ન્યુ ઝીલૅન્ડ સામે બીજી ટેસ્ટમાં પણ, બીજા જ દિવસે ભારત પરાજયના પંથે

26 October, 2024 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેજવાબદાર બૅટિંગ કરીને માત્ર ૪૫.૩ ઓવરમાં ૧૫૬ રનમાં ખખડી ગયું: ન્યુ ઝીલૅન્ડે બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટે ૧૯૮ રન કરીને ૩૦૧ રનની લીડ લઈ લીધી: મિચેલ સૅન્ટનરે ૭ વિકેટ લઈને ભારતની કમર તોડી: બીજી ઇનિંગ્સમાં વૉશિંગ્ટન સુંદર ફરી ઝળક્યો, ૪ વિકેટ લીધી

મિચેલ સૅન્ટનરના ફુલટૉસમાં ક્લીન બોલ્ડ થતો વિરાટ કોહલી

ફુલટૉસ ચૂકીને બોલ્ડ થયેલા કોહલી પર ચાહકો જબરદસ્ત ભડક્યા

વિરાટ કોહલી ગઈ કાલે જે રીતે આઉટ થયો એ જોઈને તેના પર ભારે પસ્તાળ પડી રહી છે. મિચેલ સૅન્ટનરના નીચા રહેલા ફુલટૉસમાં તે આડા બૅટનો શાૅટ મારવા જતાં ચૂકી ગયો હતો અને ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. કૉમેન્ટેટર સંજય માંજરેકરે આ શૉટને કોહલીના જીવનનો સૌથી ખરાબ શૉટ ગણાવ્યો હતો. વિરાટ પોતે આઉટ થયા પછી પોતાના પર અકળાતો-અકળાતો પ‍ૅવિલિયનમાં પાછો ફર્યો હતો.

ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટ હાર્યા પછી હવે બીજી મૅચમાં પણ ભારતના માથે પરાજય તોળાઈ રહ્યો છે. ન્યુ ઝીલૅન્ડના પહેલી ઇનિંગ્સના ૨૫૯ રન સામે ભારતીય ટીમ ગઈ કાલે માત્ર ૧૫૬ રનમાં ખખડી ગઈ હતી અને બીજી ઇનિંગ્સમાં કિવીઓએ પાંચ વિકેટ ૧૯૮ રન કરીને કુલ ૩૦૧ રનની લીડ લઈ લીધી હતી.

બીજી ટેસ્ટમૅચના હજી તો માત્ર બે દિવસ થયા છે ત્યાં આ ગેમનું સંભવતઃ રિઝલ્ટ દેખાવા માંડતાં ભારતીય ક્રિકેટપ્રેમીઓ નિરાશ થઈ ગયા છે. પુણેમાં રમાઈ રહેલી આ ટેસ્ટમાં બે દિવસમાં પચીસ વિકેટો પડી છે. ગઈ કાલે ભારતની પચાસ રનના સ્કોર પર એક વિકેટ હતી એ પછી બાકીના ૧૦૬ રનમાં ૯ વિકેટ પડી ગઈ હતી. ભારત વતી યશસ્વી  જાયસવાલ (૩૦), શુભમન ગિલ (૩૦) અને રવીન્દ્ર જાડેજા (૩૮) જ થોડુંક યોગદાન આપી શક્યા હતા; એ સિવાયના તમામ બૅટરો ફ્લૉપ રહ્યા હતા. વિરાટ કોહલી માત્ર ૧ રન બનાવીને મિચેલ સૅન્ટનરના ફુલટૉસ બૉલમાં ક્લીન બોલ્ડ થયો એને પગલે ભારે ટીકાપાત્ર બન્યો હતો.

પહેલા દિવસે ટિમ સાઉધીએ રોહિત શર્માને ઝીરો પર ક્લીન બોલ્ડ કર્યો એ પછી ગઈ કાલે બધી વિકેટો સ્પિનરોએ લીધી હતી. લેફ્ટી સ્પિનર મિચેલ  સૅન્ટનર ૭ વિકેટ લઈ ગયો હતો અને ગ્લેન ફિલિપ્સે બે વિકેટ લીધી હતી.

ન્યુ ઝીલૅન્ડની બીજી ઇનિંગ્સમાં વૉશિંગ્ટન સુંદર ફરી ઝળક્યો હતો. પહેલી ઇનિંગ્સમાં કિવીઓની ૭ વિકેટ લેનારા સુંદરે સેકન્ડ ઇનિંગ્સમાં પાંચમાંથી ૪ વિકેટ લીધી હતી. એક વિકેટ રવિચન્દ્રન અશ્વિનના ફાળે ગઈ હતી. બીજી ઇનિંગ્સમાં કિવીઓના કૅપ્ટન ટૉમ લૅધમે ૮૬ રનની મહત્ત્વની ઇનિંગ્સ રમીને ટીમ માટે જીતનો પાયો નાખ્યો હતો.

 

sports news sports indian cricket team cricket news new zealand virat kohli india