03 October, 2024 10:56 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
ટિમ સાઉધી, ટૉમ લૅધમ
૧૬ ઑક્ટોબરથી ભારત સામેની ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ પહેલાં ન્યુ ઝીલૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન ટિમ સાઉધીએ કૅપ્ટન્સી છોડી દીધી છે. આ અનુભવી ફાસ્ટ બોલરના સ્થાને ટીમનો ટૉપ ઑર્ડર બૅટર ટૉમ લૅધમ ટેસ્ટ-ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. ડિસેમ્બર ૨૦૨૨માં કેન વિલિયમસને પદ પરથી રાજીનામું આપ્યા બાદ સાઉધીએ ન્યુ ઝીલૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી. કેન વિલિયમસન હાલમાં લિમિટેડ ઓવર્સના ફૉર્મેટનો કૅપ્ટન છે.
IND vs NZ: સાઉધીએ ૧૪ ટેસ્ટ-મૅચમાં ન્યુ ઝીલૅન્ડની કૅપ્ટન્સી કરી હતી જેમાં કિવીઓએ ૬માં જીત, ૬માં હાર મેળવી અને બે મૅચ ડ્રૉ કરી હતી. શ્રીલંકા સામે ટેસ્ટ-સિરીઝમાં કારમી હારનો સામનો કરનાર ૩૫ વર્ષના આ ક્રિકેટરે કહ્યું હતું કે ‘મેં હંમેશાં મારી કારકિર્દી દરમ્યાન ટીમને પ્રાથમિકતા આપી છે અને મને લાગે છે કે મારો આ નિર્ણય ટીમના હિતમાં છે. હું ટૉમને આ ભૂમિકા માટે શુભેચ્છા પાઠવું છું. હું તેને ટેકો આપવા હંમેશાં હાજર રહીશ.’ ૩૨ વર્ષનો ટૉમ લૅધમ આ પહેલાં પણ ત્રણેય ફૉર્મેટમાં પાર્ટ-ટાઇમ કૅપ્ટન તરીકે કૅપ્ટન્સી કરી ચૂક્યો છે.
ટૉમ લૅધમનો કૅપ્ટન્સી રેકૉર્ડ
૦૫ T20 : બે જીત, ત્રણ હાર
૪૪ વન-ડે : ૨૮ જીત, ૧૫ હાર, ૧ નો રિઝલ્ટ
૦૭ ટેસ્ટ : ૪ જીત, ૩ હાર