૧૩૫ દિવસ જૂનો ઑસ્ટ્રેલિયન અને ૨૨ વર્ષ જૂનો ભારતીય રેકૉર્ડ તૂટ્યો

30 June, 2024 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિમેન્સ ટેસ્ટક્રિકેટમાં એક ઇનિંગ્સમાં ૬૦૦ રન ફટકારનારી પ્રથમ ટીમ બની ભારતની

સ્નેહ રાણાએ ૩ વિકેટ લીધી હતી.

બીજા દિવસના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર ૪ વિકેટે ૨૩૬ રન થયો: એકમાત્ર ટેસ્ટમાં ભારતીય ટીમ પાસે ૩૬૭ રનની લીડ

વિમેન્સ ક્રિકેટના ૯૦ વર્ષના ઇતિહાસમાં જે કોઈ ન કરી શક્યું એ કામ કરીને ભારતીય મહિલા ટીમે એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો હતો. ભારતીય મહિલા ટીમે ચેન્નઈમાં ચેપૉક સ્ટેડિયમમાં એકમાત્ર ટેસ્ટના બીજા દિવસે સાઉથ આફ્રિકા સામે ઑસ્ટ્રેલિયાનો ઐતિહાસિક રેકૉર્ડ તોડી નાખ્યો હતો. ભારતીય મહિલા ટીમ ટેસ્ટક્રિકેટના ઇતિહાસમાં ૬૦૦ રન ફટકારનારી પ્રથમ ટીમ બની થઈ હતી.

ઑસ્ટ્રેલિયાની ટીમે ૧૬ ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમૅચમાં ૯ વિકેટે ૫૭૫ રન બનાવ્યા હતા. ચેન્નઈ ટેસ્ટના પહેલા દિવસે ૫૨૫ રન ફટકારીને ભારતીય મહિલા ટીમે પોતાનો એક ઇનિંગ્સમાં સર્વોચ્ચ સ્કોરનો ૪૬૭ રનનો ૨૨ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. બીજા દિવસે કૅપ્ટન હરમનપ્રીત કૌર (૬૯ રન) અને રિચા ઘોષે (૮૬ રન) ટીમનો સ્કોર ૬૦૦ સુધી પહોંચાડ્યો હતો. બન્ને વચ્ચેની ૧૪૩ રનની પાર્ટનરશિપ તૂટ્યા બાદ ભારતીય ટીમે ૧૧૫ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૬૦૩ રન પર ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બીજા દિવસના અંતે સાઉથ આફ્રિકન ટીમનો સ્કોર ૪ વિકેટે ૨૩૬ રન રહ્યો. સ્નેહ રાણાએ ૩ વિકેટ લઈને સાઉથ આફ્રિકન ટૉપ ઑર્ડરને પૅવિલિયનનો રસ્તો બતાવ્યો હતો. આજે ત્રીજા દિવસે મેરિઝાન કૅપ (૬૯ રન) અને નાદીન ડી ક્લાર્ક (૨૭ રન) સાઉથ આફ્રિકાની ઇનિંગ્સને આગળ વધારશે.

વિમેન્સ ટેસ્ટક્રિકેટમાં ટૉપ ફાઇવ સ્કોર
ભારત ઃ ૬૦૪/૬, ૨૦૨૪માં સાઉથ આફ્રિકા સામે
આ‌ૅસ્ટ્રેલિયા ઃ ૫૭૫/૯, ૨૦૨૪માં સાઉથ આફ્રિકા સામે 
આ‌ૅસ્ટ્રેલિયા : ૫૬૯/૬ , ૧૯૯૮માં ઇંગ્લૅન્ડ સામે
આ‌ૅસ્ટ્રેલિયા : ૫૨૫/૧૦, ૧૯૮૪માં ભારત સામે
ન્યુ ઝીલૅન્ડ ઃ ૫૧૭/૮, ૧૯૯૬માં ઇંગ્લૅન્ડ સામે

indian womens cricket team cricket news sports news sports