ્ટન હાર્દિક પંડ્યાએ ગઈ કાલે પત્રકારોને કહ્યું હતું.
શ્રેયસના સ્થાને પાટીદાર ટીમમાં
શ્રેયસ ઐયર ઈજાને કારણે વન-ડે સિરીઝમાં નથી રમવાનો અને તેના સ્થાને રજત પાટીદારને સ્ક્વૉડમાં સમાવાયો છે. આજે મોટા ભાગે સૂર્યકુમાર યાદવને મિડલ-ઑર્ડરમાં રમાડવામાં આવશે. જોકે પાટીદારના સમાવેશને નકારી ન શકાય.
વાનખેડેમાં ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન કૅપ્ટન હાર્દિક પંડ્યા
બન્ને દેશની સંભવિત ઇલેવન
ભારત : હાર્દિક પંડ્યા (પ્રથમ વન-ડે માટે કૅપ્ટન), ઈશાન કિશન, શુભમન ગિલ, કે. એલ. રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ/રજત પાટીદાર, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ/વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી/ઉમરાન મલિક.
આ પણ વાંચો: હવે સ્પિન-ટ્વિન્સ Kul-Cha બનશે ઑસ્ટ્રેલિયનો માટે માથાનો દુખાવો
ઑસ્ટ્રેલિયા : સ્ટીવ સ્મિથ (કૅપ્ટન), ઍલેક્સ કૅરી (વિકેટકીપર), ડેવિડ વૉર્નર, ટ્રેવિસ હેડ, માર્નસ લબુશેન, મિચલ માર્શ/ માર્કસ સ્ટૉઇનિસ, ગ્લેન મૅક્સવેલ, કૅમેરન ગ્રીન, મિચલ સ્ટાર્ક, ઍડમ ઝૅમ્પા અને નૅથન એલીસ.
ગઈ કાલે વાનખેડેમાં પ્રૅક્ટિસ-સત્ર દરમ્યાન ટીમ ઇન્ડિયાના હેડ-કોચ રાહુલ દ્રવિડ અને મૅચ રેફરી જાવાગલ શ્રીનાથ. તસવીર આશિષ રાજે
વાનખેડેની પિચ કેવી છે? : વરસાદ બાજી બગાડશે?
ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ત્રણેય ટેસ્ટ ત્રણ દિવસમાં પૂરી થઈ હતી એને પગલે ભારતનાં મેદાનોની પિચ અત્યારે ચર્ચામાં છે. આજની મૅચ માટેની વાનખેડેની પિચની વાત કરીએ તો સામાન્ય રીતે વાનખેડેની પિચ ફ્લૅટ રહી છે. સાંજે ભેજનું પ્રમાણ વધતાં આ પિચ બૅટિંગ માટે વધુ અનુકૂળ બનતી હોય છે. છેલ્લે (જાન્યુઆરી ૨૦૨૦માં) અહીં ભારત સામે ઑસ્ટ્રેલિયાએ ૨૫૬ રનનો ટાર્ગેટ એકેય વિકેટ ગુમાવ્યા વિના ૩૮ ઓવરમાં મેળવી લીધો હતો. ડેવિડ વૉર્નરના એમાં અણનમ ૧૨૮ રન અને કૅપ્ટન ઍરોન ફિન્ચના અણનમ ૧૧૦ રન હતા. ગઈ કાલે મુંબઈમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને આજે પણ પડશે તો મૅચમાં મજા બગડી શકે.