19 January, 2025 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈમાં ગઈ કાલની પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન વિવિધ મુદ્રામાં કૅપ્ટન રોહિત શર્મા. (તસવીરો : આશિષ રાજે)
મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે વન-ડે ટીમમાં કરી વાપસી : સંજુ સૅમસન, કરુણ નાયર અને સૂર્યકુમાર યાદવ જેવા ચર્ચિત ચહેરાઓને ન મળ્યું સ્થાન
૧૮ જાન્યુઆરીની બપોરે ૧૨.૩૦ વાગ્યાના સમયે સૌની નજર ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પર હતી, કારણ કે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય સ્ક્વૉડની જાહેરાત થવાની હતી, પણ BCCI હેડક્વૉર્ટર પહોંચેલા પત્રકારો અને ભારતીય ક્રિકેટ ફૅન્સને આ જાહેરાત માટે અઢી કલાક સુધી રાહ જોવા પડી હતી. અહેવાલ અનુસાર સ્ક્વૉડ વિશે છેલ્લી ઘડીએ સિલેક્ટર્સ વચ્ચે કોઈક બાબત પર લાંબી ચર્ચા થઈ હોવાથી આ વિલંબ થયો હતો. બપોરે ત્રણ વાગ્યે ચીફ સિલેક્ટર અજિત આગરકર અને કૅપ્ટન રોહિત શર્માએ આવીને ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ અને ચૅમ્પિયન્સ ટ્રોફી માટે સ્ક્વૉડની જાહેરાત કરી હતી.
ભારત માટે ૧૯ ટેસ્ટ-મૅચ અને ૨૩ T20 મૅચ રમનાર યશસ્વી જાયસવાલને પહેલી વાર ભારતની વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે. છેલ્લા છ-આઠ મહિનામાં શાનદાર પ્રદર્શન કરનાર ૨૩ વર્ષના યશસ્વીને તેની ક્ષમતાને આધારે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે એમ રોહિત શર્માએ જણાવ્યું હતું.
ટીમના અનુભવી પ્લેયર્સની વચ્ચે પચીસ વર્ષના શુભમન ગિલને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં નબળું પ્રદર્શન કરનાર આ ક્રિકેટર માટે કરીઅરને ઊંચાઈ પર લઈ જવા માટે આ સારી તક રહેશે.
કૅપ્ટન રોહિત શર્મા અનુસાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ નવા બૉલથી વિકેટ લેવામાં નિષ્ફળ જાય તો તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે. ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ત્રણ ફાસ્ટ બોલર લઈ જઈ રહી છે, કારણ કે ટીમમાં કેટલાક ઑલરાઉન્ડર જોઈએ છે.
ચીફ સિલેક્ટર અજિત આગરકર કહે છે કે ‘ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પાંચ અઠવાડિયાં માટે આરામ કરવાનું કહેવામાં આવ્યું છે જેના કારણે તે ઇંગ્લૅન્ડ સામેની પહેલી બે વન-ડે માટે ફિટ થઈ શકશે નહીં જેથી ટીમમાં હર્ષિત રાણાને સ્થાન આપવાની ફરજ પડી છે.’ ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-ડેબ્યુ કરનાર ઑલરાઉન્ડર હર્ષિત રાણાને ઇંગ્લૅન્ડ સામે ફક્ત ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમવા માટે પસંદ કરવામાં આવ્યો છે. ૬થી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન ઇંગ્લૅન્ડ સામે ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમાશે.
૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ બાદ ઇન્જરીને કારણે ક્રિકેટથી દૂર રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ T20 બાદ વન-ડે ટીમમાં પણ વાપસી કરી છે. ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ પછી પહેલી વાર વન-ડેમાં વાપસી કરશે. લાંબા સમયથી પીઠની ઈજામાંથી સ્વસ્થ થઈ રહેલા સ્પિનર કુલદીપ યાદવે પણ ઑક્ટોબર ૨૦૨૪ બાદ ટીમમાં વાપસી કરી છે.
સ્ક્વૉડની જાહેરાત પહેલાં શાનદાર પ્રદર્શનને કારણે કરુણ નાયર, સંજુ સૅમસન અને ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ ચર્ચામાં હતું; પણ તેઓ ટીમમાં જગ્યા મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. આ બાબતે રોહિત શર્મા કહે છે કે ‘કેટલાક પ્લેયર્સ સ્થાન ગુમાવશે અને આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જો તમે બધા વિશે વાત કરશો તો તમે બધાને ખુશ કરી શકશો નહીં. અમે વિવિધ પરિસ્થિતિઓમાં મૅચ જીતવા માટે શ્રેષ્ઠ ટીમ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ અને ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય સ્ક્વૉડ
રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જાયસવાલ, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા (ફક્ત ઇંગ્લૅન્ડ સિરીઝ માટે).