23 December, 2024 03:02 PM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
નવી વન-ડે જર્સી પહેરીને પહેલી વાર રમવા ઊતરી હતી ભારતીય વિમેન્સ ટીમ
વડોદરા નજીક બનેલા નવા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈ કાલે પહેલી વાર ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ હતી. વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી મૅચમાં ૨૧૧ રને જીત મેળવી ભારતીય વિમેન્સ ટીમે ત્રણ વન-ડેની આ સિરીઝમાં વિજયી શરૂઆત કરી છે. ભારતીય ટીમે ટૉસ હારીને પહેલી બૅટિંગ કરતાં ૯ વિકેટે ૩૧૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૨૬.૨ ઓવરમાં ૧૦૩ રન ફટકારીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
એક વન-ડે મૅચમાં પહેલી વાર પાંચ વિકેટ લઈને ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુર બની પ્લેયર ઑફ ધ મૅચ.
ભારતીય વિમેન્સ ટીમે વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી વાર ૨૦૦ પ્લસ રનની જીત મેળવી છે. ૨૦૦૪માં ભારતે આ ટીમ સામે ૧૭૦ રનની સૌથી મોટી જીત નોંધાવી હતી. ૨૦૧૭માં આયરલૅન્ડ સામેની ૨૪૯ રનની જીત બાદ વન-ડેમાં ભારતની આ બીજી સૌથી મોટી જીત છે. રન મામલે વેસ્ટ ઇન્ડીઝ વિમેન્સ ટીમની સૌથી મોટી હાર છે. છેલ્લે તેમણે ૨૦૧૯માં ઇંગ્લૅન્ડ સામે ૨૦૮ રને મોટી હારનો સામનો કર્યો હતો.
ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરની અગિયારમી ઓવરમાં કૅચ પકડવા મિડ-ઑન પર લગાવી સુપરમૅન જેવી છલાંગ. માત્ર જમણા હાથે કૅચ પકડીને હરમનપ્રીત કૌરે લીધી હરીફ ટીમની પાંચમી વિકેટ. ભારતીય કૅપ્ટનના શાનદાર કૅચને કારણે આલિયા એલી (૧૩ રન)એ પૅવિલિયન પાછા ફરવું પડ્યું હતું.
ભારતીય ટીમની ઓપનિંગ જોડી સાથે ટૉપ-ઑર્ડર બૅટર્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્મૃતિ માન્ધનાએ ૯૧ રન, ડેબ્યુટન્ટ પ્રતીકા રાવલે ૪૦ રન, હરલીન દેઓલે ૪૪ રન અને હરમનપ્રીત કૌરે ૩૪ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને ટીમને યાદગાર શરૂઆત અપાવી હતી. જ્યારે બીજી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરે ૧૦ ઓવરમાં ૨૯ રન આપીને પાંચ વિકેટ લઈ તરખાટ મચાવ્યો હતો. વન-ડે કરીઅરમાં પહેલી વાર તેણે એક મૅચમાં પાંચ વિકેટ ઝડપી છે.
ભારતીય વિમેન્સ ટીમ માટે ૧૫૦મું વન-ડે ડેબ્યુ
વેસ્ટ ઇન્ડીઝ વિમેન્સ ટીમ સામેની વન-ડે સિરીઝની પહેલી મૅચમાં ભારતીય વિમેન્સ ટીમ તરફથી પ્રતીકા રાવલને ડેબ્યુ-કૅપ મળી હતી. તે ભારતની વિમેન્સ ટીમ માટે ડેબ્યુ કરનાર ૧૫૦મી પ્લેયર બની છે. દિલ્હીની આ ૨૪ વર્ષની ઓપનરે ૧૦ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને તેણે સાઇકોલૉજીનો પણ અભ્યાસ કર્યો છે. પહેલી જ મૅચમાં ૬૯ બૉલમાં ૪૦ રનની ઇનિંગ્સ રમીને સ્મૃતિ માન્ધના સાથે ૧૪૦ બૉલમાં ૧૧૦ રનની પાર્ટનરશિપ કરી ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.
વિમેન્સ ક્રિકેટર દ્વારા એક કૅલેન્ડર યરમાં પહેલી
સ્મૃતિ માન્ધનાએ રમી ૯૧ રનની શાનદાર ઇનિંગ્સ.
વાર ૧૬૦૦ પ્લસ રન ભારતીય ઓપનર સ્મૃતિ માન્ધના એક કૅલેન્ડર યરમાં ૧૬૦૦ પ્લસ રન ફટકારનાર પહેલી મહિલા ક્રિકેટર બની છે. આ સાથે તે ૧૬૦૨ રન સાથે એક કૅલેન્ડર યરમાં હાઇએસ્ટ રન-સ્કોરર પણ બની ગઈ છે. તેણે સાઉથ આફ્રિકાની એલ. વૉલ્વાર્ડટનો રેકૉર્ડ તોડ્યો છે જેણે ૨૦૨૪માં હમણાં સુધી ૧૫૯૩ રન ફટકાર્યા છે.