19 January, 2025 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચીફ સિલેક્ટર અજિત આગરકર, રોહિત શર્મા
ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના હેડક્વૉર્ટરમાં પ્રેસ-કૉન્ફરન્સ શરૂ થાય એ પહેલાં સ્ટેજ પર માઇક્રોફોન પાસે કૅપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજિત આગરકર વચ્ચેની એક વાત લીક થઈ ગઈ હતી. ભારતીય કૅપ્ટન ધીરેથી ચીફ સિલેક્ટરને કહી રહ્યો હતો કે ‘આના પછી એક-બે કલાક ફરી બેસવું પડશે. હવે મારે સેક્રેટરી સાથે બેસવું પડશે. બધા મને ફૅમિલી બાબત પર ચર્ચા કરવા કહે છે, બધા (પ્લેયર્સ) મને પૂછી રહ્યા છે.’
રોહિત અજાણ હતો કે તેની વાતો મીડિયાના કૅમેરા સાથે માઇક્રોફોન પર રેકૉર્ડ થઈ રહી છે.
ટૂર દરમ્યાન પત્ની અને પાર્ટનરના પ્લેયર્સ સાથે રહેવાના સમય પર નિયંત્રણ મૂકવા વિશેની ગાઇડલાઇન ભારે ચર્ચામાં છે. જ્યારે રોહિતને આ ગાઇડલાઇન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘તમને આ નિયમો વિશે કોણે કહ્યું? શું આ BCCIના સત્તાવાર હૅન્ડલ પરથી આવ્યા છે? એને સત્તાવાર રીતે આવવા દો.’
જોકે જ્યારે આગરકરે વાત કરી ત્યારે તેણે સ્વીકાર્યું કે એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર તૈયાર કરવામાં આવી છે જે દરેક ટીમમાં હોય જ છે.