આ સિરીઝમાં સૌની નજર ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી પર હશે

21 November, 2024 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓપનર શુભમન ગિલના રમવા બાબતનો અંતિમ નિર્ણય પહેલા દિવસની મૅચની સવાર સુધીમાં લેવાશે

ભારતનો બોલિંગ-કોચ મૉર્ને મૉર્કલ

ભારતના બોલિંગ-કોચ મૉર્ને મૉર્કલે ગઈ કાલે  પ્રેસ-કૉન્ફરન્સમાં મહત્ત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા. પ્રૅક્ટિસ મૅચ દરમ્યાન અંગૂઠામાં ફ્રૅક્ચરનો સામનો કરનાર ભારતીય બૅટર શુભમન ગિલ બાબતે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘શુભમન ગિલની હાલત દરરોજ સુધરી રહી છે. તેની સ્થિતિનું દરરોજ નિરીક્ષણ કરવામાં આવશે, એ એક દૈનિક પ્રક્રિયા છે. અમે તેની સ્થિતિમાં સુધારાની આશા રાખીએ છીએ. પર્થ ટેસ્ટના પહેલા દિવસની સવાર સુધી તેના રમવા વિશેના નિર્ણયની રાહ જોઈશું.’

ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીની પ્રશંસા કરતાં મૉર્ને મૉર્કલે કહ્યું કે ‘અમે રેડ્ડી વિશે ઉલ્લેખ કર્યો હતો કે તેની પાસે ઑલરાઉન્ડ બૅટિંગ-કુશળતા છે પણ અહીંની પરિસ્થિતિમાં તે સારો બોલર બની શકે છે, તે વિકેટ-ટુ-વિકેટ સચોટ બોલિંગ કરે છે. તેના માટે ઑલરાઉન્ડરનું સ્થાન હાંસલ કરવાની આ સારી તક છે. વિશ્વની કોઈ પણ ટીમ હંમેશાં એવા ઑલરાઉન્ડર ઇચ્છે છે જે તમારા ફાસ્ટ બોલર પરનો ભાર ઓછો કરી શકે. સૌની નજર તેના પ્રદર્શન પર રહેશે.’ આંધ્ર પ્રદેશ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતાં નીતીશ કુમાર રેડ્ડીએ ૨૩ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૭૭૯ રન ફટકારીને ૫૬ વિકેટ 
પણ લીધી છે. 

ભારતના વધુ બે પ્લેયર્સ ઇન્જર્ડ થયા  
ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ પહેલાં પ્રૅક્ટિસ દરમ્યાન વધુ બે ભારતીય પ્લેયર્સ ઇન્જર્ડ થયા છે. અહેવાલ અનુસાર લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલને ભારતના રિઝર્વ ફાસ્ટ બોલર ખલીલ અહમદના સ્થાને લેવામાં આવ્યો છે, કારણ કે ખલીલ ઈજાને કારણે ઘરે પરત ફરી રહ્યો છે. બંગલાદેશ સામેની ટેસ્ટ-ટીમમાં સામેલ દયાલ સાઉથ આફ્રિકામાં ભારતીય T20 ટીમમાં હતો, પરંતુ એક પણ મૅચ રમ્યો નહોતો. મંગળવારે બૅટિંગ કરતી વખતે યશસ્વી જાયસવાલને પણ ખભામાં દુખાવાની સમસ્યા હતી, પરંતુ તે બુધવારે નેટ પ્રૅક્ટિસ માટે આવ્યો હતો. 

ધીરજથી લેવામાં આવશે મોહમ્મદ શમી વિશેનો નિર્ણય 
રણજી ટ્રોફીમાં બંગાળ તરફથી રમતાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મધ્ય પ્રદેશ સામે ૭ વિકેટ લીધી હતી. ૩૬૦ દિવસ બાદ ક્રિકેટના મેદાન પર વાપસી કરનાર શમી બાબતે મૉર્ને મૉર્કલે કહ્યું હતું કે ‘અમે ચોક્કસપણે શમી પર નજર રાખીશું, પરંતુ સમજવાની જરૂર છે કે તે આખું વર્ષ રમતથી દૂર રહ્યો છે. આપણે તેના અને તેના શરીરનું સન્માન કરવું જોઈએ. તે અમારા માટે મોટી વાત છે કે તેણે શાનદાર વાપસી કરી છે. અમે તેને સારો ટેકો કેવી રીતે આપી શકીએ? અમે તેને ટીમમાં સર્વશ્રેષ્ઠ વાપસી કરવાની સારી તક કેવી રીતે આપી શકીએ? આ માટે ધીરજ રાખવી પડશે અને તેના શરીરને અનુકૂળ થવા માટે થોડો સમય આપવો પડશે.’

sports news sports indian cricket team cricket news nitish kumar shubman gill