13 December, 2022 12:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આપણા દિલધડક વિજયનું શ્રેય પ્રેક્ષકોને : સ્મૃતિ મંધાના
નવી મુંબઈમાં ભારતની મહિલા ટીમે ટી૨૦ના ડિફેન્ડિંગ ચૅમ્પિયન તથા વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમને થ્રિલિંગ પર્ફોર્મન્સીઝ વચ્ચે અભૂતપૂર્વ ટાઇ બાદ સુપરઓવરમાં જે રીતે પરાજિત કરી એ પછી પ્લેયર ઑફ ધ મૅચ સ્મૃતિ મંધાના બેહદ ખુશ હતી. મેન્સ ક્રિકેટની જેમ હવે વિમેન્સ ક્રિકેટમાં પણ મૅચો રોમાંચક બની રહી છે, ખેલાડીઓના એક્સાઇટિંગ પર્ફોર્મન્સીઝ જોવા મળી રહ્યા છે અને ક્રિકેટપ્રેમીઓનો રસ વધી રહ્યો છે. ભારતના વિજય બાદ મંધાના તેમ જ ટીમની અન્ય ખેલાડીઓએ ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં આવેલા હજારો પ્રેક્ષકોના ઉત્સાહભર્યા સપોર્ટથી ખુશખુશાલ અને ભાવુક થઈ ગઈ હતી.
મૅચની શરૂઆતમાં પ્રેક્ષકોની સંખ્યા ૪૫,૨૩૮ હતી, પરંતુ મૅચ જેમ-જેમ આગળ વધતી ગઈ અને જીત ભારતની તરફેણમાં આવતી ગઈ એમ નવા પ્રેક્ષકો આવતા ગયા હતા અને સંખ્યા ૪૭,૦૦૦થી પણ વધી ગઈ હતી.
મંધાનાએ બીસીસીઆઇના એક વિડિયો મારફત ચાહકોને ખાસ સંદેશો મોકલ્યો હતો. મૅચ પછી સ્મૃતિએ એમાં કહ્યું, ‘અહીં સ્ટેડિયમમાં આવવા બદલ દરેક વ્યક્તિનો ખૂબ-ખૂબ આભાર. અહીં મૅચ દરમ્યાન અદ્ભુત માહોલ હતો. તમે બધા મોટી સંખ્યામાં અહીં પધાર્યા અને અમને જે રીતે સપોર્ટ આપ્યો એ બદલ અમે બધા ખૂબ આભારી છીએ. હા, આ મૅચ અભૂતપૂર્વ અને અવિસ્મરણીય બની ગઈ. મૅચ આવી અદ્ભુત બનશે એવી અમે ધારણા જ નહોતી રાખી. જોકે ક્રાઉડની હાજરી અને તેમણે આપેલા પ્રચંડ સપોર્ટને કારણે જ આવું સંભવ બન્યું. અમે બે વર્ષ પછી પહેલી વાર હોમ-સિરીઝ રમ્યાં અને એમાં અમને શરૂઆતથી જ અદ્ભુત સપોર્ટ મળ્યો. મૅચની તમામ ૪૦ ઓવર દરમ્યાન આવા પ્રકારના સપોર્ટથી અમે જીતવા માટે વધુ મૉટિવેટ થઈ હતી.’
ભારતે આ શાનદાર જીત સાથે એક રીતે ઑસ્ટ્રેલિયા સામેની ૨૦૨૦ ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલની હારનો તેમ જ તાજેતરની કૉમનવેલ્થ ગેમ્સની ફાઇનલના પરાજયનો બદલો લઈ લીધો છે એમ કહી શકાય.
હવે આ સિરીઝની બાકીની ત્રણ મૅચ સીસીઆઇના બ્રેબર્ન સ્ટેડિયમમાં રમાશે. આ ત્રણ મૅચ ૧૪, ૧૭, ૨૦ ડિસેમ્બરે રમાશે. મૅચ સાંજે ૭.૦૦ વાગ્યાથી રમાશે.
સ્મૃતિ મંધાના, રિચા ઘોષ, દેવિકા વૈદ્યના જાદુઈ પર્ફોર્મન્સ : ઑસ્ટ્રેલિયા સામેની સુપરઓવરમાં રેણુકાની પણ કમાલ
રવિવારે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ભારતની મહિલા ટીમે ઑસ્ટ્રેલિયાને પાંચ મૅચવાળી ટી૨૦ સિરીઝની બીજી મૅચમાં હરાવીને શ્રેણી ૧-૧થી લેવલ કરી લીધી હતી. બન્ને ટીમે ૧૮૭-૧૮૭ રન બનાવતાં મૅચ ટાઇ થઈ હતી અને પછી દિલધડક સુપરઓવરમાં ભારતે વિજય મેળવી લીધો હતો.
બૅટિંગમાં ખાસ કરીને સ્મૃતિ મંધાના, રિચા ઘોષ તેમ જ દેવિકા વૈદ્યને કારણે આ વિજય શક્ય બન્યો હતો. ભારતે જીત માટે ૧૮૮ રન બનાવવાના હતા. મેગન શૂટની ૨૦મી ઓવરના આખરી બૉલમાં પાંચ રનની જરૂર હતી. મિડલ સ્ટમ્પ પરના ફુલ લેન્ગ્થ બૉલને બૅકવર્ડ પૉઇન્ટ પરથી બાઉન્ડરી લાઇનની બહાર મોકલીને ભારતને જરૂરી ૪ રન અપાવતાં મૅચ ટાઇ થઈ હતી. ૨૦ ઓવરમાં ઑસ્ટ્રેલિયાના ૧૮૭/૧ના સ્કોર સામે ભારતનો સ્કોર ૧૮૭/૫ હતો.
ઑસ્ટ્રેલિયાના ૧૮૭ રનમાં બેથ મૂનીના અણનમ ૮૨ રન તથા તાહિલા મૅકગ્રાના અણનમ ૭૦ રન હતા, જ્યારે ભારતના ૧૮૭ રનમાં સ્મૃતિ મંધાના (૭૯ રન, ૪૯ બૉલ, ચાર સિક્સર, નવ ફોર), શેફાલી વર્મા (૩૪ રન, ૨૩ બૉલ, એક સિક્સર, ચાર ફોર), કૅપ્ટન હરમનપ્રીત કૌર (૨૧ રન, ૨૨ બૉલ, એક સિક્સર, બે ફોર), વિકેટકીપર રિચા ઘોષ (૨૬ અણનમ, ૧૩ બૉલ, ત્રણ સિક્સર) તથા દેવિકા વૈદ્ય (૧૧ અણનમ, પાંચ બૉલ, બે ફોર)નાં મુખ્ય યોગદાનો હતાં. ભારતને એક્સ્ટ્રામાં ૧૦ રન મળ્યા હતા. ઑસ્ટ્રેલિયાની સાત બોલર્સમાં હીધર ગ્રેહામે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : ન્યુ ઝીલૅન્ડ સામે ભારતની વિમેન્સ અન્ડર-19 ક્રિકેટ ટીમની ૫-૦થી ક્લીન સ્વીપ
સુપરઓવરમાં આ મુજબના ઉતાર-ચડાવ હતા :
ભારતની ઇનિંગ્સ (બોલર : હીધર ગ્રેહામ)
પ્રથમ બૉલ : રિચા ઘોષની સિક્સર
બીજો બૉલ : રિચા ઘોષ આઉટ
ત્રીજો બૉલ : હરમનપ્રીતનો એક રન
ચોથો બૉલ : મંધાનાની ફોર
પાંચમો બૉલ : મંધાનાની સિક્સર
છઠ્ઠો બૉલ : મંધાનાના ત્રણ રન
(ભારત એક વિકેટે ૨૦ રન, ઑસ્ટ્રેલિયાને ટાર્ગેટ ૨૧ રન)
ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સ (બોલર : રેણુકા સિંહ)
પ્રથમ બૉલ : અલીસા હિલીની ફોર
બીજો બૉલ : હિલીનો એક રન
ત્રીજો બૉલ : ઍશ્લેઇ ગાર્ડનર કૅચઆઉટ
ચોથો બૉલ : મૅકગ્રાનો એક રન
પાંચમો બૉલ : હિલીની ફોર
છઠ્ઠો બૉલ : હિલીની સિક્સર
(ઑસ્ટ્રેલિયા એક વિકેટે ૧૬ રન, ભારતનો વિજય)