07 December, 2022 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલની છેલ્લી મૅચમાં પણ ભારતીય ટીમનું સંપૂર્ણ વર્ચસ રહ્યું હતું
જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકામાં રમાનારા સૌપ્રથમ અન્ડર-19 વિમેન્સ વર્લ્ડ કપની પૂર્વતૈયારી રૂપે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં ન્યુ ઝીલૅન્ડ વિમેન્સ અન્ડર-19 ટીમ સામે રમાયેલી પાંચ મૅચની ટી૨૦ સિરીઝ ગઈ કાલે ભારતે ૫-૦થી જીતી લીધી હતી.
ગઈ કાલની છેલ્લી મૅચમાં પણ ભારતીય ટીમનું સંપૂર્ણ વર્ચસ રહ્યું હતું અને શ્વેતા સેહરાવતની ટીમે ૪ વિકેટે વિજય મેળવ્યો હતો.
ન્યુ ઝીલૅન્ડની ટીમે બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ શરૂઆતમાં જ બે વિકેટ પડી જતાં આ ટીમ ફરી ભારતને નીચો ટાર્ગેટ આપશે એ નક્કી થઈ ગયું હતું. તેમણે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૧૯ રન બનાવ્યા હતા, જેમાં કૅપ્ટન પ્રુ કૅટનના ૫૩ રન અને વિકેટકીપર ઇઝી ગેઝના ૩૪ રન હતા. ભારતીય બોલર્સમાંથી સોનમ યાદવ અને મન્નત કશ્યપે બે-બે વિકેટ લીધી હતી. ભારતે ૧૮ ઓવરમાં ૧૨૦ રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. સૌમ્યા તિવારીએ ૪૦, શ્વેતાએ ૨૦ રન બનાવ્યા હતા. ઑલરાઉન્ડર હર્લી ગાલાએ ૧૬ રનમાં એક સિક્સર અને બે ફોરની મદદથી ૨૧ રન બનાવ્યા હતા. કિવી બોલર ઍના બ્રાઉનિંગે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
ભારતીય વિમેન્સ ટીમે કેવી રીતે કરી ક્લીન સ્વીપ?
૧. ૨૭ નવેમ્બરે ૭ વિકેટે વિજય
૨. ૨૯ નવેમ્બરે ૧૧૦ રનથી વિજય
૩. ૧ ડિસેમ્બરે ૩૦ રનથી વિજય
૪. ૪ ડિસેમ્બરે ૨૯ રનથી વિજય
૫. ૬ ડિસેમ્બરે ૪ વિકેટે વિજય