સાઉથ આફ્રિકન મહિલાઓને ૧૦ વિકેટથી પરાસ્ત કરી ભારતીય લેડીઝે

02 July, 2024 01:00 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

શફાલી વર્મા પ્લેયર આૅફ ધ મૅચ, સ્નેહ રાણાએ મૅચમાં ૧૦ વિકેટ લીધી

ભારતીય ટીમ

સાઉથ આફ્રિકા સામેની એકમાત્ર ટેસ્ટમૅચ ભારતીય મહિલાઓએ ગઈ કાલે ૧૦ વિકેટથી જીતી લીધી હતી. ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચોથા દિવસે ભારતીય મહિલાઓએ જીતવા માટે જોઈતા ૩૭ રન વિના વિકેટે બનાવી લીધા હતા.

ભારતે પહેલી ઇનિંગ્સમાં ૬ વિકેટે ૬૦૩ રન કરીને દાવ ડિક્લેર કર્યો એ પછી સાઉથ આફ્રિકન મહિલાઓ માત્ર ૨૬૬ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી, જેને પગલે ભારતે એને ફૉલોઑન આપ્યું હતું. સાઉથ આફ્રિકન મહિલાઓએ બીજી ઇનિંગ્સમાં ફાઇટ આપી હતી અને ત્રીજા દિવસની રમતના અંતે બે વિકેટે ૨૩૨ રન બનાવ્યા હતા. જોકે ચોથા દિવસે બૅટરો લાંબું નહોતી ટકી શકી અને ૩૭૩ રનમાં સમેટાઈ ગઈ હતી. પરિણામે ભારતીય મહિલાઓને માત્ર ૩૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો.

શફાલી વર્માએ પહેલી ઇનિંગ્સમાં ૨૦૫ અને બીજીમાં અણનમ ૨૪ રન કર્યા હતા અને તે પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થઈ હતી.

રાઇટ-આર્મ ઑફ-બ્રેક બોલર સ્નેહ રાણાએ પહેલી ઇનિંગ્સમાં ૮ અને બીજીમાં બે મળીને મૅચમાં કુલ ૧૦ વિકેટ લીધી હતી. આમ કરીને તે એક ટેસ્ટમાં ૧૦ વિકેટ લેનારી ઝુલન ગોસ્વામી પછીની બીજી ભારતીય બોલર બની હતી.

indian womens cricket team india south africa cricket news sports sports news