28 November, 2024 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ
પર્થ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટર્સને ટેસ્ટ-રૅન્કિંગમાં ફાયદો થયો છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કૅગિસો રબાડા (બીજા ક્રમે) અને ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ (ત્રીજા ક્રમે)ને પછાડીને ફરી ટેસ્ટ-રૅન્કિંગમાં નંબર વન બોલર બની ગયો છે. પર્થ ટેસ્ટમાં ૮ વિકેટ લેનાર બુમરાહના કરીઅરના સર્વશ્રેષ્ઠ ૮૮૩ પૉઇન્ટ્સ બન્યા છે. બુમરાહના સાથી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પર્થ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી હોવાથી તેને પણ ત્રણ સ્થાનનો ફાયદો થયો છે અને તે પચીસમા ક્રમે પહોંચી ગયો છે.
ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ૧૬૧ રનની શાનદાર ઇનિંગ્સ રમનાર યશસ્વી જાયસવાલ પોતાની કરીઅરના સર્વશ્રેષ્ઠ ૮૨૫ પૉઇન્ટ્સની મદદથી બૅટર્સના રૅન્કિંગમાં નંબર ટૂ પર પહોંચ્યો છે. ન્યુ ઝીલૅન્ડના કેન વિલિયમસન (ત્રીજા ક્રમે)ને અને ઇંગ્લૅન્ડના હૅરી બ્રુક (ચોથા ક્રમે)ને એક-એક સ્થાનનું નુકસાન થયું છે. ઇંગ્લૅન્ડનો સ્ટાર બૅટર જો રૂટ આ લિસ્ટમાં પહેલા સ્થાને છે.
ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંતે છઠ્ઠા ક્રમે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. અનુભવી સ્ટાર બૅટ્સમૅન વિરાટ કોહલીએ તેની ૩૦મી ટેસ્ટ-સેન્ચુરી બાદ નવ સ્થાન આગળ વધીને ૧૩મા ક્રમે પહોંચીને પોતાનું રૅન્કિંગ સુધાર્યું છે.