૮ બૉલમાં ૩ વિકેટ ગુમાવીને ભારત બૅકફુટ પર આવી ગયું

02 November, 2024 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડની છેલ્લી ૭ વિકેટ ૭૬ રનમાં લઈને ૨૩૫ રનમાં આૅલઆઉટ કર્યું અને પછી ૧૭ ઓવરમાં ૧ વિકેટે ૭૮ રન પણ કરી લીધા હતા, પરંતુ...

યશસ્વી જાયસવાલ રિવર્સ સ્વીપ જેવો બેજવાબદાર શૉટ મારીને ક્લીન બોલ્ડ થઈ ગયો હતો (ઉપર). મોહમ્મદ સિરાજ પહેલા જ બૉલમાં લેગ બિફોર વિકેટ થઈને પૅવિલિયનમાં પાછો ફર્યો હતો (ડાબે) અને વિરાટ કોહલીએ લૉન્ગ-ઑન તરફ શૉટ મારીને એક ઝડપી સિંગલ લેવાની કોશિશ કરી હતી જેમાં તે ડાયરેક્ટ હિટને પગલે રનઆઉટ થઈ ગયો હતો જેને લીધે હવે ભારત મુસીબતમાં મુકાઈ ગયું છે.

મુંબઈમાં સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટની રોમાંચક શરૂઆત : રવીન્દ્ર જાડેજાએ પાંચ અને વૉશિંગ્ટન સુંદરે ૪ વિકેટ લઈને કિવીઓને નમાવ્યા : દિવસના અંતે પાંચ મિનિટમાં યશસ્વી જાયસવાલની બેજવાબદાર બૅટિંગ અને વિરાટની આત્મઘાતી રનિંગ ભારે પડી ભારતને

બૅન્ગલોર અને પુણેમાં ટેસ્ટમૅચ હારીને સિરીઝ ગુમાવ્યા પછી ભારત પાસે ગઈ કાલથી મુંબઈમાં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં નાક બચાવવાનો ચાન્સ છે, પણ પહેલા દિવસની રમતના અંત ભાગમાં ટીમ મોટાં બ્લન્ડર કરીને બૅકફુટ પર આવી ગઈ છે. ન્યુ ઝીલૅન્ડ પહેલી ઇનિંગ્સમાં ૬૫.૪ ઓવરમાં ૨૩૫ રનમાં ઑલઆઉટ થઈ ગયું એ પછી ભારતે ૧૯ ઓવરમાં ૪ વિકેટે ૮૬ રન કર્યા હતા. 

ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થયેલી ટેસ્ટમૅચના પહેલા દિવસે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ લીધી હતી. ભારતના બોલરોએ શરૂઆત સારી કરી હતી અને આકાશ દીપે માત્ર ૧૫ રનના સ્કોરે ડેવોન કૉન્વેને લેગ બિફોર વિકેટ આઉટ કર્યો એ પછી વૉશિંગ્ટન સુંદરે કૅપ્ટન ટૉમ લૅધમ અને રાચિન રવીન્દ્રને ક્લીન બોલ્ડ કર્યા હતા. ૭૨ રનના સ્કોર પર ત્રીજી વિકેટ પડી એ પછી વિલ યંગ અને ડેરિલ મિચલે બાજી સંભાળી હતી, પરંતુ ત્યાર બાદ રવીન્દ્ર જાડેજા નામનું વાવાઝોડું ફૂંકાયું હતું.

ન્યુ ઝીલૅન્ડનો સ્કોર ત્રણ વિકેટે ૧૫૯ હતો ત્યારે જાડેજા પહેલી વાર ત્રાટક્યો હતો અને પછી થોડી-થોડી વારે ત્રાટકતો રહ્યો હતો. કિવીઓએ છેલ્લી ૭ વિકેટ માત્ર ૭૬ રનમાં ગુમાવી દીધી હતી, જેમાંથી પાંચ વિકેટ જાડેજાએ બાવીસ ઓવરમાં ૬૫ રન આપીને લીધી હતી. વૉશિંગ્ટન સુંદરે ૮૧ રન આપીને ૪ વિકેટ લીધી હતી. ન્યુ ઝીલૅન્ડને આટલી જબરદસ્ત રીતે બૅકફુટ પર ધકેલ્યા પછી ભારતે ભલે સાતમી ઓવરમાં પચીસ રનના સ્કોરે કૅપ્ટન રોહિત શર્માને ગુમાવ્યો, પણ પછી બાજી સંભાળી લીધી હતી. સાંજના ૪.૪૭ વાગ્યા સુધી બધું બરાબર હતું, પણ એ પછીની પાંચ મિનિટ અને ૮ બૉલ ભારત પર કયામત બનીને આવ્યાં હતાં.

અઢારમી ઓવર શરૂ થઈ ત્યારે ભારતનો સ્કોર ૧ વિકેટે ૭૮ હતો, પણ એ ઓવરના બીજા બૉલમાં એકદમ સેટ થયેલો બૅટર યશસ્વી જાયસવાલ દિવસનો અંત નજીકમાં હતો એવા સમયે રિવર્સ સ્વીપ જેવો બેજવાબદાર શૉટ મારીને ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. તેણે ૩૦ રન કર્યા હતા. ત્યાર બાદ નાઇટ વૉચમૅન તરીકે આવેલો મોહમ્મદ સિરાજ પહેલા જ બૉલમાં લેગ બિફોર વિકેટ થઈને પૅવિલિયનમાં પાછો ફર્યો હતો એટલે વિરાટ કોહલીએ વન-ડાઉન બૅટર શુભમન ગિલને સાથ આપવા મેદાનમાં ઊતરવું પડ્યું હતું. દિવસની છેલ્લી ઓવરના ત્રીજા બૉલે વિરાટે લૉન્ગ-ઑન તરફ શૉટ મારીને એક ઝડપી સિંગલ લેવાની બિનજરૂરી કોશિશ કરી હતી જેમાં તે ડાયરેક્ટ હિટને પગલે રનઆઉટ થઈ ગયો હતો. આમ અઢારમી ઓવરના બીજા બૉલથી શરૂ કરીને ઓગણીસમી ઓવરના ત્રીજા બૉલ સુધીના કુલ ૮ બૉલમાં બાજી પલટાઈ ગઈ હતી. ઉપરાઉપરી ત્રણ વિકેટ ગુમાવીને ભારત ઘૂંટણિયે પડી ગયું હતું.

શુભમન ગિલ ૩૧ રનના સ્કોર પર અને રિષભ પંત એક રન બનાવીને નૉટઆઉટ હતા.

india new zealand rohit sharma test cricket mumbai news wankhede