midday

ઇંગ્લૅન્ડ સામે સતત પાંચમી T20 સિરીઝ જીતી ભારતે, ઘરઆંગણે સતત સત્તરમી

01 February, 2025 09:49 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

ભારતના ૧૮૧/૯ સામે ઇંગ્લૅન્ડ ૧૬૬ રનમાં ઓલઆઉટ : T20 ઇન્ટરનૅશનલમાં ભારતે પહેલી વાર બે ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી હતી: ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શિવમ દુબેની છઠ્ઠી વિકેટ માટે ૮૭ રનની ભાગીદારીથી ભારતીય ટીમે ૧૮૨ રનનો ટાર્ગેટ આપ્યો અંગ્રેજોને
હાર્દિક પંડ્યા ૫૩ રન અને શિવમ દુબેએ પણ ૫૩ રન ફટકારીને છઠ્ઠી વિકેટ માટે ૮૭ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.

હાર્દિક પંડ્યા ૫૩ રન અને શિવમ દુબેએ પણ ૫૩ રન ફટકારીને છઠ્ઠી વિકેટ માટે ૮૭ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.

પુણેમાં રમાયેલી T20 મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડને ૧૫ રનથી હરાવીને પાંચ મૅચની સિરીઝ ૩-૧થી જીતી લીધી છે. ભારતે ઇંગ્લૅન્ડ સામે સતત પાંચમી T20 સિરીઝ જીતી છે અને ઘરઆંગણે સતત સત્તરમી T20 સિરીઝ જીતી છે. ભારતે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૮૧ રન કર્યા હતા, જેના જવાબમાં ઇંગ્લૅન્ડ ૧૯.૪ ઓવરમાં ૧૬૬ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું. ભારત વતી રવિ બિશ્નોઈ અને હર્ષિત રાણાએ ત્રણ-ત્રણ વિકેટ અને વરુણ ચક્રવર્તીએ બે વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડ વતી માત્ર હૅરી બ્રુક (૨૬ બૉલમાં ૫૧) અને બેન ડકેટ (૧૯ બૉલમાં ૩૯) ઝળક્યા હતા.

ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ​ઇંગ્લૅન્ડે ફાસ્ટ બોલર માર્ક વુડના સ્થાને મીડિયમ ફાસ્ટ બોલર સાકિબ મહમૂદ અને બૅટર જેમી સ્મિથના સ્થાને જેકબ બેથેલે ટીમમાં વાપસી કરી હતી. ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં મોહમ્મદ શમીના સ્થાને અર્શદીપ સિંહ, ધ્રુવ જુરેલના સ્થાને રિન્કુ સિંહ, જ્યારે વૉશિંગ્ટન સુંદરના સ્થાને શિવમ દુબેને એન્ટ્રી મળી હતી.

ચોથી મૅચમાં બે ઓવરની અંદર ભારતીય ટીમે ૧૨ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર ભારતે પહેલી બે ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ફૉર્મેટમાં પોતાની સૌથી ખરાબ શરૂઆત કર્યા બાદ ટીમના યંગ બૅટર અભિષેક શર્મા (૨૯ રન) અને રિન્કુ સિંહ (૩૦ રન)એ ટીમની ઇનિંગ્સ સંભાળી હતી.  ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (૫૩ રન) અને શિવમ દુબે (૫૩ રન)એ છઠ્ઠી વિકેટ માટે ૮૭ રનની ભાગીદારી નોંધાવીને ટીમનો સ્કોર નવ વિકેટે ૧૮૧ સુધી પહોંચાડી દીધો હતો.

મીડિયમ ફાસ્ટ બોલર સાકિબ મહમૂદે ઇંગ્લૅન્ડની બીજી ઓવરમાં સંજુ સેમસન (એક રન), તિલક વર્મા (શૂન્ય ) અને સૂર્યકુમાર યાદવ (શૂન્ય )ની વિકેટ ઝડપીને ઇતિહાસ રચ્યો હતો. આ ઓવર તેની ટ્રિપલ વિકેટ મેઇડન બની હતી. ટ્રિપલ વિકેટ મેઇડન એ એવી ઓવર હોય છે જેમાં બોલર કોઈ પણ રન આપ્યા વિના ત્રણ વિકેટ લે છે. તે આ કમાલ કરનાર ઇંગ્લ‍ૅન્ડનો પહેલો બોલર બન્યો હતો. ભારત સામે કોઈ પણ ટીમના બોલર દ્વારા આ પહેલી ઘટના છે. T20 ઇન્ટરનૅશનલમાં આવી પહેલી અને એકમાત્ર ટ્રિપલ વિકેટ મેઇડન ઓવર વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેરોમ ટેલરે ૨૦૦૭માં સાઉથ આફ્રિકા સામે કરી હતી.

india england pune t20 hardik pandya shivam dube varun chakaravarthy abhishek sharma arshdeep singh harshit rana cricket news sports news sports