T20 ઇન્ટરનૅશનલમાં બૅક-ટુ-બૅક સેન્ચુરી બાદ બૅક-ટુ-બૅક ઝીરોમાં આઉટ થનાર દુનિયાનો પ્રથમ બૅટર બન્યો સૅમસન

14 November, 2024 10:01 AM IST  |  Pretoria | Gujarati Mid-day Correspondent

ઓપનર અભિષેક શર્માના ૫૦ રન અને ટૉપ ઑર્ડર બૅટર તિલક વર્માના ૧૦૭ રનની અણનમ ઇનિંગ્સની મદદથી ભારતીય ટીમે યજમાન ટીમને ૬ વિકેટ ગુમાવીને ૨૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો

સંજુ સૅમસન

ગઈ કાલે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં સાઉથ આફ્રિકા સામેની ત્રીજી T20માં ભારતીય ટીમ ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરી હતી. ઓપનર અભિષેક શર્માના ૫૦ રન અને ટૉપ ઑર્ડર બૅટર તિલક વર્માના ૧૦૭ રનની અણનમ ઇનિંગ્સની મદદથી ભારતીય ટીમે યજમાન ટીમને ૬ વિકેટ ગુમાવીને ૨૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. બાવીસ વર્ષના તિલક વર્માની આ પહેલી ઇન્ટરનૅશનલ સેન્ચુરી હતી. 

૩૦ વર્ષના ભારતીય ઓપનર સંજુ સૅમસને એક શરમજનક રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. T20 ઇન્ટરનૅશનલમાં બૅક-ટુ-બૅક સેન્ચુરી કર્યા બાદ બૅક-ટુ-બૅક ઝીરો પર આઉટ થનાર તે દુનિયાનો પહેલો બૅટર બન્યો છે. T20 ઇન્ટરનૅશનલમાં ફુલ મેમ્બર ટીમમાંથી એક કૅલેન્ડર યરમાં તે સૌથી વધુ પાંચ વાર ઝીરોમાં આઉટ થનાર ઓવરઑલ બીજો અને પહેલો ભારતીય પ્લેયર બન્યો છે. 
આ પહેલાં ૨૦૨૨માં ઝિમ્બાબ્વેનો રેગિસ ચકાબ્વા પાંચ વાર ઝીરોમાં આઉટ થયો હતો. T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ વાર ડક થનાર ભારતીય પ્લેયર્સમાં રોહિત શર્મા (૧૨ વાર) અને વિરાટ કોહલી (૭ વાર) બાદ સંજુ (૬ વાર) ત્રીજો પ્લેયર બન્યો છે. 

બૅક-ટુ-બૅક ઝીરોમાં જનાર તે કે. એલ. રાહુલ (૨૦૨૧ ઇંગ્લૅન્ડ વિરુદ્ધ) અને રોહિત શર્મા (૨૦૨૪ અફઘાનિસ્તાન વિરુદ્ધ) બાદ ત્રીજો ભારતીય ઓપનર બન્યો છે. T20 ઇન્ટરનૅશનલમાં પાંચ વાર ઝીરોમાં જનાર તે એકમાત્ર ભારતીય વિકેટરકીપર બન્યો છે. રિષભ પંત વિકેટકીપર તરીકે ચાર વાર ડક થયો છે. 

સંજુની છેલ્લી ચાર T20 ઇન્ટરનૅશનલ ઇનિંગ્સ 
૧૧૧ (૪૭) : બંગલાદેશ સામે ત્રીજી T20માં
૧૦૭ (૫૦) : સાઉથ આફ્રિકા સામે પહેલી T20માં
0 (૩) : સાઉથ આફ્રિકા સામે બીજી T20માં
0 (૨) : સાઉથ આફ્રિકા સામે ત્રીજી T20માં

india south africa sanju samson tilak varma t20 international Rishabh Pant indian cricket team cricket news sports sports news