31 October, 2024 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એજાઝ પટેલ
૨૦૨૧માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત સામે એક ટેસ્ટ-ઇનિંગ્સમાં ૧૧૯ રન આપીને દસ વિકેટ લેનાર કિવી સ્પિનર એજાઝ પટેલ ફરી એક વાર એ જ મેદાન પર રમતો જોવા મળશે. પ્રેસ કૉન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે ‘મુંબઈ પરત આવવું હંમેશાં ખાસ હોય છે. અહીં ફરી રમવાનો મોકો મળવો ખૂબ જ ખાસ છે. સાચું કહું તો તમામ દસ વિકેટ લીધા પછી મને ખાતરી નહોતી કે મારી કરીઅરમાં ફરીથી મુંબઈમાં રમવાની તક મળશે.’
મુંબઈ ટેસ્ટમાં સ્પિન-ફ્રેન્ડ્લી પિચની ચર્ચા વચ્ચે મુંબઈમાં જન્મેલા આ ૩૬ વર્ષના સ્પિનરે કહ્યું હતું કે ‘જ્યારે ટર્નિંગ વિકેટો પર રમવાની વાત આવે છે ત્યારે ભારત હજી પણ અમને પડકાર આપી શકે છે. ભારતીય બૅટ્સમેનોએ પરંપરાગત રીતે ટર્ન-ટેકિંગ પિચો પર સારું પ્રદર્શન કર્યું છે. સિરીઝમાં તેમને સફળતા નથી મળી, પરંતુ તેઓ ચોક્કસપણે એવા હરીફ છે જેના પર વિજય મેળવવો
સરળ નથી, તેમના ખેલાડીઓ ખૂબ જ કુશળ છે. અમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે અમને જે પણ વિકેટ પર રમવા મળે એના પર અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપીએ.’