ઇંગ્લૅન્ડ સામે રિન્કુ સિંહ સતત બીજી વાર ઝીરોમાં થયો આઉટ

02 February, 2024 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલરો સામે ભારત ૨૦૦ની અંદર ઑલઆઉટ થયું

રીન્કુ સિંઘ

ભારત ‘એ’ અને ઇંગ્લૅન્ડ લાયન્સ વચ્ચે અમદાવાદમાં ત્રીજી અનઑફિશ્યલ મૅચ ચાલી રહી છે, જેમાં મહેમાન ટીમના ફાસ્ટ બોલરો સામે ભારતના બૅટ્સમેનોનો ધબડકો જોવા મળ્યો હતો. પહેલા બૅટિંગ કરતાં ભારતની પૂરી ટીમ ૫૦.૨ ઓવરમાં જ ૧૯૨ રનના સામાન્ય સ્કોરમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. એના જવાબમાં ઇંગ્લૅન્ડ લાયન્સની ટીમે દિવસના અંતે ૩૪ ઓવરમાં ૧ વિકેટના ભોગે ૯૮ રન બનાવી દીધા હતા. ઇંગ્લૅન્ડ લાયન્સની ટીમ ભારતના સ્કોરથી હજી ૯૪ રન પાછળ છે.

ઇંગ્લૅન્ડ ટીમે ટૉસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. જોકે એ નિર્ણય દિવસના અંતે સાચો સાબીત થતો જોવા મળ્યો હતો. ભારત તરફથી મેદાન પર આવેલા યુવા સુકાની અભિમન્યુ ઈશ્વરન પહેલા બૉલમાં જ આઉટ થઈ ગયો હતો. તો બીજા ઓપનર તરીકે આવેલા સાઈ સુદર્શન પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં અને ૭ રન બનાવી આઉટ થઈ ગયો હતો. આમ ૧૯ રનના સ્કોર પર ભારતની બે વિકેટ પડી ગઈ હતી.

દેવદત્ત પડિક્કલ અને તિલક વર્માએ થોડા અંશે બાજી સંભાળી
ત્યાર બાદ મેદાન પર આવેલા દેવદત્ત પડિક્કલ અને તિલક વર્માની જોડીએ બાજી સંભાળી હતી. આ બન્નેની જોડીએ ભારતનો સ્કોર ૫૦ને પાર પહોંચાડ્યો હતો. જોકે ભારતની આ જોડીને ઇંગ્લૅન્ડના યુવા બોલર મેથ્યુ પોટ્ટસે તોડી હતી. તેણે તિલક વર્માને બાવીસ રનના સ્કોર પર આઉટ કર્યો હતો. આમ ભારતના ૫૯ રનના સ્કોર પર ત્રીજી વિકેટ પડી હતી.

૭૭ રનના સ્કોર પર ભારતની ચોથી વિકેટ પડી હતી. આ વિકેટ ભારતના યુવા ક્રિકેટર રિન્કુ સિંહની હતી. મહત્ત્વનું છે કે અમદાવાદના આ સ્ટેડિયમમાં રિન્કુ સિંહ સતત બીજી વાર શુન્ય રને આઉટ થયો હતો. ભારત તરફથી દેવદત્ત પડિક્કલ અને સારાંશ જૈને સૌથી વધુ રન કર્યા હતા. પડિક્કલે ૬૫ રન તો સારાંશ જૈને ૬૪ રન કર્યા હતા અને ભારતનો સ્કોર ૧૯૨ બર પહોંચાડ્યો હતો. ઇંગ્લૅન્ડ તરફથી મેથ્યુ પોટ્ટસે ૬ અને બ્રીડોન કાર્સે ૪ વિકેટ ઝડપી હતી. 

sports news sports cricket news indian cricket team rinku singh